ભાવનગરના નવારતનપર સીટ પર ભાજપ ઉમેદવાર જગદીશ બારૈયાની હાર નિશ્ચિત: જૂના હિસાબો અને અહંકાર નડશે : જેની સામે વટ હતો તેને જ બોલાવીને છેલ્લી ઘડીના મોટા સમાધાન, જમણવાર ગોઠવવા પડે તેવી અતિ મજબૂર સ્થિતિ
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર તાલુકાના રાજકારણમાં અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ સૌથી વધુ ચર્ચા નવારતનપર સીટની થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી જગદીશ બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ જમીની હકીકત અને મતદારોનો મિજાજ જોતા એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે જગદીશ બારૈયા માટે આ ચૂંટણી જીતવી લોઢાના ચણા ચાવવા સમાન છે. રાજકીય વિશ્લેષકો અને સ્થાનિક સૂત્રોના મતે આ બેઠક પર ભાજપના ઉમેદવારની હારના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને તેની પાછળનું મુખ્ય કારણ ઉમેદવારનો ભૂતકાળ અને તેમનો અહંકારી સ્વભાવ માનવામાં આવી રહ્યો છે.
જગદીશ બારૈયા જ્યારે અગાઉ ગામના સરપંચ પદે હતા, ત્યારે તેમણે પોતાના હોદ્દાનો બેફામ ગેરઉપયોગ કર્યો હોવાના ગંભીર આક્ષેપો અત્યારે મતદારો વચ્ચે ચર્ચાની સપાટી પર આવ્યા છે. સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે લોકહિતના કામો કરવાને બદલે પોતાના અંગત સ્વાર્થ માટે અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા. આ બાબત નવારતનપર સીટના જાગૃત મતદારો ભૂલ્યા નથી. સત્તાના નશામાં ચૂર થઈને લેવાયેલા તે નિર્ણયો આજે તેમની રાજકીય કારકિર્દી માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો નેતાના ભૂતકાળના કામોને આધારે જ મતદાન કરતા હોય છે, અને જગદીશ બારૈયાનો સરપંચ તરીકેનો રેકોર્ડ જનતાની નજરમાં ઘણો ખરડાયેલો છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, એક સમયે જે લોકો અને પરિવારો જગદીશ બારૈયા સાથે ખભેખભો મિલાવીને ઉભા હતા, આજે તેઓ જ તેમની વિરુદ્ધમાં મોરચો માંડીને બેઠા છે. ભૂતકાળની ચૂંટણીઓમાં જે શક્તિઓએ તેમને જીતાડ્યા હતા, એ જ શક્તિઓ સામે જગદીશ બારૈયાએ સત્તા પર આવ્યા પછી વેર બાંધ્યું હતું. પોતાની સત્તાનો ઉપયોગ કરીને અનેક પરિવારો સાથે કાયમી વાંધાઓ પાડી દીધા હોવાથી, આ વખતે ગણિત સાવ ઉલટું પડ્યું છે. આ પરિવારો હવે કોઈ પણ સંજોગોમાં તેમને સમર્થન આપવા તૈયાર નથી. રાજકારણમાં જેઓ પોતાના જૂના સાથીદારોને સાચવી શકતા નથી, તેમને જનતા કેવી રીતે સ્વીકારે તેવો પ્રશ્ન અત્યારે ગલીએ ગલીએ ચર્ચાઈ રહ્યો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, હવે પોતાની હાર સામે દેખાતી હોવાથી જગદીશ બારૈયા ગભરાટમાં છે. અગાઉ જે લોકોને તેઓ ઓળખતા પણ ન હતા અથવા જેમના પ્રત્યે અભિમાનભર્યું વર્તન રાખતા હતા, તેમને હવે સામે ચાલીને બોલાવવાની ફરજ પડી રહી છે. અત્યાર સુધી જેમને ‘વળતા’ રહેતા હતા, તેમની પાસે હવે સમાધાન માટે કરગરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણીના છેલ્લા દિવસોમાં રાતોરાત જૂના મનદુઃખ દૂર કરવાના અને તોડજોડ કરવાના પ્રયત્નો તેજ બન્યા છે. પરંતુ મતદારોમાં એવી ચર્ચા છે કે “જ્યારે જરૂર હતી ત્યારે અહંકાર બતાવ્યો, અને હવે મત માટે સમાધાન કરવા નીકળ્યા છો?” જનતા હવે આવા ‘સીઝનલ’ સમાધાનોથી ભોળવાય તેવી શક્યતા ઓછી છે.
પોલિટિકલ સાયકોલોજીના નિષ્ણાતોનું માનવું છે કે, જ્યારે કોઈ ઉમેદવાર હાર ભાળી જાય છે ત્યારે તે છેલ્લે છેલ્લે ‘સામ-દામ-દંડ-ભેદ’ ના કીમિયા અપનાવે છે. જગદીશ બારૈયા પણ અત્યારે જમણવાર અને લુખ્ખા તત્વોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા હોય તેવું જણાય છે. મફતનું ખાવાના શોખીન અસામાજિક તત્વોને વારંવાર જમાડીને એક કૃત્રિમ માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે. જે રીતે હાથબ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રઘુ ગોહીલ લોકોને ખાવા-પીવાના બહાને એકઠા કરીને સસ્તી લોકપ્રિયતા મેળવવાના છીછરા પ્રયત્નો કરી રહ્યા છે, તે જ રસ્તે હવે જગદીશ બારૈયા પણ ચાલ્યા છે. આવા હલકા સ્તરના કીમિયાઓ અપનાવવાથી ભારતીય જનતા પાર્ટી જેવી ખુમારી ધરાવતી પાર્ટીની છબી પણ ખરડાઈ રહી છે. સ્થાનિક સ્તરે પક્ષનું ગૌરવ જાળવવાને બદલે ઉમેદવાર માત્ર પોતાની સીટ બચાવવા માટે નીચલા સ્તરે ઉતરી આવ્યા હોય તેમ જણાય છે.
નવારતનપર ગ્રામ પંચાયતની હાલની બોડીમાં પણ જગદીશ બારૈયાએ પડદા પાછળ રહીને જે પ્રકારનું રાજકારણ ખેલ્યું છે, તેનાથી ગ્રામીણ રાજકારણ ડહોળાયું છે. ગામમાં જૂથબંધી કરાવીને પોતાનું ધાર્યું કરાવવાની તેમની નીતિથી ગામના વિકાસને અવરોધ પહોંચ્યો હોવાની ગ્રામજનોની લાગણી છે. આ જ કારણ છે કે નવારતનપર ગામનું એક મોટું અને વિરાટ જૂથ અત્યારે સક્રિય થઈને માત્ર અને માત્ર જગદીશ બારૈયાને હરાવવા માટે કામે લાગ્યું છે. આ જૂથ માટે પક્ષ મહત્વનો નથી, પણ વ્યક્તિગત રીતે જગદીશ બારૈયાનો વિરોધ મુખ્ય છે.
રસપ્રદ વાત એ છે કે, મતદારોને એ વાતમાં જરાય રસ નથી કે કોંગ્રેસના ઉમેદવાર ફલાણાભાઈ સરવૈયા કોણ છે કે તેમની ક્ષમતા શું છે. લોકો અત્યારે નકારાત્મક મતદાન (Negative Voting) કરવાના મૂડમાં છે. તેમનું એકમાત્ર લક્ષ્ય જગદીશ બારૈયાને સત્તાથી દૂર રાખવાનું છે. લોકો તેમનું અતિશય ખરાબ અને સ્વાર્થી રાજકારણ જોઈ ચૂક્યા છે, તેથી હવે બદલાની ભાવના મતદારોમાં પ્રબળ બની છે. જ્યારે જનતા કોઈ વ્યક્તિને હરાવવા માટે એક થઈ જાય, ત્યારે મોટા-મોટા સત્તાધીશોના કિલ્લા પણ ધ્વસ્ત થઈ જતા હોય છે. નવારતનપર સીટ પર અત્યારે એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં ઉમેદવારનો પોતાનો ભૂતકાળ જ તેમની સામે દીવાલ બનીને ઉભો રહી ગયો છે.
નવા રતનપરમાં ગઈ રાત્રી દરમિયાન થયેલી એક બેઠકમાં હાથબ સીટના ઉમેદવારને નવા રતનપર ગામના અલગ અલગ ત્રણ જૂથોના લોકોએ સામેથી બોલાવીને ભોજનનું નિમંત્રણ આપ્યું હતું. જ્યારે નવારતનપર ના આજ સૂત્રો જણાવી રહ્યા છે કે ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાને એવી રીતે બોલાવવા કોઈ રાજી નહીં હોવાથી તેને પોતાને જ એક મોટા જમણવારનું આયોજન કરવા મજબૂર થવું પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ છે. આડા દિવસે જેની સાથે વટ રાખીને બોલવાનું પણ પસંદ ન કરતા હોય તેવા લોકો સાથે તેને છેલ્લી ઘડીના સમાધાન કરવાની નોબત આવી ગઈ હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
