અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે કેન્દ્ર સરકાર સમક્ષ કડક કાયદો બનાવવા માંગ કરી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા મહત્તમ છૂટક કિંમત એટલે કે એમઆરપીની આડમાં ઉત્પાદકો અને વિક્રેતાઓ દ્વારા ગ્રાહકોની થઈ રહી મોટી નાણાંકીય લૂંટના વિરોધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રાહક પંચાયતના પ્રતિનિધિ મંડળે પોરબંદર જિલ્લાના ચીટનીશ ટુ કલેક્ટર એમ. ટી. ધનવાણીની મુલાકાત લઈને આ આવેદનપત્ર રજૂ કર્યું હતું, જે જિલ્લા કલેક્ટરની ભલામણ સાથે કેન્દ્ર સરકારને યોગ્ય કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવશે. દેશભરમાં સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ સાથે થતા આ શોષણ અંગે સંગઠને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
આવેદનપત્રમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે હાલમાં સરકાર દ્વારા એમઆરપી નક્કી કરવા માટે કોઈ કડક નિયંત્રણ કે ચોક્કસ નીતિ-નિયમો નથી. આ ખામીનો લાભ ઉઠાવીને ઉત્પાદક કંપનીઓ મનમાની રીતે વાસ્તવિક ઉત્પાદન મૂલ્ય કરતાં કેટલાય ગણી વધુ કિંમત છાપી રહી છે અને તેના પુરાવા રૂપે ગ્રાહક પંચાયતે કેટલાક મુખ્ય ઉદાહરણો પણ રજૂ કર્યા છે. ગ્રાહક પંચાયતની કેન્દ્ર સરકારને રજૂઆત છે કે આ અનિયંત્રિત નફાખોરીને રોકવા તાત્કાલિક અસરથી કડક કાયદો બનાવવામાં આવે અને એમઆરપીની પારદર્શક મર્યાદા નક્કી થાય જેથી જનતાને રાહત મળે. આ આવેદનપત્ર આપવા માટે ગ્રાહક પંચાયતના જિલ્લા સંયોજક સંજયભાઈ મહેતા, સહ-સંયોજક લલિતભાઈ ત્રિવેદી, મહિલા સંયોજિકા વિશાખાબેન શિલુ તથા જિલ્લાના સક્રિય સભ્ય ભાવિનભાઈ જોષી હાજર રહ્યા હતા.
