ધ ગ્રેટ વર્લ્ડ સુરત
આરોપીઓને વહેલી તકે ઝડપીને કડક સજા અપાવવા માટે પટેલ પ્રગતિ મંડળના અગ્રણીઓ દ્વારા પરિવારને પાઠવવામાં આવી સાંત્વના
સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગોદાવાડી ગામે બનેલી અત્યંત દુખદ અને ચકચારભરી ઘટનામાં કોળી પટેલ સમાજની દીકરી નિધિ પટેલની લૂંટ અને ઘાતકી હત્યા કેસને આજે 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે. આ ગંભીર ગુનામાં દીકરીના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, પરંતુ 20 દિવસનો લાંબો સમય પસાર થઈ જવા છતાં પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ નક્કર કડી કે આરોપીઓની પકડ માટેના પુરાવાઓ હાથ લાગ્યા નથી. આ કેસમાં અગાઉ 14 દિવસ વીતી ગયા છતાં પોલીસ દ્વારા કોઈ સફળતા ન મળવાને કારણે સ્થાનિકો અને સમાજમાં ભારે રોષ અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. સુરત પોલીસની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કે આટલો સમય વીત્યા પછી પણ ગુનેગારો પોલીસ પકડથી દૂર કેમ છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલિયા નિશાન લાગી રહ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારના રોજ બપોરે 2 વાગ્યે સુરતના પટેલ પ્રગતિ મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓનો કાફલો ગોદાવાડી ગામે પહોંચ્યો હતો. આ પ્રતિનિધિ મંડળે શોકગ્રસ્ત પરિવારના ઘરે જઈને તેમને સાંત્વના પાઠવી હતી અને આ દુઃખની ઘડીમાં સમગ્ર સમાજ પરિવારની સાથે હોવાની મક્કમ ખાતરી આપી હતી. મુલાકાત દરમિયાન સમાજના અગ્રણીઓએ એકસૂરે માંગ કરી હતી કે આ જઘન્ય હત્યા કેસના તમામ આરોપીઓને વહેલી તકે ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે. કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવીને ફાસ્ટ ટ્રાક કોર્ટમાં કેસ ચલાવીને નરાધમ આરોપીઓને ફાંસી કે કડકમાં કડક સજા મળે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં આવી જઘન્ય ઘટનાઓનું સમાજમાં પુનરાવર્તન ન થાય અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
આ સમગ્ર મામલે પટેલ પ્રગતિ મંડળના કારોબારી સભ્ય અને એડવોકેટ બાદલકુમાર સુરેશભાઈ પટેલ દ્વારા અખબારી યાદી જારી કરવામાં આવી છે. આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દીકરીના પરિવારને ન્યાય અપાવવા માટે સમાજ દ્વારા સતત અવાજ ઉઠાવવામાં આવશે અને જો આગામી સમયમાં પોલીસ દ્વારા કોઈ ચોક્કસ અને સંતોષકારક પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની રણનીતિ પણ ઘડવામાં આવી શકે છે. સુરત ગ્રામ્ય પોલીસ અને તપાસ અધિકારીઓ પર દબાણ વધારવા માટે સમાજના વિવિધ સ્તરેથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. દીકરીના બલિદાનને એળે જવા દેવામાં નહીં આવે અને દોષિતોને કાયદાકીય માળખા હેઠળ કડક સજા ન મળે ત્યાં સુધી આ લડાઈ મક્કમતાથી ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. ગોદાવાડી ગામની આ ઘટનાએ સમગ્ર સુરત જિલ્લામાં ભારે હડકંપ મચાવી દીધો છે અને સૌની નજર હવે પોલીસ તપાસના આગામી પગલાંઓ પર તથા કાયદાકીય કાર્યવાહી પર ટકેલી છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કોળી પટેલ સમાજની દીકરી નિધિ પટેલના લૂંટ અને હત્યા કેસમાં 20 દિવસ વીતવા છતાં ન્યાયની માંગ
Oplus_131072