Headlines

પોરબંદરમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન અને સુવિધા કેન્દ્ર શરૂ: જન્મદિવસે સમાજને શિક્ષણની ભેટ આપતા ધવલ જુંગી


ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

ડબલ્યુડબલ્યુએફ ઈન્ડિયાના મરીન વિભાગના ગુજરાત વડા અને પોરબંદર ખારવા સમાજના ધવલ જુંગી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પોતાના જન્મદિવસની અનોખી અને સમાજલક્ષી રીતે ઉજવણી કરીને પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો છે. દેશની અગ્રણી પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ સંસ્થા સાથે જોડાયેલા ધવલ જુંગી હંમેશાં સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. તેઓ પોતાના દરેક જન્મદિવસે તબીબી કેમ્પ અને રક્તદાન કેમ્પ જેવા કાર્યો કરતા આવ્યા છે.
આ વર્ષે ૧૮ મેના રોજ તેમણે સમાજના શિક્ષણ સ્તરને મજબૂત બનાવવા તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર શૈક્ષણિક માર્ગદર્શન અને વિદ્યાર્થી સુવિધા કેન્દ્રની શરૂઆત કરી છે. પોરબંદરમાં શીતળા ચોક પાસે આવેલા બહાદુર પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નંબર ૧૩ માં શરૂ થયેલું આ કેન્દ્ર હાલ એક વર્ષ સુધી સોમવારથી શનિવાર દરમિયાન સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી કાર્યરત રહેશે.
આ કેન્દ્ર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શાળા તથા કોલેજ પ્રવેશ તેમજ સરકારની વિવિધ શૈક્ષણિક સહાય યોજનાઓ માટે ફોર્મ ભરવા અને અરજી કરવાની સેવાઓ સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. જોકે પરીક્ષા કે પ્રવેશ ફોર્મ માટે સરકાર અથવા સંસ્થા દ્વારા નક્કી થયેલી ફી અરજદારે પોતે ચૂકવવાની રહેશે. વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન મળી રહે તે માટે સંપર્ક નંબર ૯૭૨૭૭૭૮૬૮૨ પણ જાહેર કરાયો છે. ધવલ જુંગીની આ સમાજપ્રેરક પહેલને અગ્રણી લોકોએ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *