Headlines

દંપતિ વચ્ચે મનમેળના અભાવે છૂટાછેડાની વાતથી વ્યથિત આદિત્યાણાના યુવાને આપઘાત કર્યો


જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬

ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો

      ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આવેલા હૃદયરોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની જાણ લાલપુર તાલુકાના પડાણા ગામના ધીરજભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 45) એ અહીંની પોલીસને કરી છે.

       ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ દીવ તાલુકાના એવા મણિલાલ ગોપાલભાઈ હળપતિ (ઉ.વ. 54) ને ફિશિંગ બોટમાં જમીને સુતા બાદ કોઈપણ સમયે તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ થયું હતું. જે અંગેની નોંધ મહેન્દ્રભાઈ ટંડેલએ ઓખા મરીન પોલીસમાં કરાવી છે.

_____________________________________________________________________________

દંપતિ વચ્ચે મનમેળના અભાવે છૂટાછેડાની વાતથી વ્યથિત આદિત્યાણાના યુવાને આપઘાત કર્યો

      પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના રહીશ એવા ચેતનભાઈ અનિલભાઈ પાંડાવદરાએ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નજીવન દરમિયાન આ પતિ-પત્ની વચ્ચે મનમેળ થતો ન હતો. જેથી આ બંનેના છૂટાછેડાની વાત ચાલી રહી હતી. આ વચ્ચે ચેતનભાઈને મનમાં લાગી આવતા તેમણે અત્રે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા નાનાજીના રહેણાંક મકાને પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ હિતેશભાઈ પાંડાવદરા (રહે. આદિત્યાણા) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

_____________________________________________________________________________

બામણાસાના યુવાન ઉપર હુમલો: છ શખ્સો સામે ફરિયાદ

       કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા અનોપસિંહ ઉર્ફે અનુપસંગ લખુભા વાઢેર નામના 45 વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી, અને આ જ ગામના નવુભા ગીરૂભા વાઢેર, લાલુભા ગીરૂભા લોકેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો ગીરૂભા, પ્રદિપસિંહ ગુલાબસિંહ વાઢેર, બ્રિજરાજસિંહ નવુભા અને જયપાલસિંહ નવુભા નામના છ શખ્સોએ એકસંપ કરી, બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

      આ ઘટનામાં તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આરોપી લોકેન્દ્રસિંહ વાઢેરએ ગામમાં પોતાની દુકાનો બહાર ગામના મજુરોને રહેવા માટે આપેલ હોય, જ્યાં મજૂરો ઝઘડો કરતા ફરિયાદીએ 112 નંબરમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી. આ બાબતનો ખાર રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

_____________________________________________________________________________

ખંભાળિયા નજીક એસટી બસની ઈક્કો કાર સાથે ટક્કર

   ખંભાળિયા – દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર મોવાણ ગામ નજીક પ્રવીણભાઈ રમેશભાઈ તલવાડિયા (ઉ.વ. 30, રહે. ગોકુલનગર – જામનગર) તેમના પરિવારજનો સાથે તેમની જી.જે. 03 એચ.આર. 2568 નંબરની ઈક્કો મોટરકાર લઈને તેમના મોટા બાપુના અસ્થિ વિસર્જન કરવા માટે દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 18 ઝેડ 8898 નંબરની એક એસ.ટી. બસના ચાલકે અકસ્માત સર્જતા આ કારમાં બેઠેલા વેલજીભાઈ પ્રભુભાઈ તલવાડીયાને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે પ્રવીણભાઈ રમેશભાઈની ફરિયાદ પરથી એસ.ટી. બસના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *