જેવા-તેવા સળિયા અને આછી-પાતળી કપચી નાખી માટી વાળી દેવાનો ખેલ; “ધ ગ્રેટ વર્લ્ડ” પાસે વિડીયો-ઓડિયો સાથેની ચોંકાવનારી વિગતો
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર/નવા રતનપર ગુજરાતભરમાં જ્યારે ચોમાસા પહેલાં કે પછી કરોડોના ખર્ચે બનેલા બ્રિજ અને નાળા પત્તાના મહેલની જેમ ધસી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ભ્રષ્ટાચારનો આવો જ એક ભયાનક ખેલ સરેઆમ ખેલાઈ રહ્યો હોવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શેત્રુંજી સિંચાઈ યોજના હેઠળ બસ સ્ટેશનથી નવા રતનપર ગામને જોડતા રસ્તા ઉપર નહેર ઉપર આવેલ જર્જરીત નાળું નવેસરથી બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયા બાદ હવે તેમાં ભ્રષ્ટાચારના પણ શ્રી ગણેશ થઈ ગયા છે.
“ધ ગ્રેટ વર્લ્ડ”ને પ્રાપ્ત થયેલ વિડિયો ઓડિયો સાથેની કેટલીક ચોંકાવનારી વિગતો અનુસાર, આ આખા પ્રોજેક્ટમાં ગુણવત્તાના લીરેલીરા ઉડાડીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે, કાગળ પર લાખો રૂપિયા મંજૂર કરાવીને વાસ્તવમાં માત્ર ગણતરીના હજારો રૂપિયામાં આખું કામ સકેલી લેવાનો કારસો ઘડાયો છે.
આ સમગ્ર કૌભાંડની જો ટેકનિકલ વિગતો પર નજર કરીએ તો, સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ (Estimated Cost) ₹26,56,753.64 (પ્લસ 18% GST) નક્કી કરવામાં આવ્યો હતો. ટેન્ડરિંગ પ્રક્રિયા દરમિયાન ભાવનગરની ‘શ્રી શક્તિ નંદન કન્સ્ટ્રક્શન’ નામની એજન્સીએ સરકારી અંદાજ કરતા સીધા 25.99% નીચા ભાવ ભરીને આ કામ ₹19,66,263.37 (પ્લસ 18% GST) ના ખર્ચે રાખ્યું હતું. શરૂઆતમાં એવું ચિત્ર ઊભું કરાયું કે સરકારી તિજોરીના નાણાં બચશે અને ગુણવત્તાયુક્ત કામ થશે. પરંતુ કન્સ્ટ્રક્શન કાર્યના જાણકારો અને એન્જિનિયરોનું માનીએ તો, જે પ્રકારે અત્યારે સાઇટ પર કામ ચાલી રહ્યું છે તે જોતાં આ આખું નાળું ₹1.90 લાખમાં પણ બની જાય! બાકીના તમામ રૂપિયા કથિત રીતે ભ્રષ્ટાચારની ગંગામાં વહી જવાના એંધાણ છે.
“ધ ગ્રેટ વર્લ્ડ” પાસે ઉપલબ્ધ પુરાવાઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નાળા માટે લગભગ 10 થી 12 ફૂટ જેટલા ઊંડા ગાળેલા પાયામાં ગુણવત્તા વગરના અને પૂરતી સંખ્યા વગરના જેવા-તેવા સળિયા આડાઅવળા ગોઠવી દેવાયા છે. સિમેન્ટ, રેતી અને કપચીનું મજબૂત આરસીસી (RCC) માળખું ઊભું કરવાને બદલે, માત્ર દેખાવ પૂરતી આછી-પાતળી કપચી વેરવામાં આવી છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે, આ લોખંડના માળખા પર સીધેસીધી માટી પાથરી દેવાનો કારસો રચવામાં આવ્યો છે! જેસીબી લઈને આવેલો એક ઓપરેટર જ્યારે આડેધડ પુરાણ કરી રહ્યો હતો, ત્યારે ગામના કેટલાક જાગૃત લોકોએ તેને જોતા જ તે પકડાઈ જવાના ડરે “અમારે તો ખાલી પુરાણ જ કરવાનું છે” તેમ કહીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના જ સાબિત કરે છે કે અહીં દાળમાં કંઈક કાળું નથી, આખી દાળ જ કાળી છે!
“ધ ગ્રેટ વર્લ્ડ” ને પ્રાપ્ત થયેલા એક્સક્લુઝિવ ફોટોગ્રાફ્સ અને વીડિયો ફૂટેજનું બારીકાઈથી એનાલિસિસ કરતા ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા કેમેરામાં કેદ થયા છે:
નબળું અને પાતળું લોખંડ: વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આટલા મોટા નાળાના પાયામાં જે સળિયા (Steel Structure) વાપરવામાં આવ્યા છે તે અત્યંત પાતળા અને વજન વગરના છે. સળિયાનું અંતર અને તેની ગોઠવણી કોઈ પણ રીતે સરકારી માપદંડ મુજબ મજબૂત દેખાતી નથી.
કોંક્રીટ ગાયબ, કપચીનો વેરવિખેર દેખાવ: પાયામાં પ્રોપર આરસીસી ઢાળવાને બદલે માત્ર આછી-પાતળી કપચી વેરવિખેર નાખી દેવામાં આવી છે.
માટીનું ગેરકાયદે પુરાણ: જેસીબી દ્વારા લોખંડના આ નબળા માળખાની ઉપર જ સીધી માટી ધકેલવામાં આવી રહી છે.
ઓપરેટરના હાવભાવ: જ્યારે સ્થાનિક લોકો કેમેરો લઈને પ્રશ્નો પૂછે છે, ત્યારે જેસીબી ઓપરેટર સંતોષકારક જવાબ આપવાને બદલે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે અને બચાવ મુદ્રામાં આવી કામ અધૂરું મૂકી ભાગવાનો પ્રયાસ કરે છે, જે સાબિત કરે છે કે કામમાં મોટી ગરબડ છે.
સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે, “જો અત્યારથી જ પાયાના કામમાં આવી લાલિયાવાડી થતી હોય, તો આ નાળાની 90% રકમ ભ્રષ્ટાચારના રાક્ષસના પેટમાં જઈ રહી છે. આ કામ સંપૂર્ણપણે પારદર્શી (Transparent) રાખવામાં આવે અને ઉચ્ચ એન્જિનિયરો તેમજ વહીવટી અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં જ આગળનું કામ થાય.”
સરપંચ ગૌતમ બારૈયાની ખુરશી પર પણ તોળાતું જોખમ?
આ કામ શરૂ થયું ત્યારે નવા રતનપર ગામના સરપંચ ગૌતમભાઈ બારૈયાએ હરખભેર નિવેદન આપ્યું હતું કે, ખખડધજ નાળાને કારણે વાહનચાલકો પરેશાન હતા અને પંચાયતની રજૂઆતથી આ નવું નાળું મંજૂર થયું છે. પરંતુ હવે જ્યારે આ કામમાં ખુલ્લેઆમ કૌભાંડ દેખાઈ રહ્યું છે, ત્યારે ગામમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જો સરપંચ પણ આ ભ્રષ્ટ એન્જિનિયરો, સુપરવાઈઝરો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે મૌન રહેશે, તો તેમની પોતાની ખુરશી પણ જોખમમાં આવી શકે છે. ગામના અન્ય વિકાસ કાર્યો પણ પહેલેથી જ શંકાના દાયરામાં છે, ત્યારે સરપંચ માટે આ કસોટીની ઘડી છે.
અધિકારી-કોન્ટ્રાક્ટરની મિલીભગત? ₹5 લાખનું કામ અને ₹26 લાખનું એસ્ટીમેટ!
એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે સિમેન્ટ, რეતી, ઈંટો અને લોખંડના વર્તમાન બજારભાવ મુજબ જો આ નાળું એ ગ્રેડની સર્વોચ્ચ ગુણવત્તા સાથે બનાવવામાં આવે તો પણ તેનો ખર્ચ ₹5 થી ₹7 લાખથી વધુ ન થાય! તો પછી સરકારી બાબુઓએ કઈ ગણતરીથી આ નાળાનું એસ્ટીમેટ ₹26 લાખથી વધુનું આંક્યું? આ આંકડા જ સાબિત કરે છે કે કમિશનખોરીની પ્રથા છેક ઉપરના સ્તરથી સેટ થયેલી છે. બાકીના ₹15 થી ₹20 લાખ અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર વચ્ચે વહેંચી લેવાનો આ સીધો કારસો છે.
શ્રી શક્તિ નંદન કન્સ્ટ્રક્શન દ્વારા થઈ રહેલા આ કાર્યમાં હવે જો ભ્રષ્ટાચાર ખરેખર જ થાય તો શક્તિ નંદન અને સરપંચ બંને સલામત નથી તેમ માનવામાં આવી રહ્યું છે. લોકોને પૂરી આશંકા છે કે, પોતાની પોલ ખૂલી જતાં હવે રાતોરાત અંધારામાં કોઈને ખબર ન પડે તે રીતે હલકી ગુણવત્તાનું કામ પૂરું કરી દેવાની ફિરાક રાખવામાં આવશે. પરંતુ ભ્રષ્ટાચારીઓ એ ભૂલી રહ્યા છે કે રાત-દિવસના અનેક કેમેરા આ કાર્ય ઉપર મંડરાયેલા છે. જો રાતોરાત કામ આટોપી લેવાનો પ્રયાસ થશે અને ટ્રાન્સપરન્સી જાળવવામાં નહીં આવે, તો કાર્ય કર્યા પછી પણ તેમને ખોલવાનો વારો અને એકે-એક પૈસાનો હિસાબ આપવાનો વારો આવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ભાવનગરનું તંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ “ધ ગ્રેટ વર્લ્ડ” ના આ ચોંકાવનારા ખુલાસા અને વિઝ્યુઅલ પુરાવાઓ જોયા બાદ કુંભકર્ણની નિદ્રામાંથી જાગે છે કે પછી ભ્રષ્ટાચારના મૂક સાક્ષી બને છે!