પોરબંદરના 420ના ગુનાનો અમદાવાદી આરોપી 40 વર્ષ ફરાર રહીને વડોદરામાં મર્યા પછી પોલીસને મળ્યો
છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરતી પોરબંદર એસ.ઓ.જી.
પોરબંદર
ગેજેટેડ ઓફિસરો હોય તેમ ગેજેટેડ ગુનેગારો પણ હોય છે. ગુનો કરીને ફરાર થઈ ગયેલો આરોપી અમુક સમય સુધી શોધવા છતાં ન મળે તો પોલીસ તેનું નામ ગેજેટ પર ચડાવતી હોય છે. અને તમારું નામ ગેજેટ પર ચડ્યા પછી પોલીસ માટે ખૂબ જ ઈમ્પોર્ટન્ટ બની જાવ છો. તમે કોઈ ગુનો કર્યા વગર મરી જાઓ તો રેશનકાર્ડ વગેરેમાંથી તમારું નામ કમી કરાવવા માટે તમારા પરિવારજનોને જહેમત ઉઠાવવી પડે છે પરંતુ તમે એકવાર ગેજેટ ગુનેગાર બની જાઓ પછી ગજેટમાંથી તમારું નામ કમી કરાવવા માટે પોલીસે પણ અઘરી મહેનત કરવી પડે છે. આવો એક અઘરો કિસ્સો પોરબંદર પોલીસે સોલ્વ કર્યો હતો.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક બી.યુ.જાડેજા દ્વારા જુના ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.પ્રિયદર્શી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર પી.ડી.જાદવ દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા એસ.ઓ.જી સ્ટાફને સૂચના કરવામા આવેલ જે અનવ્યે કિર્તીમંદીર પોલીસના આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) ગુન્હાના કામે છેલ્લા ૪૦ વર્ષથી નાસ્તો ફરતો આરોપી રજનીકાંત નવઘણભાઇ દેસાઇ (રહે,અમદાવાદ જોધપુર ટેકરા) અંગે એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ. રવિભ ચાંઉ, હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા તથા સમીર જુણેજા આ ગુન્હાના આરોપી અંગે જીણવટભરી તપાસ કરતા સદર ગુન્હાનો આરોપી પોતાની ઓળખ છુપાવવા આજદિન સુધી પોતાના સરનામા બદલાવતો હોય અને અલગ-અલગ જગ્યાએ પોતાની ઓળખ છુપાવી રહેતો હોવાની હ્યુમનસોર્સીસથી બાતમીરાહે હકીકત મળેલ કે, આ ગુન્હાનો આરોપી વડોદરા સમર્પણ સોસાયટી, રાણેશ્વર મંદીર પાસે,વાસણા રોડ ખાતે રહેતો હોવાની સચોટ માહિતી મળેલ જે આધારે તપાસ કરતા ઉપરોક્ત જગ્યાએ સદર ગુન્હાનો આરોપી રહેતો હતો અને તા.૨૭/૫/૨૦૨૦ ના રોજ મરણ ગયેલ હોય જેથી તેના પુત્રવધુનું નિવેદન તેમજ સદર ગુન્હાના આરોપીનું મરણ પ્રમાણપત્ર મેળવી અને વડોદરા મ્યુન્સિપલીટી કચેરી ખાતે ખરાઇ કરાવતા મરણ ગયેલ હોય જેથી છેલ્લા ૪૦ વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ નાસ્તા ફરતા આરોપીનું નામ કમી કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં જમાદાર ડી.વી.ડાકી, બી.કે.ગોહીલ, મોહિત ગોરાણીયા, એચ.એલ.ગરચર, ભીમા ઓડેદરા તથા કોન્સ્ટેબલ દીલીપ મોઢવાડીયા, સરમણ ખુંટી તથા ડ્રાપોકો ચંદ્ર જાડેજા વગેરે પણ રોકાયેલ હતા.
Box
ગેઝેટ પ્રસિધ્ધ આરોપીનુ અઘરું નામ-સરનામું:
રજનીકાંત નવઘણભાઇ દેસાઇ રહે,અમદાવાદ જોધપુર ટેકરા,હાલ- સમર્પણ સોસાયટી, રાણેશ્વર મંદીર પાસે,વાસણા રોડ વડોદરા