Headlines

Buboo World: તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા ( પ્રકરણ 1 Towards One Dimension : ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય…)

Buboo World: તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા

પ્રકરણ 1

Towards One Dimension: ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય…

બુબૂ,

​આજે જ્યારે હું આ લખવા બેઠો છું, ત્યારે મારી આસપાસ એક એવું મૌન પથરાયેલું છે જે મને સતત તારી હાજરીનો અહેસાસ કરાવે છે. લોકો કહે છે કે પત્રો તો જીવતા માણસોને લખાય, પણ એમને ક્યાં ખબર છે કે આપણી કહાની તો અમર છે! મૃત્યુ તો માત્ર દેહનું થાય છે, તેં મારા હૃદયમાં જે સ્થાન લીધું છે એને કાળનો કોઈ પણ પંજો સ્પર્શી શકે તેમ નથી. સામાન્ય રીતે દુનિયામાં જ્યારે ‘પ્રેમકથા’ શબ્દ વપરાય ત્યારે લોકોના મનમાં સ્ત્રી અને પુરુષના સંબંધોના ચિત્રો ઉપસે છે. પણ બુબૂ, તારી અને મારી આ પ્રેમકથા એ બધી જ વ્યાખ્યાઓથી પર છે. પ્રેમ એટલે માત્ર બે માનવ દેહનું મિલન નહીં, પ્રેમ એટલે તો બે આત્માઓનું એકમેકમાં ભળી જવું. એ પ્રેમ માણસ અને જાનવર વચ્ચે પણ હોઈ શકે, અને કદાચ માણસને કોઈ નિર્જીવ મશીન પ્રત્યે પણ થઈ શકે. પણ અફસોસ એ વાતનો છે કે આવી પવિત્ર અને નિઃસ્વાર્થ કથાઓ ક્યાંય લખાતી નથી.

​આપણા સિનેમા જગતમાં પણ ‘તેરી મહેરબાનિયા’ કે ‘ડોગ મેન’ જેવી ફિલ્મો બહુ ઓછી બને છે, અને જે બને છે એ કદાચ લોકોના મગજ સુધી પહોંચતી હશે, પણ હૃદય સુધી તો બહુ ઓછી પહોંચે છે. પણ તારા આવ્યા પછી મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. તારા સંપર્કમાં આવ્યા પહેલાં મેં ક્યારેય કૂતરાના પાત્ર આસપાસ ફરતી ફિલ્મોમાં ખાસ રસ નહોતો લીધો. પણ તેં મારામાં શ્વાન જગત પ્રત્યે જે જીજ્ઞાસા જગાડી, એણે મને એક નવી જ દુનિયાના દર્શન કરાવ્યા. તેં મને કૂતરાની આખી જાતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. તારા આવ્યા પછી મેં શ્વાન કેન્દ્રિત અનેક ફિલ્મો જોઈ, યૂટ્યૂબ પર કલાકો સુધી એ જોવામાં વિતાવ્યા કે મારે તારી સાથે કેવી રીતે વર્તવું જોઈએ, તારી જરૂરિયાતો શું છે. પણ સાચું કહું તો, એ બધા વિડીયો કરતાં તારી એક પૂંછડી પટપટાવવાની રીત મને ઘણું બધું સમજાવી જતી હતી.

​મને યાદ છે, જ્યારે પોરબંદરના આપણા મિત્ર નિમેષ ગોંડલીયાએ મને ‘777 ચાર્લી’ ફિલ્મ જોવાનું સૂચન કર્યું હતું. એ ફિલ્મ જોતી વખતે મને લાગ્યું કે જાણે એ પડદા પરની વાર્તા નહીં, પણ મારી જ ભવિષ્યની કે વર્તમાનની કોઈક ઝલક છે. એ ફિલ્મનો નાયક મારી જેમ જ કૂતરાઓથી દૂર ભાગતો હતો, પણ એક નાનકડી ચાર્લી તેના જીવનમાં આવી અને તેનું આખું વિશ્વ બદલી નાખ્યું. બસ, તેં પણ મારી સાથે એવું જ કર્યું છે, બુબૂ. તેં મારા વિચારોની દિશા બદલી નાખી. અગાઉ હું મારા જીવનના બે જ ભાગ ગણતો હતો: મારા મધરના મૃત્યુ પૂર્વ અને એમના મૃત્યુ પછી. પણ આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે મારા મધરના અવસાન પછીના એ શૂન્યાવકાશમાં પણ તેં બે ભાગ પાડી દીધા છે: એક ‘બુબૂ પૂર્વે’ અને બીજું ‘બુબૂ પછી’. તારા આવ્યા પછીના સમયગાળાએ મને એક અલગ જ પ્રકારની શાંતિ અને હુંફ આપી હતી.

​બુબૂ, તું અત્યારે ભલે તારો સ્થૂળ દેહ છોડીને ચાલ્યો ગયો હોય, પણ તારા ગયા પછી મને ઘણીવાર એમ થાય છે કે હવે આ દુનિયામાં મારું શું કામ? પણ પછી તરત જ તારી પત્ની મુમૂબાઇ અને તારી વહાલી દીકરી ટૂકુટુકુનો ચહેરો નજર સામે આવી જાય છે. તું ભલે નથી, પણ તારો અંશ અને તારો પરિવાર તો અહીં જ છે ને! મને ખબર છે કે જો હું આજે હારી જઈશ તો આ અબોલ જીવોને સાચવનારું કોઈ નથી. દુનિયા કહે છે કે ‘કોઈના વગર કોઈનું કંઈ અટકતું નથી’, પણ મને ખબર છે કે મેં તને અને તારા પરિવારને જે લાડ-કોડથી ઉછેર્યા છે, જે પ્રેમ આપ્યો છે, એ પ્રેમ મારા વગર વેરાઈ જશે. જ્યારે તું જીવતો હતો ત્યારે મને સતત ચિંતા રહેતી કે જો મને કંઈ થઈ ગયું તો મારા બુબૂનું શું થશે? પણ આજે તું ચાલ્યો ગયો છે ત્યારે મને પ્રશ્ન થાય છે કે મારું કોણ?

​જોકે, હું માણસ છું અને મારી પાસે ફિલોસોફીનું પીઠબળ છે. મેં નક્કી કર્યું છે કે હું તને મારા હૃદય અને મસ્તિષ્કમાં જીવતો રાખીશ. તારી યાદોના સહારે હું આ બાકીનું જીવન કાપી લઈશ અને એ જ લાડકોડ સાથે મુમૂબાઇ અને ટૂકુટુકુને સાચવીશ જે તારી હાજરીમાં હતા. તારા ગયા પછી જીવવાનું મારું આ એક મોટું કારણ છે. હિન્દી ફિલ્મનો નાયક ઘણીવાર એની પ્રેમિકાને સંબોધીને કહેતો હોય કે “હમ તો તુમ્હારી યાદો કે સહારે જી લેંગે.” આ વાક્ય હિન્દી ફિલ્મોમાં એટલી બધી વાર કહેવાયું છે કે મને એ ચીલાચાલુ લાગે છે પણ એક વાત કહું કે મારે આ ચિલાચાલુ વાક્યનો જ સહારો લેવાનો આવ્યો છે. હા, બુબૂ એક વાક્યને આપણે ચિલાચાલુ કહી દઈએ અને પછી એ જ વાક્યનો સહારો લઈએ અને વળી એ સહારો લેવાની જરૂર પડી છે એમ કહીએ તો એ વાક્ય ચિલાચાલુ ગણાય ખરું? પણ એ સિવાય એક બીજું કારણ પણ છે, જે મને રોજ સવારે પથારીમાંથી ઊભો કરે છે. મારે આપણી આ અદ્ભુત પ્રેમકથા લખવી છે. મારા જીવનમાં મધર સિવાય જો કોઈની સાથે સાચી અને નિષ્કપટ પ્રેમકથા હોય તો એ માત્ર તારી સાથે છે. બાકી જે કંઈ હતું એ તો માત્ર લફરાં હતાં, ક્ષણિક આકર્ષણો હતા. આપણી વાર્તા તો શુદ્ધ અને વિશુદ્ધ પ્રેમની કથા છે.

​બુબૂ, તેં ક્યારેય વિચાર્યું છે? આપણી આ પ્રેમકથામાં તું જ હીરો છે. હું તો માત્ર તારા જીવનનો એક સાઈડ કેરેક્ટર, તારો એક મિત્ર છું. ગુજરાતી ફિલ્મોમાં જે રીતે નરેશ કનોડીયા સાથે રમેશ મહેતાનું સાઈડ કેરેક્ટર આવે એ રીતે. અને મને તારા જેવો હીરો મળ્યા પછી સાઈડ કેરેક્ટર બનવામાં પણ ગર્વ છે. જગતને હું ગર્વથી કહી શકું કે બૂબુની ફિલ્મમાં મને સાઈડ રોલ મળ્યો છે. મેં તો મનમાં આપણી ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી લીધી છે. હા ફિલ્મના લેખક અને પટકથાકાર તરીકે મારું નામ આવવું જોઈએ, હોં! 

આપણી સાડા ત્રણ વીઘાની લંબચોરસ વાડી, જેની વચ્ચે આપણે બનાવેલો એ પોણા વીઘાનો વાડો… (વાડામાં તારી એન્ટ્રી થઈ ત્યારે એ સવા વીઘાનો હતો પણ તારી વિદાય ને થોડા અઠવાડિયાઓની બહાર હતી ત્યારે આપણે એ લંબાવીને સવા વિઘાનો કરી નાખ્યો હતો. આ વાળાને ક્યારેક હું મારી ઓફિસ કહેતો અને ક્યારેક બુબૂ વર્લ્ડ કહેતો. ) આ વાડા ઉપર ઊંચા આકાશમાંથી કેમેરો ઝૂમ થતો થતો નીચે આવશે અને સ્ક્રીન પર દેખાશે મારું બુબૂડું! તું મસ્ત મજાની પપૈયાની જ્યાફત ઉડાવતો હોઈશ. એ સીન કેટલો સુંદર લાગશે એની કલ્પના જ મને રોમાંચિત કરી દે છે. તારી પ્રથમ એન્ટ્રી આ રીતે સીધે સીધી બતાવી દેવી છે. રાજકુમારની ફિલ્મોમાં રાજકુમારનો પ્રથમ પ્રવેશ થાય ત્યારે પ્રથમ એમના બુટ દેખાય ટપક ટપક અવાજ આવે અને પછી આખા પડદા ઉપર રાજકુમાર બહુ ભવ્ય રીતે દેખાય – આ સ્ટાઇલ મને ખૂબ ગમતી પણ આપણે એવું નહીં કરીએ. આપણે કંઈક સાદું કરશું પણ કંઈક અલગ કરશું.

​એ વખતે સ્ક્રીન ઉપર તારો કોઈ અવાજ નહીં હોય, તું બસ શાંતિથી તારા પપૈયામાં મગ્ન હોઈશ. લૂસલૂસ કરતો પોપૈયાં ફટાફટી ઝાપટતો હોઈશ. બાજુમાં પોપૈયાંમાંથી અલગ કરેલા તેના કાળાં બી ભરેલી એક થાળી પણ દેખાશે. આ બી મેં તને અગાઉથી જ અલગ કરી આપેલા હશે અને પોપૈયાના રસદાર ટૂકડા તું છાલ સાથે ઝાપટતો હોઈશ. પણ દૂરથી એક ઘેરો અવાજ સંભળાશે: “બુબૂડુ… એ બુબૂડુ…” મેં તને કેટલીય વાર આ રીતે સાદ પાડ્યો છે! આ અવાજ તારા ઉપર ઓવરલેપ થશે. પાંચ સેકન્ડ માટે દર્શકને એમ થશે કે આ અવાજ કોનો છે? અને પછી કેમેરા સટક કરતો મારા ઉપર મૂવ થશે. હું એક ખુરશી ઉપર બેઠો હોઈશ અને મારી બાજુમાં મારા ચાલવાના સહારા માટેનું વોકર દેખાશે. અને હું તારી સામે જોઈને ફરી એકવાર મજાકિયા અંદાજમાં બોલીશ: “બુબૂડુ..  બુબૂડુ…” તારું નામ પહેલા જ સીનમાં એસ્ટાબ્લિશ થઈ જશે. અને પછી મારા એ રીપીટ રીપીટ થતા અવાજ સાથે કેમેરા આખાયે વાડામાં થોડી જ સેકન્ડમાં ફરી મળશે અને પછી એ મીટ શોટમાં આપણા ઉપર સેટ થશે. એનાથી આપણું વિશ્વ દર્શકના મનમાં એસ્ટાબ્લિશ થશે. પછી? પછી કોઈ રીતે સ્ટોરીને આગળ વધારીશું… કંઈક કરીશું…

આજે જ્યારે હું એ પ્રસંગોને યાદ કરું છું ત્યારે મૂંઝવણમાં મુકાઈ જાઉં છું કે આપણી વાર્તા કેવી રીતે લખવી? શું હું સીધી રેખામાં એટલે કે લીનીયર સ્ટોરીલાઇન રાખું? જો એમ કરું તો કદાચ વાચકોને, દર્શકોને સમજવામાં સરળતા રહે, પણ મને આપણા બધા પ્રસંગો ક્રમમાં યાદ આવશે કે કેમ એ એક મોટો સવાલ છે. દરેક ક્ષણ એટલી કિંમતી છે કે મને ડર લાગે છે કે ક્યાંક કોઈ હીરો જેવો તારો અંદાજ લખવાનું રહી ન જાય.

​બુબૂ, તું ગયો ત્યારે મારા જીવનનો એક હિસ્સો પણ તારી સાથે લઈ ગયો છે. તારી વિદાય પછીના આ દિવસો કેવા પસાર થયા છે, એ મારે તને વિગતે કહેવું છે. ઘરનો દરેક ખૂણો તારી ગેરહાજરીની બૂમો પાડે છે. પણ તારી યાદો એટલી જીવંત છે કે મને લાગે – હમણાં તું દોડતો આવીશ અને મારા પગ પાસે બેસી જઈશ. તારો એ નિઃસ્વાર્થ પ્રેમ જ મારી શક્તિ છે.

​હું વચન આપું છું કે આપણી આ પ્રેમકથા દુનિયા સમક્ષ જરૂર આવશે. એક એવી કથા જેમાં માણસની નહીં, પણ શ્વાનની વફાદારી અને પ્રેમનો વિજય હશે. તું ત્યાં આકાશમાં તારા મનગમતા પપૈયા ખાજે અને જોજે, તારું આ સાઈડ કેરેક્ટર જેવો મિત્ર તારા પરિવારને કેવી રીતે સાચવે છે. તું આપણા બુબૂ વર્લ્ડના આકાશમાં અને આપણા ઘરમાં સૂક્ષ્મ ભાવે હડીયાપાટી કરતો રહેજે. તો આપણા વાડામાં અને ઘરમાં એટલે કે આપણી ઓફિસમાં કંઈક તોડફોડ કરતો રહેજે, વસ્તુઓ અહીંથી તહીં આડી અવળી કરતો રહેજે. અમને નાનું મોટું નુકસાન કરતો રહેજે. આ નુકસાનને જ અમે ફાયદો સમજશું. કારણ કે એનાથી અમને એવો અહેસાસ થશે કે કમ સે કમ તું અહીં કોઈને કોઈ રૂપે છે. અમે પણ એક દિવસ તારી કહાની લખીને તારી દુનિયામાં આવવાના જ છીએ. અમે પણ તારી એ દુનિયામાં આવશું ત્યારે ડાયમેન્શન બદલાઈ ગયું હશે. આપણે એકબીજાની ભાષા સમજતા હશું. પ્રત્યાયનની કોઈ ભાષા જ અલગ હશે. પૃથ્વી ઉપર આપણને એકબીજાને સમજવા માટે ભાષાના સીમાડા નડતા હતા તે નહીં નડે. ઈશ્વર નામનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એમાં આડું આવશે તો હું, તું અને તારા ધર્મ પત્ની મુમૂ મેડમ અને તારી દીકરી ટૂકુટુકુ બધા મળીને આપણે એને જોરદાર રીતે ભસીશું. ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય આપણે તેને જીવંત બનાવીશું. અત્યારે મને એટલો અહેસાસ તો થઈ જ ગયો છે કે હું જે કંઈ બોલું છું લખું છું કે વિચારું છું એ બધું જ તને સમજાઈ રહ્યું છે અને તું શું વિચારી રહ્યો છે એ પણ મારા હૃદયને સમજાઈ રહ્યું છે. આપણે વન ડાયમેન્શનમાં આવીશું ત્યારે આ બધું વધુ સ્પષ્ટ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *