
નારન બારૈયા, નવા રતનપર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં સરપંચ દલિત હોવા છતાં તે નામના જ સરપંચ છે. કેટલાક કાળા ચૌદશિયાના ઇશારે કામ કરી રહ્યા હોય તે રીતે દલિત સરપંચ બારૈયા અને ઉપસરપંચ બારૈયા તથા તેમની બોડી 2024માં વર્ક ઓર્ડર નીકળી જવા છતાં ગામના દલિત સ્મશાનનું કામ થતું અટકાવી રહી છે. આ રીતે પંચાયત પોતે જ ગામના વિકાસના કામની વિરુદ્ધમાં હોવાનું ચિત્ર ઉભું થયું છે. નવા રતનપર ગ્રામ પંચાયત સામે એક બહુ જ મોટું આંદોલન થવાના એંધાણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પુના કેશવ સુમરાની આગેવાનીમાં દલિત સમાજ પંચાયત બોડીના આ વિકાસ વિરોધી વલણ સામે લડત ચલાવી રહ્યો છે અને આ અંગે તેઓએ ડીડીઓ સહિત તંત્રના તમામ મુખ્ય સ્થાન પર વ્યાપક રજૂઆત કરી છે. જોકે દલિત સરપંચ ગૌતમ બારૈયાની આગેવાની વાળી પંચાયત બોડી નવા રતનપરના દલિત સ્મશાનનો વર્ક ઓર્ડર નીકળી જવા છતાં તેને અટકાવી રહી છે, એવું દલિત આગેવાન પુના કેશવ સુમરાએ ડીડીઓ અને અન્ય સ્થળો પર કરેલી રજૂઆતમાં જણાવ્યું છે. પુના કેશવ સુમરા, એસ જે સુમરા, ડાયા તેજા, રાજેશ દુદા, નરશી સુમરા, પ્રવીણ સુમરા, હર્ષા સુમરા, બીપીન સુમરા, જે એન સુમરા વગેરે વગેરે દલિત આગેવાનોની સહીઓ સાથેની રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉ વહીવટદાર શાસન હતું ત્યારે વહીવટદાર દલસુખ જાનીની હાજરીમાં પણ સ્મશાન માટે ફાળવેલી ગ્રાન્ટમાંથી દલિત સ્મશાનનું કામ શરૂ કરી દેવાની જાહેર સમજણ થઈ હતી. પરંતુ નવા દલિત સરપંચ બારૈયા ચૂંટાયા અને ત્યારબાદ તેઓ દલિત સરપંચ હોવા છતાં દલિતોના સ્મશાનનું કામ આગળ વધવા દેતા નથી. દલિત સ્મશાનનું કામ અટકાવવામાં સરપંચ ઉપરાંત ઉપસરપંચ અને સભ્યો પણ ભૂમિકા ભજવી રહ્યા હોવાનું તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે. રજૂઆતમાં તેઓએ એ પણ જણાવ્યું છે કે જો સરપંચ તથા ઉપસરપંચ અને તેમના સભ્યો દલિતોના સ્મશાન માટે ફાળવવામાં આવેલી ખાસ ગ્રાન્ટમાંથી વહેલામાં વહેલી તકે આ કામ શરૂ નહીં કરે અને આ કામ રદ કરશે તો નવારતનપરના દલિતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
દલિત સરપંચ હોવા છતાં શા માટે નથી થતું દલિતોના સ્મશાનનું કામ???
નવા રતનપરમાં આઝાદી પછી એકાદ અપવાદને બાદ કરતા કોળી સમાજના બારૈયા પરિવારનું શાસન રહ્યું છે. આ બારૈયા પરિવારના શાસન દરમિયાન જ નવા રતનપરના દલિત સ્મશાન ઉપર મોટાપાયે દબાણો થઈ ગયાં હતાં. ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીના ખાસમખાસ ગણાતા સરપંચ જગદીશ બારૈયાના સમયમાં 2019ની સાલમાં તંત્રના એક વ્યાપક ઓપરેશનમાં આ દબાણો ડિમોલિશ્ડ થયાં હતાં. આ દબાણો ડિમોલિશ્ડ થતાંની સાથે જ ગામના ભરવાડોએ દાદાગીરીથી કરેલા 400 વીઘા જમીનના દબાણો હટાવવાની વાત સપાટી ઉપર આવી હતી અને તે દરમિયાન જ ગામમાં વહીવટદાર શાસન આવી ગયું હતું. વહીવટદાર તરીકે દલસુખ જાનીના સમયમાં દલિતો માટે મળેલી ખાસ ગ્રાન્ટમાંથી દલિતોના સ્મશાનની કામગીરી શરૂ કરવાની શરૂઆત કરવાની શરૂઆત થઈ ચૂકી હતી. પરંતુ તે દરમિયાન જ ચૂંટણી આવી ગઈ હતી. ચૂંટણીમાં દલિત અનામત જાહેર થતાં નવારતનપરના વર્ષો જૂના બારૈયા શાસન ઉપર પ્રશ્નાર્થ મુકાયો હતો પરંતુ દલિતોમાં પણ બારૈયા અટક હોય છે અને નવારતનપર ગામે ગૌતમ બારૈયા નામના એક ઉમેદવારને ભવ્ય વિજય અપાવ્યો હતો અને આ રીતે સરપંચ તરીકે બારૈયા સરનેમનું રક્ષણ થયું હતું. પરંતુ બારૈયા સરનેમ વાળા નવા સરપંચને ફક્ત એક મહોરુ બનાવી નાખવાનું કારસ્તાન ગોઠવાયું અને નવો સરપંચ ગૌતમ બારૈયા પોતાની બુદ્ધિથી કામ કરવાને બદલે કેટલાક ભેદી લોકોના ઈશારે કામ કરતો થાય તે પ્રકારનું વાતાવરણ બનાવી નાખવામાં આવ્યું. અને દલિત સરપંચને પોતે દલિત હોવા છતાં દલિતોના સ્મશાનની વિરુદ્ધમાં કામ કરતો કરી દેવામાં આવ્યો. વળી સરપંચ અને ઉપસરપંચ તો મોટાભાગે ભાવનગર જ રહે છે ગામમાં તો રાજકારણના બીજા ભુવાઓ જ ધૂણી રહ્યા છે. આ રાજકારણી ભુવાઓ હાલની પંચાયત બોડીને તહસનહસ કરીને જંપશે તેવી વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ ઉપલી સપાટી ઉપર દર્શન આપતા રાજકારણી ભુવાઓની પાછળ પણ કેટલાક ચોક્કસ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ (સ્થાપિત હિતો) કામ કરી રહ્યા છે – એવી તબક્કાવાર અને ચોક્કસ વેરીફાઇડ પરફેક્ટ માહિતી પણ મળી રહી છે.












તસવીર: ઓશન બારૈયા, ભાવનગર
