Headlines

પોરબંદર પોલીસ અને આરટીઓ એક્શન મોડમાં: ગેરકાયદે એલઈડી લાઈટ લગાવતા વાહનચાલકો સામે લાલઆંખ




ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદર શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત વાહનોમાં લગાડેલી ગેરકાયદેસર અને અતિ તેજ એલઈડી લાઈટો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન હાઈ પાવર એલઈડી, ફ્લેશર લાઈટ અને અન્ય નિયમ વિરુદ્ધની લાઈટો ધરાવતા વાહનોને અટકાવી તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ સઘન ચેકિંગ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં કુલ ૩૨ વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા છે. તંત્ર દ્વારા આ ચાલકોને કુલ ૩૨,૦૦૦ રૂપિયાના ઓનલાઈન ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. આ ઉપરાંત, અનેક વાહનોમાંથી સ્થળ પર જ ગેરકાયદેસર લાઈટો દૂર કરાવવામાં આવી હતી. અતિ તેજ પ્રકાશ ધરાવતી આ લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં અંજાયપો પેદા કરે છે, જે ગંભીર અકસ્માતોનું મુખ્ય કારણ બને છે. પોલીસ વિભાગે તમામ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માત્ર અધિકૃત લાઈટોનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખીને નિયમભંગ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *