ભ્રષ્ટાચારની બદીમાં જોખમ હેઠળ ગ્રામજનોનું જીવન; તપાસના આદેશની માંગ: સરપંચ તેની માંગણી પૂરી નહીં કરાવે તો ગામને ઉડી જશે વિશ્વાસ
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ નોતરતી કામગીરીનો પર્દાફાશ થયો છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા નવા વીજ સ્તંભો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં જ એક વીજ પોલ અચાનક તૂટી પડતા નીચે પાર્ક કરેલા સ્કૂટરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. નસીબજોગે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ થાંભલો કોઈ રાહદારી કે નિર્દોષ બાળક પર પડ્યો હોત તો આજે ગામમાં માતમ છવાયેલો હોત. આ ગંભીર બેદરકારી સામે હવે સરપંચ ગૌતમ બારૈયાએ કડક વલણ અખત્યાર કરી ઘોઘા PGVCL ને લેખિત જાણ કરી તમામ નબળા થાંભલા બદલી આપવાની સખત માંગણી કરી છે.



ભ્રષ્ટાચારના ગાબડા: થાંભલા પડતા જ ચાર કટકા!
૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બનેલી આ ઘટનાએ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ખુલ્લી પાડી દીધી છે. જે વીજ પોલ વર્ષો સુધી અડીખમ રહેવા જોઈએ, તે નાખતી વખતે જ તૂટી પડ્યા છે. કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓની ‘પૈસા ખાવાની વૃત્તિ’ને કારણે લોખંડ કે સિમેન્ટની ગુણવત્તામાં ભયંકર બાંધછોડ કરવામાં આવી છે. લોકોએ માંગ કરી છે કે જ્યાં સુધી ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ ન થાય ત્યાં સુધી આ કામગીરી તાત્કાલિક અટકાવવામાં આવે. ગ્રામજનોનો પ્રશ્ન એ હતો કે ગામમાં થતી કામગીરીનું મોનિટરિંગ કરવાની પંચાયતની નૈતિક ફરજ ક્યાં ગઈ? તેના જવાબમાં ગામની સુરક્ષા ની ચિંતા કરનાર સરપંચ ગૌતમ બારૈયાએ પીજીવીસીએલ સામે અવાજ ઉઠાવ્યો છે.



સરપંચ ગૌતમ બારૈયાની રજૂઆત: શું આ માત્ર દેખાડો છે?
ઘટનાની ગંભીરતા જોતા સરપંચ ગૌતમ બારૈયાએ હવે PGVCL ને આડેહાથ લીધું છે. તેમણે લેખિતમાં માંગ કરી છે કે ગામમાં નખાયેલા તમામ નવા થાંભલાઓની ચકાસણી કરવામાં આવે અને જે નબળા માલવાળા હોય તેને તત્કાલ બદલવામાં આવે. સરપંચની આ આક્રમક રજૂઆતથી હાલ તો ગ્રામજનોમાં સુરક્ષાની આશા જાગી છે, પરંતુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ રજૂઆત માત્ર કાગળ પર રહી જશે કે પછી ખરેખર નબળા થાંભલા દૂર થશે?



વિરોધ પક્ષ અને ગ્રામજનોની કડી નજર
તાજેતરમાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવનારા સભ્યો પણ હવે સક્રિય થયા છે. આ સભ્યો અને ગામના જાગૃત નાગરિકો હવે એ વાત પર નજર રાખી રહ્યા છે કે સરપંચ માત્ર વાતોના વડા કરે છે કે પછી ખરેખર કોન્ટ્રાક્ટર અને PGVCL પાસે કડક હાથે અમલ કરાવે છે. ગ્રામજનોનું કહેવું છે કે, “અમને અંધારામાં જીવવું મંજૂર છે, પણ માથે મોત લઈને ફરતા આવા સ્ટ્રીટ લાઈટના થાંભલા નથી જોઈતા.”
હવે જોવાનું એ રહે છે કે ભાવનગર કલેક્ટર અને PGVCL ના ઉચ્ચ અધિકારીઓ આ ‘મોતના સોદાગર’ સમાન કોન્ટ્રાક્ટરો સામે કેવા પગલાં ભરે છે. જો તાત્કાલિક ધોરણે આ થાંભલા બદલવામાં નહીં આવે, તો સરપંચ દ્વારા પીજીવીસીએલને થયેલી રજૂઆત એક નાટક માત્ર બની જશે અને તેનાથી સરપંચ ગૌતમ બારૈયા ને આગામી દિવસોમાં બદનામી સહન કરવાનો વારો આવી શકે છે. એટલું જ નહીં બે મહિના કે ત્રણ મહિના પછી આ જ મુદ્દે આ વિશ્વાસનો પ્રસ્તાવ પૂરતી તૈયારી સાથે ફરી એકવાર થવાની પણ સંભાવના ન કરી શકાતી નથી.
