Headlines

સોમવારે અક્ષય તૃતીયા: કાળઝાળ ગરમીથી બચવા કાળીયા ઠાકોરને ચંદન વાઘાનો શૃંગાર કરાશે

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬

આગામી સોમવાર તારીખ 20 એપ્રિલના રોજ વૈશાખ સુદ-ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવશે. સતત બે માસ સુધી શ્રીજીને ઋતુ અનુસાર ચંદન વાઘા સાથેના પુષ્પશૃંગાર થશે

– ઠાકોરજીને ઠંડક આપતાં વસ્ત્ર પરિધાન કરાશે –

દ્વારકાના જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાના પાવન અવસરે દ્વારકાધીશ રાજાધીરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવશે. વર્તમાન યુગમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખો, એર કન્ડીશન્ડ તથા અન્ય ઈલેકટ્રોનીક ઉપકરણોનો સહારો લેતાં હોય છે. જયારે જગતમંદિરમાં કાળીયા ઠાકોરને ગરમીથી બચવા માટે પુજારી પરિવાર દ્વારા શિતળતાનો અહેસાસ કરાવતાં ચંદન વાઘાનો શૃંગાર કરીને પુષ્પ શૃંગારની શરૂઆત કરવામાં આવે છે. પુષ્પશૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ-ત્રીજ થી અષાઢ સુદ- એકમ સુધી સતત બે માસ સુધી ચાલશે. જગતમંદિરમાં ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિને જ થાય છે. આ સાથે શ્રીજીને રાજાધિરાજ શૃંગાર દર્શનનો ગ્રીષ્મ ઋતુ પહેલાંનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અન્ય દેવાલયોની જેમ દ્વારકાધીશ મંદિરમાં પણ સૂર્યોદય અનુસાર સોમવાર તા. 20 ના ઉઠ્યાત કાળ અનુસાર જગતમંદિરમાં અક્ષય તૃતીયા પર્વની ઊજવણી કરવામાં આવનાર છે.

– ગ્રીષ્મ ઋતુનુસાર ભગવાનને ઠંડા ભોગ અર્પણ –

સોમવારે બપોરે 12 વાગ્યે શ્રીજીની વિશેષ શૃંગાર આરતી યોજવામાં આવશે અને બપોરે દોઢ વાગ્યા સુધી દર્શન યોજાશે. ગરમીની ઋતુથી બચવા અને શીતળતા પ્રદાન કરવા શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનું અથાણું, કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ, ચણાની મીઠી દાળ આ પ્રકારના ઠંડા ભોગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે સામાન્ય સંજોગોમાં હિન્દુ સમાજના લોકો માટે અતિ શુભ હોય વાસ્તુપૂજા, લગ્નવિધિ, ગૃહપ્રવેશ વગેરે શુભ કાર્યો કરવા માટે ઉત્તમ દિન ગણાય છે અને સમગ્ર દિવસ દરમ્યાન કોઈપણ શુભકાર્ય થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *