પોરબંદરમાં જૂની અદાવતમાં યુવાન પર લાકડી વડે હુમલો, આંગળીમાં ફ્રેક્ચર
પોરબંદર: શહેરના મેમણવાડા વિસ્તારમાં જૂની અદાવતને લીધે એક યુવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ, હુસેન યુસુફ સેતા નામના યુવાનને અગાઉના મનદુઃખને કારણે આરોપી યુસુફ મજીદ રહે. મેમણવાડાએ ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં હુસેનને જમણા હાથની છેલ્લી આંગળીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
૨. કાર લોનના હપ્તા ન ભરવા બાબતે છેતરપિંડી: અન્ય કારની નંબર પ્લેટ વાપરી ગુનો આચર્યો
પોરબંદર: પોરબંદરમાં ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરબત રામભાઈ મોઢવાડિયા અને સાગર ઉર્ફે નવઘણ નામના શખ્સોએ પોતાની સેલિયો કારના લોનના હપ્તા ન ભરવા પડે તે માટે કાર છુપાવી દીધી હતી. એટલું જ નહીં, પકડાઈ ન જવા માટે તેમણે અન્ય કાર (નંબર GJ-19-BA-5679) ની નંબર પ્લેટ પોતાની કારમાં લગાવી ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડી કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
૩. પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયાં સામે ફરિયાદ
પોરબંદર: પોરબંદરના કોલીખડા વિસ્તારમાં સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવાની ઘટના બની છે. ભોગ બનનાર મહિલાએ તેના પતિ શાંતિલાલ પલાભાઈ મોઢવાડિયા અને અન્ય ત્રણ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્નના પાંચ વર્ષ બાદ નજીવી બાબતોમાં શારીરિક અને માનસિક દુઃખ આપી, ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. મહિલા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
૪. મોબાઈલ પર ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર: કમલાબાગ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી અનિલ હીરાલાલ મહંત રહે. ખારવાવાડ, મેચ દરમિયાન પોતાના મોબાઈલમાં ‘બેટ બોલ ૨૪૭’ (Bet Ball 247) નામની એપ્લિકેશન પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ પર હાર-જીતનો જુગાર રમતો હતો. પોલીસે આરોપી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૫. જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ લારી રાખનાર શખ્સ સામે પોલીસની કાર્યવાહી
પોરબંદર: પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર માર્ગ પર અડચણ ઉભી કરનારા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી મનસુખભાઈ કોડિયાતરે પોતાની માલિકીની રેકડી (લારી) જાહેર રોડ પર એવી રીતે રાખી હતી કે જેનાથી ટ્રાફિક અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. પોલીસે જાહેરનામાના ભંગ બદલ અને ટ્રાફિકમાં અડચણ ઉભી કરવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
