
સાગરીત હિતેશ ઓડેદરા પાંચ દિવસના રિમાન્ડ પર: રૂ 70 લાખની લેતીદેતીનો મામલો: અન્ય આરોપીઓની ધરપકડ માટે પોરબંદર પોલીસના તપાસ ચક્રો ગતિમાન
નારન બારૈયા, પોરબંદર
પોરબદરના કુતિયાણાનાધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી અને એક સમયના ગેંગસ્ટર ભુરા મુંજાના પત્ની હીરલબા જાડેજાની ધરપકડ પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલે એફઆઇઆર થઈચૂકી છે. ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગભીર આરોપ, વિડિઓના માધ્યમથી લગાવ્યા છે. બે દિવસ પહેલા વાયરલ થયેલ વિડિયો અન્વયે ગઈ કાલે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા તથા અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે પોરબંદર પોલીસે તેને અદાલતમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ સાથે હિરલબા ના કહેવાતા સાગરિત હિતેશ ઓડેદરા ને પણ પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ એવા સમયે બહાર આવ્યું છે કે જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી ભૂરા મુંજાના પત્ની એક સમયના ગેંગસ્ટર ભૂરા મુંજાના પત્ની હિરલબા જાડેજા તેમના પરિવારની ઈમેજ બદલવામાં સફળ રહ્યા હતા અને તેમના પરિવારને રાજકીય ક્ષેત્રે તાજેતરમાં ખૂબ જ સફળતા પણ મળી હતી અને હિરલબા જાડેજાને ભવિષ્યના પોરબંદર ના સાંસદ કે ધારાસભ્ય તરીકે પણ લોકો જોઈ રહ્યા હતા. સમગ્ર પ્રકરણ પાછળ કોઈ રાજકારણ તો કામ નથી કરી રહ્યું ને? – આમ પણ એક સવાલવાળો સવાલ છે. જોકે પોલીસને હિરલબા વિરુદ્ધ અનેક ઠોસ પુરાવા મળ્યા છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભનાભાઇ અરજણભાઇ ઓડેદરા (ઉ.વ.૬૪ ધંધો- માળી તરીકે રહે. કુછડી ગામ, ગૌશાળાની બાજુમાં તા.જી. પોરબંદર)એ (૧) હીરલબા વા/ઓ ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા રહે. સુરજ પેલેસ પોરબંદર તથા (૨) હિતેષ ભીમાભાઇ ઓડેદરા તથા (૩)વિજય ભીમાભાઇ ઓડેદરા (રહે. બંન્ને જયુબેલીથી ખાપટ જતા રસ્તા નજીક પોરબંદર) તથા અન્ય ચાર થી પાંચ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર રાત્રીના ફરીયાદીના ઘરે અજાણ્યા ચાર થી પાંચ આરોપીઓએ ગ્રૃહ અપપ્રવેશ કરી ફરીયાદી તથા સાહેદોનુ અપહરણ કરી ફરીયાદીની દિકરીએ લીધેલ સીત્તેર લાખ રુપિયા કઢાવવા સારુ આરોપી હિરલબાના બંગલે લઇ જઇ તેમની સામે આરોપી હિતેષ અને વિજયે ફરીયાદી ભનાભાઇની દિકરી સાથે ફરીયાદી તથા તેના જમાઇની વીડીયોકોલમાં વાત કરાવી રુપિયા કઢાવવા માટે દબાણ કરી ફરીયાદી તથા સાહેદોને જમીન,કમાન,પ્લોટ,દાગીના વિગેરે આપી દેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી હિતેષે બળજબરીથી ફરીયાદી પાસેથી અલગ-અલગ કુલ-૧૧ કોરા ચેકમાં સહી કરાવી લઇ લીધેલ તેમજ આરોપી વિજયે ફરીયાદીની દિકરીની મરણજનાર દિકરીની નિશાની માટે રાખેલ હાથમાં પહેરવાનો દોઢ તોલાનો સોનાનો બેરખો તથા આશરે અડધા-પોણા તોલાનો ચેઇન એમ આશરે દોઢેક લાખના દાગીના લઇ ફરીયાદી તથા ફરીયાદીના જમાઇને સતર દિવસ સુધી તથા ફરીયાદીની દિકરીના દિકરા રણજીતને બાર દિવસ સુધી બળજબરીથી સીત્તેર લાખ રુપિયા કઢાવી લેવા માટે આરોપી હિરલબાના બંગલે ગોંધી રાખ્યા હતા. તા.૧૧/૪/૨૦૨૫ના કલાક ૧૨/૧૫થી તા.૨૭/૪/૨૦૨૫ના કલાક ૨૩/૦૦ કુછડી ગામ ફરીયાદીના રહેણાંક મકાનેથી પશ્ચિમે પોરબંદર સુરજ પલેસ પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે તા.30/4/25ના કલાક – ૧૬/૯૦ વાગ્યે પોરબંદરના હાર્બર મરીન પોલીસમાં (ગુ.ર.નં. પાર્ટ એ-૧૧૨૧૮૦૧૮૨૫૦૧૪૬/૨૦૨૫) બીએનએસ કલમ- ૩૦૮(૫),૧૪૦(૩),૧૪૨,૧૧૫(૨),૩૫૧(૩),૧૨૦(૧),૧૨૭(૪), ૩૨૯(૩),૩(૫), મુજબ ગૂનો દાખલ થતાં પીઆઇ એસ. ડી. સાળૂકેએ તપાસ હાથ ધરી છે. હિરલબાની ધરપકડ થઈ ચૂકી છે. રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યાં છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા ફરિયાદી તથા ભોગબનનારના અપહરણના ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવામાં આવેલ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષ નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના બનાવોના આરોપીઓને સત્વરે શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ. ગઈ તા.૨૬/૪/૨૦૨૫ ના રોજ ઇઝરાઇલ ખાતેથી લીલુબેન ઓડેરાએ એક વિડીયો ક્લિપ સોશ્યલ મિડિયામાં પોતાના પિતા તથા પુત્રનું અપહરણ થયેલ હોય જેથી મદદ માટે અપીલ કરેલ જે વિડીયો અનુસંધાને પોરબંદર પોલીસ દ્વારા લીલુબેનના પિતા તથા પુત્રીની વધુ વિગતો મેળવી શોધખોળ હાથ ધરતા ભોગ બનનાર ભનાભાઇ અરજણભાઇ ઓડેરા તથા લીલુબેનના દિકરા રણજીત મલી આવતા પોલીસ દ્વારા ફરિયાદી ભનાભાઇ અરજણભાઇ ઓડેરા ઉ.વ.૫૪ ધંધો માળી તરીકે રહે.કુછડી ગામ ગૌશાળાની બાજુમાં તા.જી.પોરબંદરની ફરિયાદ આધારે હાર્બર મરીન પોલીસમાં ગૂનો દાખલ કરાવામાં આવેલ છે. ગુન્હાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓના ઘરે જડતી તપાસ કરવામાં આવેલ. તેમજ કોરા ચેક તથા જમીનના દસ્તાવેજો રીકવર કરવા આરોપીઓને રીમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપી નં(૧) હીરલબા જાડેજાના તા.૩/૫/૨૦૨૫ ના કલાક ૧૭/૦૦ સુધી અને આરોપી નં(૨) હિતેશ ઓડેદરાના તા.૫/૫/૨૦૨૫ના કલાક ૧૨/૦૦ સુધીની રિમાન્ડ મંજુર કરાવામાં આવેલ છે. તેમજ બાકી રહેતા આરોપીઓની સત્વરે શોધી કાઢવા પુરતા પ્રયત્નો ચાલુ છે.
અટક કરવામાં આવેલ આરોપીઓ
(૧) હીરલબા વા/ઓ ભુરાભાઇ મુજાભાઇ જાડેજા, ઉ.વ.૫૮, રહે.ઝવેરી બંગલો, સુરજ પેલેસ, પોરબંદર
(૨) હિતેશ ભીમભાઇ ઓડેરા, ઉ.વ.૨૮, રહે.બોખીરા, વ્રજવાટીકા સોસાયટી, શેરી નં.૦૨, પોરબંદર
અટક કરવાના બાકી આરોપી:-
(૧) વિજય ભીમભાઇ ઓડેરા તથા અન્ય ચારથી પાંચ અજાણ્યા ઇસમો
હિરલબાના ફોનમાંથી જ પોલીસને હિરલબા વિરુદ્ધ અનેક આધાર પુરાવાઓ મળ્યા છે
હાર્બર મરીન પોલીસના થાણા અધિકારી અને આ કેસના તપાસ અધિકારી પીઆઇ એસ. ડી. સાળૂકેએ કહ્યું કે આરોપી હિરલબા વિરુદ્ધ અનેક પુરાવાઓ પોલીસને મળ્યા છે. જેમાં વાયરલ થયેલ ઓડિયો વીડિયો ઉપરાંત અનેક સ્ટેટમેન્ટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હિરલબાના પોતાના ફોનમાંથી પણ પોલીસને તેમની વિરુદ્ધ જતા અનેક પુરાવાઓ પ્રાપ્ત થયા છે જેના આધાર પર પોલીસની આગળની તપાસ ચાલુ છે
પોરબંદર પોલીસની લોકોને અપીલ: ડર્યા વગર ફરિયાદ કરો
પોરબંદર જીલ્લાના નાગરીકોને અપીલ કરવામા આવે છે કે, ઉપરોક્ત આરોપીઓ દ્વારા અન્ય કોઈ ભોગબનારને ધાક ધમકી આપી મિલ્કત લખાવી લીધેલ હોય તો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા પુરતો સહયોગ આપવામાં આવશે.