ધ ગ્રેટ વર્લ્ડ, મોસ્કો
રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષે અત્યંત ગંભીર અને વિનાશક વળાંક લીધો છે. રશિયન સેનાએ આજે સવારથી યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક મોટા શહેરો પર સેંકડો બેલેસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે હુમલો કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આ સતત હુમલાઓમાં યુક્રેનનું સંરક્ષણ માળખું અને ઊર્જા ગ્રીડ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ હુમલાઓ યુક્રેન દ્વારા રશિયન સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલા શેલિંગના જવાબમાં કરવામાં આવ્યા છે. હુમલામાં કિવના રહેણાંક વિસ્તારો અને મહત્વના સરકારી ભવનોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થયું છે.
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો મુજબ, રશિયાએ આ વખતે ‘કિંઝલ’ હાઈપરસોનિક મિસાઈલોનો પણ ઉપયોગ કર્યો છે, જે યુક્રેનિયન એર ડિફેન્સ સિસ્ટમ માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે. યુક્રેનના અનેક શહેરોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેનાથી સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધી છે. રશિયાના આ આક્રમક વલણને કારણે યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ફફડાટ ફેલાયો છે. મોસ્કોમાં રશિયન નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમના સુરક્ષા લક્ષ્યાંકો પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આ ‘સ્પેશિયલ લશ્કરી ઓપરેશન’ ચાલુ રહેશે. બીજી તરફ, યુક્રેન પણ પશ્ચિમી દેશો પાસેથી વધુ શક્તિશાળી શસ્ત્રોની માંગ કરી રહ્યું છે. યુદ્ધના આ નવા તબક્કાને કારણે વૈશ્વિક શાંતિ જોખમમાં મુકાઈ છે અને સંયુક્ત રાષ્ટ્રએ તાત્કાલિક યુદ્ધવિરામ માટે અપીલ કરી છે.
