મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાયી સમિતિની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે
પોરબંદર, તા. ૨૦/૦૫/૨૦૨૬
પોરબંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ની પ્રક્રિયા પૂર્ણ થતાં મહાનગરપાલિકાનાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રીની ચૂંટણી કરવા તેમજ સ્થાયી સમિતિની નિમણૂક કરવા બાબતે મહાનગરપાલિકાની સામાન્ય સભા તા. ૨૬-૦૫-૨૦૨૬, મંગળવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મહાનગરપાલિકા કચેરી, પોરબંદર ખાતે આવેલ સભાખંડમાં પ્રમુખ અધિકારી તથા નાયબ કમિશનર (પ્રોજેક્ટ)શ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ સામાન્ય સભામાં ધી જી.પી.એમ.સી. એક્ટ–૧૯૪૯ની કલમ–૧૯ અન્વયે અઢી વર્ષ માટે મેયરશ્રીની જનરલ કેટેગરીની ચૂંટણી કરવામાં આવશે તેમજ ડેપ્યુટી મેયરશ્રીની ચૂંટણી યોજાશે. ઉપરાંત અઢી વર્ષ માટે સ્થાયી સમિતિના ૧૨ સભ્યશ્રીઓની નિમણૂક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની આગામી અઢી વર્ષની વહીવટી અને વિકાસલક્ષી દિશા નક્કી કરતી આ સામાન્ય સભા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
