₹ 3.61 કરોડની સરકારી જમીન ખુલ્લી થઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ પર ચલાવવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનને આજે એક સપ્તાહ પૂર્ણ થયું છે. ત્યારે આજે સાતમા દિવસે વધુ આઠ સ્થળ ઉપર દબાણ હટાવ ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી.
સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાન દાંડી રોડ પર આજરોજ અનધિકૃત રીતે કરવામાં આવેલા દબાણ પર ડિમોલિશન અંગેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ 7614 ચોરસ મીટરની જગ્યા પર વણાંકવામાં આવેલા 8 રહેણાંક મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તેની સરકારી ચોપડે કિંમત રૂ. 3.61 કરોડ જાહેર કરવામાં આવી છે.
આજ સુધીમાં કુલ રૂપિયા 62.73 કરોડની કિંમતની 1.22 લાખ ચોરસ મીટર જમીન પરના કુલ 406 દબાણોને હટાવવામાં આવ્યા છે.
બેટ દ્વારકામાં વર્ષ 2022 ના ઓપરેશન ડિમોલિશનના પ્રથમ રાઉન્ડમાં આશરે સાડા ત્રણ લાખ ફૂટ જગ્યા પરના દબાણો દૂર કરાયા બાદ તાજેતરમાં શરૂ થયેલા ઓપરેશનના બીજા રાઉન્ડમાં રૂપિયા 63 કરોડ જેટલી કિંમતની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના અન્ય સ્થળોએ પણ દબાણ હટાવવાની કામગીરી થશે તેવી વહેતી થયેલી વાતોએ દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી પ્રસરાવી છે. હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ઓપરેશન ડિમોલિશનની શક્યતા નકારી શકાતી નથી.
(ફોટો:- કુંજન રાડિયા)


