ધ ગ્રેટ વર્લ્ડ, ઈસ્લામાબાદ
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આજે કેબિનેટની એક અત્યંત મહત્વની બેઠક દરમિયાન દેશની આર્થિક સ્થિતિને સુધારવા માટે એક નવા મિશનની જાહેરાત કરી છે. તેમણે મંત્રીમંડળને સંબોધતા ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, જે રીતે પાકિસ્તાને દાયકાઓ પહેલા તમામ આંતરરાષ્ટ્રીય દબાણો અને મુશ્કેલીઓનો સામનો કરીને ‘પરમાણુ શક્તિ’ બનવાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું, બરાબર એ જ સંકલ્પ અને જુસ્સા સાથે હવે આપણે પાકિસ્તાનને ‘આર્થિક શક્તિ’ બનાવવાની દિશામાં આગળ વધવું પડશે. વડાપ્રધાને સ્વીકાર્યું હતું કે દેશ અત્યારે ઈતિહાસના સૌથી મુશ્કેલ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ જો તમામ પક્ષો અને નાગરિકો સાથે મળીને કામ કરે તો પાકિસ્તાન ફરીથી પ્રગતિના પંથે પરત ફરી શકે છે.
આ બેઠકમાં વડાપ્રધાને ‘પાકિસ્તાન ઇકોનોમિક રિવાઇવલ પ્લાન’ રજૂ કર્યો હતો, જે હેઠળ કૃષિ, આઇટી અને ખાણકામ ક્ષેત્રે વિદેશી રોકાણને આકર્ષવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાને હવે લોન પર નિર્ભર રહેવાને બદલે પોતાના સંસાધનોનો વિકાસ કરવો પડશે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં પાકિસ્તાનનો જીડીપી વૃદ્ધિ દર બમણો થઈ શકે છે. જોકે, વિપક્ષોએ આ નિવેદનને માત્ર ‘રાજકીય જુમલો’ ગણાવ્યો છે અને વધતી મોંઘવારી સામે સરકારની નિષ્ફળતા પર પ્રહારો કર્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ પણ પાકિસ્તાનને કડક આર્થિક સુધારા લાગુ કરવા માટે ચેતવણી આપી છે. તેમ છતાં, સરકાર આ નવા આર્થિક મોડલ દ્વારા દેશમાં રોજગારીની તકો ઉભી કરવા અને વિદેશી મુદ્રા ભંડાર વધારવા માટે મક્કમ દેખાઈ રહી છે.
