Headlines

​નવા રતનપરના લોકપ્રિય સરપંચ ગૌતમ બારૈયાની અનોખી પહેલ: પોતાના ખર્ચે ગામને કર્યું ઝગમગતું, વીજ કટોકટીમાં તાત્કાલિક કામગીરી કરાવી


​ભૂતકાળના શાસકોની સરખામણીએ જનસેવાનો નવો રાહ ચીંધતા સરપંચ; વિકાસ વિરોધી તત્વોના કાવતરાં વચ્ચે પણ લોકહિતના કાર્યો અવિરત ચાલુ

ધ ગ્રેટ વર્લ્ડ, ​નવા રતનપર


ગામના સર્વાંગી વિકાસ અને લોકકલ્યાણ માટે જ્યારે કોઈ લોકપ્રતિનિધિ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે, ત્યારે તે પ્રજાના હૃદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરે છે. નવા રતનપર ગામના યુવા અને લોકપ્રિય સરપંચ ગૌતમ બારૈયાએ આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. અગાઉ ગામના બસ સ્ટેશન પાસે પોતાના અંગત ખર્ચે આકર્ષક તિરંગા થીમ વાળી નિયોન લાઈટો લગાવીને ગામની શોભા વધાર્યા બાદ, હવે તેમણે ગામના અન્ય પાંચ અંધારપટ ધરાવતા વિસ્તારોમાં પોતાના જ ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટના બલ્બ લગાવીને ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાનો અંત આણ્યો છે. સરપંચની આ ઉમદા કામગીરીને કારણે સમગ્ર પંથકમાં તેમના ભારે વખાણ થઈ રહ્યા છે.
​રાત્રિના સમયે સર્જાયેલી વીજ કટોકટીનું ત્વરિત નિવારણ
​છેલ્લા દોઢથી બે દિવસ દરમિયાન નવા રતનપર ગામમાં એકાએક વીજ કટોકટી સર્જાઈ હતી. ગામની મુખ્ય વીજ લાઈન અન્ય હાઈ-ટેન્શન લાઈન સાથે અકસ્માતે કનેક્ટ થઈ જવાને કારણે સમગ્ર ગામની વીજ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને રાત્રિના સમયે અંધારપટ છવાઈ ગયો હતો. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ સરપંચ ગૌતમ બારૈયાએ જરાય વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે ઘોઘા PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના અધિકારીઓ અને લાઇનમેન સ્ટાફનો સંપર્ક કર્યો હતો. તેમણે વીજ કર્મચારીઓ સાથે રૂબરૂ સ્થળ પર હાજર રહીને નડતરરૂપ ઝાડની ડાળીઓ કપાવી લોડ ક્લિયર કરાવ્યો હતો. તસવીરોમાં જોઈ શકાય છે તેમ, મોડી રાત્રે યુદ્ધના ધોરણે ટ્રેક્ટર-ટ્રક જેવા વાહનો અને ટેકનિકલ ટીમની મદદ લઈને અન્ય જરૂરી પગલાં ભરી વીજ પુરવઠો તાત્કાલિક પુનઃ શરૂ કરાવ્યો હતો, જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
​લોકોની માંગણીને માન આપી પોતાના ખર્ચે સ્ટ્રીટ લાઈટો લગાવી
​ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ સમગ્ર ગામમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અંદાજે રૂપિયા પાંચ લાખના ખર્ચે બસ સ્ટેશનથી લઈને સ્મશાન સુધીના મુખ્ય માર્ગ પર નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી હતી. જોકે, આ કામગીરી બાદ પણ ગામના કેટલાક આંતરિક વિસ્તારો વંચિત રહી ગયા હોવાથી સ્થાનિક રજૂઆતો આવી હતી કે તેમના વિસ્તારમાં હજુ પણ રાત્રે ઘોર અંધારું રહે છે. આ લોક-માંગણીને ગંભીરતાથી લઈને સરપંચે સરકારી બજેટની રાહ જોયા વિના પોતાના ખર્ચે પાંચ મહત્વના સ્થળોએ સ્ટેટ લાઈટ બલ્બની વ્યવસ્થા કરી આપી છે. હવે ગામની પંચાયત કચેરીની પાછળનો જેઠવા વાળી તરફ જતો માર્ગ, કેશવ કંટારીયાના ઘર નજીકનો વિસ્તાર તેમજ નવા પ્લોટ વિસ્તારમાં આવેલી દેવીપૂજક કોલોની જેવા વિસ્તારો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે.
​ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને જનસેવાનો અનોખો સમન્વય
​ગામના વડીલો અને તટસ્થ નાગરિકોમાં ચર્ચાતી વિગતો મુજબ, ભૂતકાળમાં નવા રતનપર ગામને એવા સરપંચો મળ્યા હતા જેઓ ગામના વિકાસ માટે આવતી ગ્રાન્ટો અને હક્કનું પણ અંગત સ્વાર્થ માટે વાપરી નાખતા હતા. તેની સરખામણીમાં એક ઢોલી પરિવારમાંથી આવતા ગૌતમ બારૈયાની કાર્યશૈલી તદ્દન અલગ અને પ્રામાણિક છે. તેઓ ગામનું લેવાને બદલે પોતાના ખિસ્સામાંથી ‘ફૂલ નહીં તો ફૂલની પાંદડી’ આપીને ગામના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. આગામી દિવસોમાં તેઓ સરકારી શાળામાં નવો શેડ બનાવવો, સીસી રોડના બાકી કામો પૂર્ણ કરવા તેમજ પીવાના પાણીની જળ વ્યવસ્થા સુદ્રઢ કરવા જેવા અનેક જનહિતના કામોનું આયોજન કરી રહ્યા છે.
​વિરોધીઓના કાવતરાં નિષ્ફળ, આગામી ચૂંટણીમાં ભારે બહુમતીના એંધાણ
​સરપંચ ગૌતમ બારૈયાની દિન-પ્રતિદિન વધતી જતી લોકપ્રિયતા અને વિકાસ કાર્યોથી ગામના કેટલાક વિકાસ વિરોધી તત્વો ભારે અકળામણ અને જલન અનુભવી રહ્યા છે. આ તત્વો ગામના પ્રગતિના કામોમાં અવરોધ ઊભો કરવા માટે અંદરોઅંદર વિવિધ પ્રકારની ખટપટો અને કાવતરાં રચવામાં વ્યસ્ત હોવાનું પણ સામે આવ્યું છે. આમ છતાં, સરપંચ આવા રાજકારણથી દૂર રહીને માત્ર લોકોની સેવામાં જ મસ્ત જોવા મળે છે. રાજકીય વિશ્લેષકોના મતે, ગત ચૂંટણીમાં તેઓ દલિત અનામત બેઠક હોવાને કારણે જંગી બહુમતીથી ચૂંટાયા હતા, પરંતુ જો તેઓ આ જ રીતે લોકઉપયોગી કાર્યો કરતા રહેશે, તો ભવિષ્યમાં સામાન્ય બેઠક હશે તો પણ પોતાની અપ્રતિમ લોકપ્રિયતાના જોરે ફરીથી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનશે તે નક્કી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *