યુવાનનો જીવ બચાવી માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું : ફાયર વિભાગના અધિકારી અને ટીમની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
પોરબંદર, તા. ૧૪/૦૫/૨૦૨૬
પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ફરી એક વખત ઝડપી કામગીરી અને સતર્કતા દાખવી એક યુવાનનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી. ગુરુવારના રોજ સાંજે અંદાજે ચાર વાગ્યાના અરસામાં પોરબંદર શહેરના જયુબેલી પુલ નીચે એક યુવાન અચાનક પાણીના પ્રવાહમાં પડી ગયો હતો. ઘટનાને નિહાળતા આસપાસથી પસાર થતા જાગૃત નાગરિકોએ તાત્કાલિક ૧૧૨ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ૧૧૨ હેલ્પલાઇન દ્વારા માહિતી મળતા જ ફાયર વિભાગને જાણ કરી હોવાથી પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના અધિકારી શ્રી અભય મહેતા અને તેમની ટીમ તરત જ જરૂરી રેસ્ક્યૂ સાધનો સાથે ઘટના સ્થળે દોડી પહોંચી હતી. ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર પહોંચેલી ટીમે પરિસ્થિતિનું ઝડપી મૂલ્યાંકન કરી પાણીમાં પડેલા યુવાન સુધી પહોંચવા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા કામગીરી કરી યુવાનને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. સમયસર મળેલી મદદ અને ફાયર ટીમની સતર્ક કામગીરીને કારણે એક જીવ બચી શક્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક લોકોમાં ફાયર વિભાગની કામગીરી પ્રત્યે પ્રશંસાનો માહોલ જોવા મળ્યો હતો.
