વર્ષ ૨૦૧૯ ના જૂના કેસમાં કોર્ટે સાત વર્ષ બાદ ચુકાદો આપી લોન ધારકોમાં ફફડાટ ફેલાવ્યો
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
પોરબંદરમાં આવેલી સાંઈબાબા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને આપેલો ચેક પાછો ફરતા નામદાર કોર્ટે આરોપીને જેલની સજા ફટકારી છે. આ સોસાયટીના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મેશ પરસોતમ દતાણી દ્વારા પોરબંદરની કોર્ટમાં ચેક બાઉન્સ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સોસાયટીએ પોરબંદરના રહેવાસી હરભમભાઈ માલદેભાઈ કારાવદરાને લોન આપી હતી. આ લોનની રકમની ભરપાઈ કરવા માટે હરભમભાઈએ ચેક આપ્યો હતો, જે બેંકમાંથી પરત ફરતા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કેસ પોરબંદરના સિવિલ જજ ચાવડાની કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે એ સાબિત કર્યું હતું કે આરોપીએ લોનની રકમ ચૂકવવાના ભાગરૂપે જ ચેક આપ્યો હતો. કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાને રાખી હરભમભાઈ માલદેભાઈ કારાવદરાને તકસીરવાન ઠેરવ્યા હતા. નામદાર કોર્ટે આરોપીને ૬ માસની સાદી કેદની સજા અને ૪,૪૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપી આ દંડની રકમ ન ભરે તો તેને વધુ ૩૦ દિવસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દંડની આ રકમ ફરિયાદી મંડળીને વળતર તરીકે ચૂકવી આપવા પણ કોર્ટે આદેશ કર્યો છે.
સામાન્ય રીતે મંડળીઓમાંથી લોન લીધા બાદ કેટલાક લોકો રકમ ચૂકવતા નથી અને કાયદાકીય પ્રક્રિયાનો ગેરલાભ લઈ લાંબો સમય કેસ ખેંચતા હોય છે. આ ફરિયાદ ૨૦૧૯ માં નોંધાઈ હતી, જેનો છેક ૭ વર્ષે ૨૦૨૬ માં નિકાલ આવ્યો છે. કોર્ટે નોંધ્યું કે આવા કેસોમાં સજા થવી જરૂરી છે જેથી સમાજમાં દાખલો બેસે. આ ચુકાદાને પગલે લોન લઈને નાણાં પરત ન કરનારા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી અને ભાવના પારધી રોકાયેલા હતા.
