રઘુવંશી એકતા લેડી અને હેપી લેડી ક્લબ દ્વારા સંગીતમય સત્સંગ અને સન્માન સમારોહનું આયોજન
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરમાં રાવલિયા પ્લોટ સામે આવેલ આસ્થાના પ્રતીક સમાન 94 વર્ષ પૌરાણિક રાધેશ્યામ મંદિર ખાતે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ધજાજી મહોત્સવ અને સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રઘુવંશી એકતા લેડી કલબ તથા હેપી લેડી ક્લબ દ્વારા રઘુવંશી સત્સંગ મંડળના સથવારે આ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી. રાધેશ્યામ ભગવાનના ધજાજીને ઢોલના તાલે બહેનો દ્વારા ફૂલેકા સાથે લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પૂજારી હિરેનભાઈ દ્વારા વિધિવત પૂજન કરાવી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત રઘુવંશી સત્સંગ મંડળના ભાવનાબેન તન્ના, મીનાક્ષીબેન ગજ્જર, રસીલાબેન કાનાણી અને ગિરધરભાઈ ઓડેદરાના સથવારે સંગીતમય ભજન-કીર્તન યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી ભક્તિનો લાભ લીધો હતો. આ પ્રસંગે પોરબંદર નગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટર ધર્મેશભાઈ પરમાર અને મીતાબેન વિકાસ જોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
મહોત્સવમાં નિર્મળાબેન કારિયા, શીલાબેન માખેચા, દુર્ગાબેન લાદીવાલા, રાજુભાઈ રૂપાણી, મહેન્દ્રભાઈ પોપટ, કિશોરભાઈ કાનાણી, હિતેશ કારિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા કાર્યક્રમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગીતાબેન તન્ના, ક્રિષ્નાબેન પોપટ, અલકાબેન દતાણી, કૃપા કારીયા, ગીતાબેન સિમરિયા, નીરૂબેન રાયચુરા, નીતાબેન લુક્કા, ભારતીબેન અટારા, શીતલબેન અટારા, જાનવી કારિયા, રજનીબેન જોબનપુત્રા તેમજ વિજયભાઈ મોનાની, યોગેશભાઈ ચોટાઈ, અમિત ચોલેરા, ભાવેશ પોપટ અને હિતેશ લાલચેતાએ જહેમત ઉઠાવી હતી.
