ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ‘મ્યુલ હન્ટ ૨.૦’ (Operation Mule Hunt 2.0) પાર પાડીને એક આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો ભાંડો ફોડવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું કે આ ઓપરેશન અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી કુલ ૧૩ શાતિર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ બોગસ અને પ્રોક્સી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ્સ ખોલીને સાયબર ક્રાઇમના કરોડો રૂપિયાની હેરાફેરી (Money Trail) કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા દેશભરના ભોગ બનેલા નાગરિકો પાસેથી ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, યુપીઆઈ (UPI) ફ્રોડ અને ફેક ક્રેડિટ કાર્ડ ઓફરના બહાને આશરે ₹૬૩૧.૮૬ કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી દેશભરની આશરે ૯૮૨ જેટલી ફરિયાદોના તાર આ ટોળકી સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ભોગ બનનાર પાસેથી મેળવેલા નાણાં આ બોગસ ખાતાઓમાં ટ્રાન્સફર કરતા અને ત્યારબાદ રોકડી કરીને ‘આંગડિયા પેઢી’ ના માધ્યમથી નેટવર્કના અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતા હતા. દરોડા દરમિયાન પોલીસે ૨૮ મોબાઈલ ફોન, ૩૯ ચેકબુક, ૧૨ એટીએમ કાર્ડ અને વિવિધ બોગસ કંપનીઓના સીલ જપ્ત કર્યા છે. આ સ્કેમમાં બેંકના કર્મચારીઓ અથવા ટેલિગ્રામ ગ્રૂપના ડેટા લીક કરનારાઓની ભૂમિકા અંગે પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
