Headlines

ભાવનગર અને અલંગમાં રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સનો પ્રારંભ: તાલીમાર્થીઓને સ્ટાઈપન્ડ પણ મળશે

ધ ગ્રેટ વર્લ્ડ, અલંગ

​ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર અને સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીના સહયોગથી જિલ્લાના યુવાનો માટે રોજગારીલક્ષી સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. માનવ સેવાની સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા ૧૦ પાસ ઉમેદવારો માટે ભાવનગર અને અલંગ ખાતે વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સ શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓની સંભાળ માટે તાલીમબદ્ધ અને પ્રોફેશનલ હેલ્થ વર્કર્સ તૈયાર કરવાનો છે, જેમને ગુજરાત સરકાર અને સંબંધિત સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

​આ કોર્સની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેમાં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીને માસિક ૧૦૦૦ રૂપિયાનું સ્ટાઈપન્ડ પણ આપવામાં આવશે. તાલીમની કુલ અવધિ ૬ મહિનાની રહેશે, જેમાં પ્રથમ ૩ મહિના થિયરી અને ત્યારબાદ ૩ મહિના હોસ્પિટલમાં પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એજ્યુકેશન કીટ પણ પૂરી પાડવામાં આવશે. ભાવનગર ખાતેની બેચમાં ભાઈઓ અને બહેનો બંને માટે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ નો સમય નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે અલંગ ખાતે માત્ર બહેનો માટે બપોરે ૩ થી ૫ વાગ્યા સુધીની બેચ કાર્યરત રહેશે.

​૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા અને ઓછામાં ઓછું ૧૦ પાસ ધોરણની લાયકાત ધરાવતા રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો જેવા કે શૈક્ષણિક પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા વોટર આઈડી અને ત્રણ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે વહેલી તકે નામ નોંધણી કરાવી લેવાની રહેશે. ભાવનગરમાં દિવાનપરા રોડ સ્થિત રેડ ક્રોસ સોસાયટીની ઓફિસ અને અલંગમાં પ્લોટ નં. ૯ સ્થિત રેડક્રોસ હોસ્પિટલ ખાતે રૂબરૂ અથવા આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાશે. બેઠકો મર્યાદિત હોવાથી ‘વહેલા તે પહેલા’ ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમ સંસ્થા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *