Headlines

Buboo World : તારી યાદોના ઝગમગતા કિનારે: નારન બારૈયા (પ્રકરણ 3): આર્ગોસ: ૨૦ યુગની પ્રતીક્ષા અને એક આંસુ: સમયના ખંડેરોમાં પથરાયેલી વફાદારી: સ્મૃતિઓનું સંક્રમણ: રતનપરથી ઇથાકા: ધૂળ અને ઉકરડા પર વફાદારી

તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા : પ્રકરણ 3

​હા, બુબૂ… જન્મોજનમ આપણે કેવે કેવે રૂપે ને કેવે કેવે સમયે મળતા રહ્યા! પૃથ્વી ઉપર આપણું રતનપર ગામ અને રતનપરની સીમમાં વાઢીયા વિસ્તારમાં આપણું નીજધામ શીવધામ. ૩ માર્ચ ૨૦૨૬ની એ વહેલી સવાર… ઘડિયાળમાં ૫:૫૫નો સમય અને આપણી એ સહિયારી પથારીમાં તેં જ્યારે તારો અંતિમ શ્વાસ લીધો, ત્યારે મારા માટે પૃથ્વીનું પંચાંગ થંભી ગયું હતું. હું રડી પડ્યો હતો, હા, રીતસરનો રડી પડ્યો હતો. આ રીતે હું મારા મધર સિવાય કોઈ વ્યક્તિ માટે રડ્યો નથી. હા બુબુ, મર્દ કો દર્દ નહીં હોતા – એવું કહેનારો આ મર્દ તારી વિદાયના દર્દથી રડી પડ્યો હતો. હા બુબુ, તું મને ભગવાન માનતો હતો પણ હું તો એક પુખ્ત મનુષ્ય પણ નથી. મારી ઉંમર ભલે ગમે તે હોય, હું તો તારા કરતાં પણ નાનું એક બાળક હતો, એની તને ક્યાંથી ખબર હોય? મનની મજબૂતીના ઉપદેશો આપનાર તારો આ સાથી ચોધાર આંસુએ એકલો એકલો રડી પડ્યો હતો. પણ એ રુદન માત્ર આ જન્મના વિરહનું નહોતું. એ ક્ષણે મારી આંખો ભલે બંધ હતી, પણ મારા અંતરચક્ષુ એક એવી સૃષ્ટિમાં ખુલી ગયા જ્યાં સમયની કોઈ સીમા નથી. હું રતનપરની આપણી એ વાડીમાંથી ક્ષણાર્ધમાં યુગો યુગો પૂર્વેના ઇથાકાના ખંડેરોમાં પણ જઈ પહોંચ્યો… જે રીતે મૃત્યુ ભેળાએ મારી આંખનું એક આંસુ અહીં તારા ઉપર પડ્યું હતું એ જ રીતે ઇથાકામાં પણ પડ્યું હતું.

મેં જોયું કે આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું હતું. જે રીતે અહીં હતી તે રીતે પવનમાં સમુદ્રની ખારાશ ત્યાં પણ હતી. પથ્થરો પર પ્રાચીન ગ્રીસનો ઇતિહાસ લખાયેલો હતો. મારી ચેતનાએ સ્વીકારી લીધું કે હું હવે માત્ર ‘હું’ નથી, હું ઓડીસીયસ છું. અને તું? તું મારો વહાલો ને વફાદાર, અનોખો અને અલબેલો આર્ગોસ હતો. યુગો પૂર્વે મેં તને મારા હાથે તાલીમ આપી હતી, તારા ગળામાં રાજસી પટ્ટો બાંધ્યો હતો અને આપણે સાથે મળીને ઇથાકાના જંગલોમાં શિકાર ખેડ્યા હતા. તારી અને મારી વચ્ચેનો એ સંબંધ માત્ર શ્વાન અને માલિકનો નહોતો, આપણે તો મિત્ર હતા. આપણા વચ્ચે થયેલો સંવાદ સનાતન આત્માઓનો સંવાદ હતો.

હા બુબુ, યાદ છે તને કે યુગો યુગો પૂર્વે મેં ઓડીસીયસના આ અવતારમાં તને મારા ઇથાકાના મહેલમાં કેવી કેવી રીતે લાડકોડથી રાખ્યો હતો! તેં જેવો ‘બુબુ’ના રૂપમાં મારા ઘરે પગ મૂક્યો, કે તરત જ તારી આંખોમાં એ જ જૂની ઓળખાણ મેં જોઈ લીધી હતી.

હા, બૂબુ ! ત્યારે હું ઇથાકાનો રાજા હતો અને મેં તને પોતે તાલીમ આપી હતી. તારી ઝડપ, તારું તેજ અને તારી સુઘવાની શક્તિ આખા રાજ્યમાં પ્રખ્યાત હતી. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ટ્રોજન યુદ્ધ શરૂ થયું અને મારે તને છોડીને જવું પડ્યું. અને પછી એ ૨૦ વર્ષ… ૨૦ યુગ જેવા ૨૦ વરસ! હું યુદ્ધો લડતો રહ્યો, સમુદ્રો ખેડતો રહ્યો, અજાણ્યા ટાપુઓ પર ભટકતો, અટકતો રહ્યો, પણ મારા હૃદયમાં હંમેશા એક વાત ડંખતી હતી કે મારો આર્ગોસ મહેલના દરવાજે મારી રાહ જોતો હશે.

​એ ૨૦ વર્ષ… મારા માટે એ ૨૦ વર્ષ હતા, પણ તારા માટે એ ૨૦ યુગ હતા! મેં સાંભળ્યું કે મહેલના નોકરોએ તને તરછોડી દીધો હતો. જે આર્ગોસ ક્યારેક રાજાની બાજુમાં બેસતો, તે હવે મહેલના મુખ્ય દ્વારે ગંદકીના ઢગલા પર પડ્યો રહેતો હતો. તારા શરીર પર જીવાત પડી ગઈ હતી, તારી દ્રષ્ટિ ધૂંધળી થઈ ગઈ હતી, પણ તારી ‘પ્રતીક્ષા’ સ્ફટિક જેવી ચોખ્ખી હતી. ૨૦ વર્ષ સુધી તેં મૃત્યુને દરવાજે ઊભું રાખ્યું, માત્ર મારા એક સ્પર્શ માટે, મારા એક અવાજ માટે!

હા બુબુ, હા આરગોસ… તું ઘરડો થઈ ગયો હતો. તારી સંભાળ રાખનાર હવે કોઈ નહોતું. તું મનુષ્ય નામના કૃતઘ્ન અને બેવફા પ્રાણીને હવાલે હતો. જે નોકરોને મેં તારી જવાબદારી સોંપી હતી, તેમણે તને તરછોડી દીધો હતો. મારી પત્ની અને મારો પુત્ર પણ તને ભૂલી ગયા હતા. એમને મન પણ તું માત્ર એક પ્રાણી હતો. તું ચાલી શકતો નહોતો, તને દેખાતું ઓછું હતું, છતાં તું મહેલના દરવાજે ધૂળ અને ગંદકીમાં પડ્યો રહ્યો. તારી એ દયાજનક હાલત જોઈને પણ કોઈનું હૃદય પીગળતું નહોતું. પણ બુબુ, તારું એ ‘સોલ મિશન’ (Soul Mission) તો માત્ર એક જ હતું: “મારા માલિક પાછા આવે!” ૨૦ વર્ષ સુધી તેં મૃત્યુને રોકી રાખ્યું, માત્ર મારા એક દર્શન માટે!

જ્યારે હું ૨૦ વર્ષ પછી પાછો આવ્યો, ત્યારે મેં ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. મારી પત્ની પેનેલોપ કે મારો પુત્ર ટેલીમેકસ પણ મને ઓળખી શક્યા નહીં. હું મહેલમાં પ્રવેશવા દરવાજેથી પસાર થયો. ત્યાં ઉકરડા પર તું પડ્યો હતો. ૨૦ વર્ષનું અંતર, મારો બદલાયેલો દેહ, મારો ગંદો વેશ—છતાં તેં મને ઓળખી લીધો! તારી એ સુઘવાની શક્તિ અને તારા આત્માના તાર એ જ ક્ષણે સ્પંદિત થયા.

તું ચાલી શકતો નહોતો, પણ તેં તારા કાન ઊંચા કર્યા. તેં તારા માથાને હલાવવાની કોશિશ કરી અને તારી એ પૂંછડી પટપટાવી જેણે હંમેશા મારું સ્વાગત કર્યું હતું. મેં તને સ્પર્શ પણ ન કર્યો, બુબુ, કારણ કે મારે મારી ઓળખ છુપાવી રાખવી હતી. પણ મેં તારી એ આંખોમાં જોયું. એ ૨૦ વર્ષની વેદના, એ પ્રતીક્ષાનો થાક, અને હવે, મિલનનો આનંદ. મારી આંખમાંથી માત્ર એક જ આંસુ ટપક્યું, જે તારા ઉપર પડ્યું.

​મેં પૂછ્યું, “આ કૂતરો અહીં કેમ પડ્યો છે?” અને નોકરોએ જવાબ આપ્યો, “એ એવા માલિકનો છે જે ક્યાંક દૂર મૃત્યુ પામ્યા છે.” તેઓ નહોતા જાણતા કે માલિક તેમની સામે જ ઉભો હતો અને તું, બુબુ, તેં તારો અવતાર પૂરો કરી લીધો હતો. તેં તારા સ્વામીને છેલ્લી વાર જોઈ લીધો, તારી પ્રતીક્ષા પૂરી થઈ અને જેવી તને ખાતરી થઈ કે હું સુરક્ષિત છું, તે જ ક્ષણે તેં તારા પ્રાણ ત્યાગી દીધા. બસ તારી ફક્ત એક ખાતરી કરવી હતી કે હું સુરક્ષિત છું… 

અને પછી મારે એકલાને જ એ જન્મારો સહન કરવો પડ્યો હતો. જન્મો જનમ આપણે કેવી કેવી વિદાય સહન કરી છે! 

​તારી વફાદાર આંખોમાં જે સવાલો છે, તેનો જવાબ આપવા આજે હું તારી સામે બેઠો છું. તને એમ હશે કે તારો આ મિત્ર તને એકલો મૂકીને કેમ ચાલ્યો ગયો? પણ સાંભળ, એ વિદાય પાછળની મજબૂરી અને તારા પ્રત્યેનો મારો પ્રેમ કેટલો ઊંડો હતો…

​મહેલમાં તારા લાડકોડ

​તને યાદ છે બૂબુ? તું જ્યારે નાનકડું ગલુડિયું હતો, ત્યારે ઈથાકાના રાજમહેલમાં તારો ઠાઠ કોઈ રાજકુમારથી ઓછો નહોતો.

  • શ્રેષ્ઠ ભોજન અને શય્યા: તારા માટે સોનેરી થાળીમાં ભોજન પીરસવામાં આવતું અને રાત્રે તું મારા પલંગની બાજુમાં રેશમી વસ્ત્રો પર સૂતો.
  • મારી સાથેનો સંગાથ: હું જ્યારે રાજ્યના દરબારમાં બેસતો, ત્યારે તું મારા સિંહાસનની બાજુમાં માથું રાખીને બેસતો. શિકાર પર જતી વખતે તું જ મારો મુખ્ય સેનાપતિ હતો. તે સમયે તારી સ્ફૂર્તિ અને તારી ગતિ જોઈને આખું ઈથાકા દંગ રહી જતું.
  • અતૂટ મૈત્રી: મારા માટે તું માત્ર એક શિકારી કૂતરો નહોતો, પણ મારો આત્મા હતો. આપણે કલાકો સુધી વગડામાં ફરતા અને તારી એક તીણી નજર પરથી હું સમજી જતો કે તું શું કહેવા માંગે છે.

​એ અચાનક વિદાયનું કારણ

​બૂબુ, એ યુદ્ધ મેં નહોતું નોતર્યું. હેલનના અપહરણને કારણે લાગેલી એ આગમાં મારે મારી ઈચ્છા વિરુદ્ધ હોમાવું પડ્યું હતું.

  • રાજધર્મ અને પ્રતિજ્ઞા: મેં એક શપથ લીધા હતા જે મારે નિભાવવા પડ્યા. મેં પાગલ હોવાનો ઢોંગ પણ કર્યો જેથી તારી અને પરિવારની સાથે રહી શકું, પણ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું.
  • સમયનો અભાવ: જ્યારે મારી યુક્તિ પકડાઈ ગઈ, ત્યારે ગ્રીક સૈન્યના વહાણો બંદર પર ઉભા હતા. મારે એક ક્ષણના વિલંબ વગર નીકળવું પડ્યું. જો હું તારી પાસે વિદાય લેવા આવ્યો હોત, તો તારી એ ભીની આંખો જોઈને હું ક્યારેય ઈથાકાની ધરતી છોડી ન શક્યો હોત. તને રડતો મૂકીને જવાની મારામાં હિંમત નહોતી, એટલે જ હું તને વિધિવત રીતે મળી શક્યો નહીં.

​એ ૨૦ વર્ષોમાં તારી યાદ

​બૂબુ, એવું ન માનતો કે હું તને ભૂલી ગયો હતો. ૨૦ વર્ષના વનવાસમાં એવી એક પણ ક્ષણ નહોતી જ્યારે તું મારી યાદોમાં ન હોય:

  • જ્યારે હું એકલો હોતો: સમુદ્રના તોફાનો વચ્ચે જ્યારે મારું જહાજ ડગમગતું, ત્યારે મને યાદ આવતું કે જો તું સાથે હોત તો તારી વફાદારી મને કેટલી હિંમત આપત.
  • શિકારની ક્ષણોમાં: ભૂખ મટાડવા જ્યારે મારે જંગલી પ્રાણીઓનો શિકાર કરવો પડતો, ત્યારે મારું મન બોલી ઉઠતું— “જો આજે મારો આર્ગોસ સાથે હોત, તો આ શિકાર કેટલી ઝડપથી થઈ ગયો હોત!” તારી એ દોડવાની છટા મને અજાણ્યા ટાપુઓ પર પણ યાદ આવતી.
  • વિશ્વાસઘાત વચ્ચે: જ્યારે દુનિયાના લોકો મને છેતરતા, ત્યારે મને તારી એ નિઃસ્વાર્થ મૈત્રી યાદ આવતી. મને સમજાતું કે માણસો કરતાં એક પ્રાણીનો પ્રેમ કેટલો પવિત્ર હોય છે.

​બૂબુ, તું હંમેશા મારા હૃદયના ધબકારામાં હતો. ભલે હું શરીરથી દૂર હતો, પણ મનથી તો હું હંમેશા તારી જ સાથે ઈથાકાના એ મેદાનોમાં દોડતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *