Headlines

સુજલામ સુફલામ જલ અભિયાનથી પોરબંદર જિલ્લામાં જળસંચયને મળ્યો વેગ


૧૭૩૨ લાખ રૂપિયાના ખર્ચે ૨૬૩ કામો હાથ ધરાયા, તળાવો ઊંડા કરવા અને કેનાલ સફાઈની કામગીરી ગતિમાં

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

ગુજરાતની ધરાને હરિયાળી બનાવવા અને જળ સંકટ સામે રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલું સુજલામ સુફલામ જલ અભિયાન અને જળ સંચય જન ભાગીદારી ૨.૦ પોરબંદર જિલ્લામાં હવે જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. વિવિધ સરકારી વિભાગોના સંકલન સાથે પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરવાનો સંકલ્પ આગળ ધપાવવામાં આવી રહ્યો છે. ૧૩ માર્ચથી શરૂ થયેલું આ અભિયાન મે મહિનાના અંત સુધી ચાલવાનું છે અને તેનો મુખ્ય હેતુ ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવી ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોના જીવનમાં રાહત અને સુખાકારી લાવવાનો છે.

જિલ્લામાં હાથ ધરાયેલી કામગીરી અંગે માહિતી આપતાં પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રામદેવ ઓડેદરાએ જણાવ્યું હતું કે કલેક્ટર એસ.ડી. ધાનાણીના નેતૃત્વમાં સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગ, મહાનગરપાલિકા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને નગરપાલિકા સહિતના વિવિધ વિભાગો દ્વારા જળસંચયના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે ૧૭૩૨ લાખ રૂપિયાના ખર્ચે કુલ ૨૬૩ જેટલા કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ૧૬૯ વિભાગીય કામો, ખેડૂતો દ્વારા સ્વખર્ચે કરાયેલા ૯૪ ખેત સુધારણાના કામો તેમજ ડીઆરડીએ હેઠળ સ્વરોજગારીના ૧૧ કામોનો સમાવેશ થાય છે.

આ અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવા, ચેકડેમ અને બંધપાળા રિપેર કરવા તેમજ અંદાજે ૧૩૫ કિલોમીટર લાંબી કેનાલોની સાફસફાઈની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર આયોજન દ્વારા જિલ્લામાં ૪.૬૨ લાખ ઘનમીટર જેટલું ખોદકામ થવાનું છે અને અંદાજે ૪૬૦૦થી વધુ માનવદિનની રોજગારી ઊભી થવાની છે. આગામી ૩૧ મે સુધીમાં આ તમામ કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેના કારણે જિલ્લામાં જળસ્તર ઊંચું આવશે અને ખેડૂતોને સિંચાઈ તથા જમીન સુધારણામાં સીધો લાભ મળશે.

આ અભિયાન માત્ર આંકડાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ માનવીય સંવેદના પણ જોડાયેલી છે. રોજગારીના સર્જનથી અનેક શ્રમિક પરિવારોને આજીવિકાનો આધાર મળી રહ્યો છે, જ્યારે માટીકામથી નીકળેલી ફળદ્રુપ માટી ખેતરોમાં પહોંચતા અને ચોમાસામાં પાણીના તળ ઊંચા આવતા ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે. વહીવટી તંત્ર અને જનસહભાગિતાના સહિયારા પ્રયાસોથી પોરબંદર જિલ્લો જળક્ષેત્રે વધુ સ્વાવલંબી બનવા તરફ મક્કમ પગલાં ભરી રહ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *