₹19.66 લાખના નાળાના કામમાં લાલિયાવાડી કરનાર ભાવનગરની ‘શ્રી શક્તિનંદન કન્સ્ટ્રક્શન’ સામે જનઆક્રોશ: સરપંચ વિરોધીઓની ખટપટો વચ્ચે પ્રજાના હિત માટે ગૌતમ બારૈયા મેદાનમાં, ભાવનગર જિલ્લાના તમામ સરકારી કામોની સામૂહિક તપાસની ઉઠતી માંગ
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર/નવા રતનપર
[special report with DSS video inputs]
‘ધ ગ્રેટ વર્લ્ડ’ ન્યૂઝ પોર્ટલ પર “નવા રતનપરમાં નવો ભ્રષ્ટાચાર! ₹19.66 લાખનું નાળું માત્ર ₹1.66 લાખમાં ધબેડી નાખવાનો કારસો! : સરપંચ ગૌતમ બારૈયાની ખુરશી ઉપર સીધું જોખમ” શીર્ષક હેઠળ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ સમગ્ર ભાવનગર જિલ્લાના રાજકારણ અને સિંચાઈ વિભાગમાં ભૂકંપ આવી ગયો છે. આ સનસનાટીપૂર્ણ સમાચાર પબ્લિશ થયાના ગણતરીના કલાકોમાં જ તેની ‘ગ્રેટ ઈમ્પેક્ટ’ જોવા મળી છે. નવા રતનપર ગામના યુવા અને નીડર સરપંચ શ્રી ગૌતમભાઈ બારૈયા તુરંત જ એક્શનમાં આવ્યા અને તેમણે લોકહિતને સર્વોપરી ગણીને ભ્રષ્ટાચારના સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી છે. અને અહીં નિયમ વિરુદ્ધ રીતે કામ થઈ રહ્યું હોવાનું કન્ફર્મ કર્યું છે.
સરપંચ ગૌતમ બારૈયાએ કોઈપણ દબાણ કે શેહશરમ રાખ્યા વિના, શ્રી શક્તિનંદન કન્સ્ટ્રક્શન ભાવનગર દ્વારા થઈ રહેલા નાળાના નિર્માણ કાર્યમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો જાહેરમાં સ્વીકાર કર્યો છે. તેમણે સ્થળ પર હાજર રહીને સમગ્ર બાંધકામનું નિરીક્ષણ કર્યું અને મીડિયા સમક્ષ ન્યાયી તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની મક્કમ ખાતરી આપી છે. ‘ધ ગ્રેટ વર્લ્ડ’ પાસે ઉપલબ્ધ એક્સક્લુઝિવ વિડીયોમાં સરપંચ ગૌતમ બારૈયા ભ્રષ્ટાચારના પુરાવાઓ તરફ આંગળી ચીંધીને કહી રહ્યા છે કે, આ નાળાના કામમાં નીતિ-નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે અને તેઓ સરકારમાં લેખિત રજૂઆત કરીને આ એજન્સી સામે કડક પગલાં લેવડાવશે.



વિકાસના હરખ વચ્ચે ભ્રષ્ટાચારનો ડંખ: એજન્સીએ રૂ. 19.66 લાખનું કામ દોઢ-બે લાખમાં પતાવવાનો કારસો રચ્યો!
ઉલ્લેખનીય છે કે, જ્યારે સિંચાઈ વિભાગ દ્વારા નવા રતનપર ગામમાં ₹19.66 લાખના ખર્ચે આ નાળાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, ત્યારે સરપંચ ગૌતમ બારૈયાએ ગામના વિકાસના આ કાર્યને હરખભેર વધાવ્યું હતું. તેમણે ગ્રામજનોને આ નાળાથી ભવિષ્યમાં મળનારી સુવિધાઓ અને સિંચાઈના ફાયદાઓ વિશે ખૂબ જ આનંદ સાથે વિગતવાર માહિતી આપી હતી. ગામમાં નવું આંતરમાળખાકીય માળખું ઊભું થઈ રહ્યું હોવાનો ગૌરવ આખા ગામને હતો. પરંતુ, વિકાસના આ હરખ પર ભાવનગરની એજન્સી ‘શ્રી શક્તિનંદન કન્સ્ટ્રક્શન’ એ ભ્રષ્ટાચારનો એવો ડંખ માર્યો કે આખું ગામ આક્રોશથી સળગી ઉઠ્યું છે.





સ્થળ પરથી પ્રાપ્ત વિડીયો અને તસવીરો સાક્ષી પૂરે છે કે, ટેન્ડરના નિયમો અને સ્પેસિફિકેશનને બાજુ પર મૂકીને લોખંડના સળિયા અયોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા છે. સળિયાની ક્વોલિટી અત્યંત હલકી કક્ષાની અને નબળી વાપરવામાં આવી છે, જે ચોમાસાના સામાન્ય પ્રવાહમાં પણ તૂટી પડે તેમ છે. એટલું જ નહીં, સિમેન્ટ-કોંક્રિટના મજબૂત ફાઉન્ડેશનના બદલે, સીધેસીધી કોરી કોંક્રિટ પર માટી અને પથ્થરો નાખીને આખા કૌભાંડ પર પડદો પાડવાનો હીન પ્રયાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યો હતો. લોકમુખે ચર્ચા છે કે, રૂ. 19.66 લાખનું આ સરકારી ટેન્ડર માત્ર દોઢથી બે લાખ રૂપિયાની અંદર પતાવી દઈને, બાકીના લાખો રૂપિયા ઓહિયાં કરી જવાનો આ સ્પષ્ટ કારસો હતો.





વિરોધીઓની ખટપટો વચ્ચે સરપંચની તટસ્થ છબી ચમકી, લોકપ્રિયતા આકાશ આંબી રહી છે
નવા રતનપર ગામના ઇતિહાસમાં આ ઘટના એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે. સામાન્ય રીતે સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થાય ત્યારે સ્થાનિક નેતાઓ આંખ આડા કાન કરતા હોય છે અથવા તો પોતાની ટકાવારી સેટ કરી લેતા હોય છે. પરંતુ, સરપંચ ગૌતમ બારૈયાએ પોતાની તટસ્થ અને પ્રમાણિક છબી જાળવી રાખીને સાબિત કરી દીધું છે કે તેઓ કોઈના દબાણમાં આવવાના નથી. બહારની કોઈપણ એજન્સી આવીને નવા રતનપરમાં જેવું-તેવું અને ભ્રષ્ટાચારયુક્ત કામ કરીને ચાલી જાય, તે વાત ગામના લોકોને મંજૂર નથી અને એટલે જ તે ગામના પ્રતિનિધિ તરીકે સરપંચ ગૌતમ બારૈયાને પણ કદાપિ મંજૂર નથી.
ગૌતમ બારૈયાએ અત્યાર સુધી વિવિધ સરકારી કામોમાં અને ગામના પ્રશ્નોમાં જે અભૂતપૂર્વ હિંમત બતાવી છે અને હિંમતભર્યા નિર્ણયો લીધા છે, તેવી મર્દાનગી અત્યાર સુધીના ઇતિહાસમાં નવા રતનપરના કોઈ પૂર્વ સરપંચે દાખવી નથી. આજે જ્યારે ગામ પર બહારની એજન્સી આર્થિક ચીટિંગ કરી રહી છે, ત્યારે સરપંચ પ્રજાના હિત માટે મેદાનમાં એકલા હાથે પણ લડવા તૈયાર થયા છે. આ જ કારણ છે કે ગ્રામજનોમાં તેમની લોકપ્રિયતા આજે આકાશ આંબી રહી છે. સ્ત્રી-પુરુષો અને યુવાનો તમામ ગૌતમ બારૈયાની આ આક્રમક શૈલીના પ્રશંસક બન્યા છે.
બીજી તરફ, સરપંચ પદ પરથી ગૌતમ બારૈયાને હટાવવા માટે અને તેમની ખુરશીને જોખમમાં મૂકવા માટે રાત-દિવસ જાત-જાતની રાજકીય ખટપટો કરી રહેલા વિરોધી તત્વોનો ચહેરો પણ આ ઘટનાથી બેનકાબ થઈ ગયો છે. માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે અને પોતાનો વ્યક્તિગત અહમ સંતોષવા માટે અંદરોઅંદર કાવતરાં ઘડતા આ નકામા તત્વો શ્રી શક્તિનંદન એજન્સીના આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર મામલે શા માટે મૌન ધારણ કરીને બેઠા છે? તેઓ શા માટે પ્રજાના કરોડો રૂપિયા ધોળા દિવસે લૂંટાતા હોવા છતાં લડવા આગળ આવ્યા નથી? તેનો જવાબ સ્પષ્ટ છે: આ વિરોધીઓને માત્ર પોતાનું જ હિત વહાલું છે, તેમને ગ્રામજનોના હિત સાથે કે ગામના વિકાસ સાથે કોઈ લેવાદેવા નથી. સરકારને છેતરીને લોકોના ટેક્સના પૈસા ચાવી જતી ભ્રષ્ટ એજન્સીઓનો આ કાળો કારોબાર વિરોધીઓને એટલે નથી દેખાતો કારણ કે કદાચ તેમના હિતો પણ આની સાથે જોડાયેલા હોઈ શકે!


શ્રી શક્તિનંદન કન્સ્ટ્રક્શનના તમામ કામોની સામૂહિક તપાસ કરો: ભાવનગરમાં ઉગ્ર માંગ
ધ ગ્રેટ વર્લ્ડના આ અહેવાલ બાદ ભાવનગર જિલ્લાના જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરોમાં પણ ભારે ઉકાળો જોવા મળી રહ્યો છે. જો આ એજન્સી દ્વારા માત્ર એક જ ગામના સામાન્ય નાળાના કામમાં આટલો મોટો અને નરી આંખે દેખાઈ આવે તેવો ભ્રષ્ટાચાર કરવાની ગુસ્તાખી કરવામાં આવી હોય, તો આ એજન્સીએ જિલ્લામાં અને રાજ્યમાં બીજા કેવા અને કેટલા કાળા કામો આચર્યા હશે? તે મોટો સવાલ છે. શું આ એજન્સીએ અગાઉ બનાવેલા રોડ-રસ્તા, નાળા કે સરકારી મકાનો પણ આ જ રીતે કાગળ પર કે હલકી ગુણવત્તાથી બનાવ્યા છે?
હવે લોકમાંગ પ્રબળ બની છે કે ભાવનગરની આ ‘શ્રી શક્તિનંદન કન્સ્ટ્રક્શન’ એજન્સી વિશે એક ઉચ્ચ સ્તરીય સામૂહિક તપાસ સમિતિ (SIT) ની રચના થવી જોઈએ. આ એજન્સીએ છેલ્લા પાંચ વર્ષમાં જ્યાં જ્યાં પણ સરકારી કોન્ટ્રાક્ટ રાખીને કાર્યો કર્યા છે, તે તમામ જગ્યાએ કટીંગ કરીને, ખોદકામ કરીને તેનું ‘ખોલાણ-પોલાણ’ થવું જોઈએ અને ટેકનિકલ લેબોરેટરી તપાસ થવી જોઈએ. જો આવી તટસ્થ તપાસ થાય તો આ એજન્સીનો કરોડો રૂપિયાનો અન્ય ભ્રષ્ટાચાર પણ સપાટી પર બહાર આવી શકે છે અને તેની સાથે સંકળાયેલા સરકારી વિભાગના અનેક લાંચિયા અને ભ્રષ્ટ બાબુઓ-અધિકારીઓના ભોપાળાં પણ જગજાહેર થઈ શકે તેમ છે.
ગાંધીનગર-દિલ્હી સુધી પહોંચશે ગરમાવો: મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆતની તૈયારી
નવા રતનપર ગામનો આ નાળાનો ભ્રષ્ટાચાર હવે માત્ર એક સ્થાનિક મુદ્દો રહ્યો નથી, પરંતુ તે ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ ઓન કરપ્શન’ ની નીતિ સામે એક મોટો પડકાર બન્યો છે. આ ધગધગતો ઈશ્યુ છેક ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચાડવા માટે જાગૃત નાગરિકોએ કમર કસી લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતના દાવાઓ વચ્ચે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતી આવી ભાવનગરની એજન્સીઓ બ્લેકલિસ્ટ થવી જ જોઈએ અને તેમના માલિકો જેલના સળિયા પાછળ જવા જોઈએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.
આ સાથે ’ધ ગ્રેટ વર્લ્ડ’ પણ વચનબદ્ધ છે કે જ્યાં સુધી આ નાળાનું કામ નિયમ અનુસાર ફરીથી મજબૂત રીતે શરૂ નહીં થાય અને ભ્રષ્ટ એજન્સી સામે કાયદેસરના પગલાં નહીં લેવાય, ત્યાં સુધી આ જનહિતની લડાઈ ચાલુ રહેશે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં કયા કયા ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે, તેની વધુ વિસ્ફોટક માહિતી અને પુરાવાઓ પણ પ્રાપ્ત થવા જઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં જ જનતા સમક્ષ મૂકવામાં આવશે. સરપંચ ગૌતમ બારૈયાની આ નીડરતાને ગ્રામજનો સલામ કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારીઓ ધ્રૂજી રહ્યા છે!
