Headlines

પોરબંદરમાં આનાપાન ધ્યાન પ્રશિક્ષણ, વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ યોજાશે: ૨૪ મેના રોજ તાજાવાલા હોલ ખાતે વિશેષ આયોજન


ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

ભારતની પ્રાચીન વિપશ્યના ધ્યાન પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવા માટે પોરબંદરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર રાજકોટ અને પોરબંદર વિપશ્યના સમિતિના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર, ૨૪ મે ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા તાજાવાલા હોલ ખાતે આનાપાન ધ્યાન પ્રશિક્ષણ અને વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ યોજાશે. પોરબંદર વિપશ્યના સમિતિ વતી રામદેવભાઈ મોઢવાડિયાએ શહેર અને જિલ્લાના તમામ ધર્મજિજ્ઞાસુ નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓને આ નિઃશુલ્ક આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરી છે. રામદેવભાઈ મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, મનની શાંતિથી જ પરિવાર અને સમાજમાં સુખદ વાતાવરણ સર્જી શકાય છે.
આ કાર્યક્રમમાં રાજકોટ સ્થિત ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર સૌરાષ્ટ્રના જાણીતા વિપશ્યના આચાર્ય રાજુભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે અને ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપશે. રાજુભાઈ મહેતા વિપશ્યના સાધનાથી હેલ્થ એન્ડ હેપ્પીનેસ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપશે. તેઓ પોતાના અનુભવો અને ઉદાહરણો દ્વારા સમજાવશે કે કેવી રીતે ધ્યાન દ્વારા મનને શાંત રાખી શકાય છે અને નાની બાબતોમાં થતા ગુસ્સા તેમજ માનસિક દબાણથી મુક્તિ મેળવી શકાય છે. આ સાધનાથી નિદ્રાનાશ, તણાવ અને ચીડિયાપણું દૂર થાય છે તથા મન અને શરીર વચ્ચે સંતુલન સ્થપાય છે.
કાર્યક્રમ દરમિયાન નાગરિકોને શ્વાસના આવન-જાવનનું જાગૃત નિરીક્ષણ કરવાની પદ્ધતિ એટલે કે આનાપાન ધ્યાનનું પ્રાથમિક પ્રશિક્ષણ પણ આપવામાં આવશે. આ પદ્ધતિ મનની એકાગ્રતા અને સ્મરણશક્તિ વધારવા તેમજ નિર્ણયક્ષમતા મજબૂત કરવા માટે અત્યંત ઉપયોગી છે. સોશિયલ મીડિયા અને મોબાઈલના આ યુગમાં ઘટતી એકાગ્રતા વચ્ચે આ ધ્યાન ખૂબ જ પ્રાસંગિક છે. વિપશ્યના ધ્યાન એ કોઈ ધાર્મિક વિધિ નથી પરંતુ વૈજ્ઞાનિક રીતે સ્વીકારાયેલ માનસિક તાલીમ છે. આ કાર્યક્રમ તમામ વયના લોકો માટે સંપૂર્ણપણે ખુલ્લો રહેશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *