પોરબંદર શહેરમાં જાણીતા વેપારીને ચેક પાછા ફરવાના કેસમાં અદાલતે બે વર્ષની કેદની સજા ફટકારતા ભારે ચર્ચાઓ જાગી છે. આ કેસની વિગત એવી છે કે પોરબંદરમાં એસ.વી.પી. રોડ પર નગીના મસ્જિદ સામે લાઈફ સ્ટાઈલ મોબાઈલ નામની દુકાન ધરાવતા અબ્દુલકાદર હારુન ગીગાણી અને અન્ય એક વેપારી અવેશ કાસમભાઈ મલંગ વચ્ચે વ્યવસાયિક સંબંધો હતા. અવેશ મલંગ પણ મોબાઈલના ધંધા સાથે જોડાયેલા હોવાથી અબ્દુલકાદર હારુન ગીગાણીએ તેમની પાસેથી હાથઉછીના ૮,૦૦,૦૦૦ રૂપિયા લીધા હતા. આ રકમ પરત કરવા માટે અબ્દુલકાદરે એસ.બી.આઈ. બેંકનો આઠ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જોકે અવેશ મલંગે જ્યારે આ ચેક બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે અપૂરતા ભંડોળને કારણે પરત ફર્યો હતો. આ બાબતે અવેશ મલંગે નોટિસ પાઠવવા છતાં કોઈ રકમ ન ચૂકવતા આખરે એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ પોરબંદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોમલની કોર્ટમાં ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન એડવોકેટ ભરતભાઈ લાખાણીએ દસ્તાવેજી પુરાવાઓ અને નામદાર હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટે તમામ પુરાવાઓ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખી અબ્દુલકાદર હારુન ગીગાણીને તકસીરવાન ઠેરવી બે વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે દીપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારઘી અને રમેશ ગોઢાણીયા જેવા એડવોકેટો પણ રોકાયેલા હતા.
