– ડ્રોન સર્વેલન્સ સહિતની કામગીરીમાં અનેક સામે કાર્યવાહી –
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ન્યુ યરને અનુલક્ષીને જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લા ત્રણેક દિવસથી અવિરત રીતે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ જુદી જુદી પોલીસ ટુકડીઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટેની કામગીરી કરી હતી. આ કામગીરી દરમિયાન કાયદાનો ભંગ કરવા બદલ અનેક સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા થર્ટી ફર્સ્ટ – ન્યુ યરના સેલિબ્રેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય તે માટે એક્શન પ્લાન ગોઠવવામાં આવ્યો હતો. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસની ટીમને જુદી જુદી પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી. ગઈકાલે બુધવારે થર્ટી ફર્સ્ટ નિમિત્તે આખો દિવસ પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગની સધન કામગીરી કરાઈ હતી.
ગતરાત્રે ખંભાળિયા નજીકની પાયલ ચોકડી પાસે તેમજ રાત્રિના સમયે દ્વારકાના ભડકેશ્વર વિસ્તાર સહિતના સ્થળોએ જિલ્લા પોલીસ વડા પણ ખાસ ચેકિંગ કાર્યવાહીમાં જોડાયા હતા. 31 ડિસેમ્બરના અનુસંધાને દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા વિસ્તારમાં ડ્રોન મારફતે સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. આ અવિરત કામગીરીમાં જિલ્લામાં ખંભાળિયા, વાડીનાર, સલાયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા તથા ઓખા મરીન પોલીસ મથક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચાલકો, દેશી-વિદેશી દારૂ સાથે તેમજ રાત્રિના સમયે શંકાસ્પદ જણાતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેઓ સામે જુદી જુદી કલમ હેઠળ ધોરણસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.
આમ, જિલ્લામાં કાયદાનો ભંગ કરવા બદલ મોટી સંખ્યામાં પોલીસ કેસો નોંધાયા હતા. પોલીસની આ કાર્યવાહીથી કાયદાનું ઉલ્લંઘન કરતાં તત્વોમાં ફફડાટ સાથે દોડધામની લાગણી પ્રસરી જવા પામી હતી.
ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતા મિલન રાજુભાઈ મોરી નામના 23 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂ તેમજ બિયર સહિત કુલ રૂપિયા 5,740 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પોરબંદર તાલુકાના ગોઢાણા ગામનો જગા લખમણ રબારી નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.


(ફોટો:- કુંજન રાડિયા)
Show quoted text
