- નારન બારૈયા
- Mythos AI: અમારું કંઈ સલામત નથી છતાં અમારે કોઈ ખતરો નથી
જમાનો ડિજિટલ થઈ ગયો છે અને તેની સાથે ચોરોની સ્ટાઈલ પણ બદલાઈ ગઈ છે. પહેલાના જમાનામાં ચોર દીવાલ કૂદીને, મોઢે કાળો રૂમાલ બાંધીને આવતા. પણ હવે એવું નથી રહ્યું. હવે તો ચોર એસી ઓફિસમાં બેસીને, સરસ મજાના લેપટોપ સામે રાખીને, ચાની ચુસ્કી લેતા લેતા ‘સાયબર હુમલા’ કરે છે! અને આ આખી સિસ્ટમમાં તડકો મારવા માટે માર્કેટમાં એક નવું રમકડું આવ્યું છે, જેનું નામ છે – ‘માયથોસ એઆઈ’ (Mythos AI). ગઈકાલે મેં છાપામાં વાંચ્યું કે આ ‘માયથોસ એઆઈ’ એટલું ખતરનાક છે કે પહેલા જે સોફ્ટવેરની ખામીઓ શોધવામાં હેકર્સને અઠવાડિયા કે મહિનાઓ લાગતા, આ ભાઈ તો થોડી જ મિનિટો કે સેકન્ડોમાં શોધી નાખે છે! મને તો એમ થયું કે આ એઆઈ ટેકનોલોજી વાળા નવરા બેઠા આપણી ઊંઘ હરામ કરવાના જ ધંધા કરે છે. વિચારો તો ખરા, જો આ માયથોસ એઆઈ આપણા રોજિંદા જીવનમાં ઘૂસી જાય તો કેવી કેવી રમૂજી પરિસ્થિતિઓ સર્જાય?
હજુ તો પુરુષો ગૂગલ અને એલેક્સાના સવાલોથી બચી શકતા નથી, ત્યાં જો પત્નીઓના હાથમાં આ સિસ્ટમ આવી ગઈ તો સમજો આખી પુરુષ જાત ખતરામાં છે! જો પતિરાજ ઘરે આવીને એમ કહે કે, “અરે ભાગ્યવાન, આજે તો ઓફિસમાં એટલું કામ હતું ને કે બોસની મીટિંગમાંથી નવરો જ નથી થયો. ફોન જોવાનો પણ ટાઈમ નહોતો મળ્યો.” તો પત્નીની માયથોસ એઆઈ તરત જ પોલ ખોલી દેશે કે, “ખોટી વાત! મિનિટોની અંદર થયેલા ડેટા એનાલિસિસ મુજબ, પતિદેવે બપોરે ૨ વાગ્યે ૩૦ મિનિટ સુધી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ છે, ૨:૪૫ વાગ્યે મિત્ર સાથે ચા પીધી છે અને બોસ તો આજે રજા પર છે! બોલો, હવે કયો પાસવર્ડ ક્રેક કરવો છે?” આવા સમયે પતિરાજ મનોમન વિચારશે કે આના કરતાં તો પેલો કાળો રૂમાલ બાંધેલો ચોર સારો, જે ફક્ત પાકીટ લઈને જતો રહેતો, આ તો આખી આબરૂનું ધોવાણ કરી નાખે છે!
બીજી તરફ, આપણે ભારતીયો પાસવર્ડ રાખવામાં એટલા ક્રિએટિવ છીએ કે આપણો પાસવર્ડ કાં તો આપણા કુતરાનું નામ હોય, કાં તો આપણી ગાડીનો નંબર અથવા આપણી જન્મતારીખ! ઘણા મહાનુભાવો તો વળી પાસવર્ડમાં Password@123 અથવા Admin રાખીને એવું ગર્વ અનુભવે જાણે સ્વિસ બેંકનું લોકર બંધ કર્યું હોય! હવે આવી પરિસ્થિતિમાં પેલું હાઈટેક ‘માયથોસ એઆઈ’ આવે એટલે એ પાસવર્ડ જોઈને બે મિનિટ ચકરાવે ચડી જાય. એઆઈ પોતાનું માથું ખંજવાળતા વિચારશે કે આ દેશના લોકો આટલા સસ્તા પાસવર્ડ રાખીને ૨૦ કરોડની સાયબર સિક્યોરિટી વાળા સોફ્ટવેરને પડકાર ફેંકે છે? આ તો મારું અપમાન છે! માયથોસ એઆઈ મિનિટોમાં પાસવર્ડ ક્રેક કરીને બેંક ખાતું ચેક કરે તો ખબર પડે કે અંદર માત્ર ૨૫૦ રૂપિયા જ પડ્યા છે, જેમાંથી મિનિમમ બેલેન્સના ૧૫૦ રૂપિયા તો બેંકે કાપી લીધા છે! એઆઈ પોતે ડિપ્રેશનમાં આવી જાય કે, “બોસ, આના કરતાં તો હું ડેવલપ ન થયો હોત તો સારું હતું!”
જોકે ગમે તેટલું મોટું એઆઈ કેમ ન આવી જાય, પણ આપણા દેશી જુગાડ સામે બધા સોફ્ટવેર નકામા છે. એક ભાઈને કોઈકે કહ્યું કે, “તમારા ફોનમાં માયથોસ એઆઈ ઘૂસી જશે તો બેંકના ઓટીપી (OTP) ચોરી લેશે.” પેલા ભાઈએ હસીને જવાબ આપ્યો, “ભલે આવે! મેં મારા ફોનમાં બેંકની એપ્લિકેશન જ નથી રાખી. જ્યારે પણ પૈસા ટ્રાન્સફર કરવા હોય ત્યારે હું બેંકની બ્રાન્ચે જઈને લાઈનમાં ઉભો રહું છું. હવે પેલા માયથોસ એઆઈ ને કહો કે લાઈનમાં આવીને ઉભો રહે, જો અડધા કલાકમાં એનું પ્રોસેસર ગરમ થઈને બળી ન જાય તો મારું નામ બદલી નાખજો!” અંતે એટલું જ કહેવાનું કે ટેકનોલોજી ભલે ગમે તેટલા કુદકા મારે, પણ જ્યાં સુધી આપણે અજાણી લિંક પર ક્લિક કરવાનું અને લલચામણી ઓફરોમાં ફસાવાનું બંધ નહીં કરીએ, ત્યાં સુધી એઆઈ આપણી મજાક ઉડાવતું જ રહેશે. સાયબર સુરક્ષા ગમે તેટલી મજબૂત હોય, પણ આપણું કોમન સેન્સ જ સૌથી મોટું શસ્ત્ર છે, બાકી તો માયથોસ એઆઈ પણ આપણું ખાતું જોઈને કહેશે કે, “ભગવાનના નામે કંઈક આપતા જાવ, આ ખાતામાં તો ખુદ ભગવાન સિવાય કાંઈ નથી!”
