જામ ખંભાળિયા, તા. ૦૬-૦૬-૨૦૨૬
તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાને આઈટીઆઈ કર્યું હોય, અને તેમણે ઘણા સમયથી નોકરી શોધવા છતાં કોઈ કામ ધંધો મળતો ન હોવાથી આ બાબતે તેમને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પિતા નારણભાઈ લખમણભાઈ નંદાણીયા (ઉ.વ. 55, રહે. વડત્રા) ની નોંધ પરથી જરૂરી કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
કલ્યાણપુર નજીક ટ્રકની ઠોકરે ઈક્કો સવાર મુસાફરો ઈજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા કિશોરભાઈ મૂળજીભાઈ કછેટીયા નામના 26 વર્ષના સતવારા યુવાન ગઈકાલે શુક્રવારે તેમની જી.જે. 38 બી 2904 નંબરની ઈક્કો મોટરકાર લઈને નજીક આવેલી ખાનગી કંપની ખાતે પોતાની નોકરીએ જઈ રહ્યા હતા. ત્યારે ગોકુલપર ગામના પાટીયા નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 વી. 9261 નંબરના એક ટ્રકના ચાલકે કિશોરભાઈની ઈક્કો મોટરકાર સાથે પાછળથી ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે કારમાં જઈ રહેલા કિશોરભાઈ તેમજ સાહેદ સુરેશભાઈ, ભીમાભાઈ, વશરામભાઈ તથા રણમલભાઈને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
