Headlines

​અવાણીયા પાસે ઇકો ચાલકની બેફિકરાઈ: ભુંભલીના બાઈક સવાર 3 ભાઈ-બહેનને અડફેટે લેતા ગંભીર ઈજા: ઇકો ચાલક ટક્કર મારી નાસી છૂટ્યો​


ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર/ઘોઘા

​ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા અવાણીયા ગામ પાસે ગત શુક્રવારે સાંજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભાવનગરના ભુંભલી ગામે રહેતા કિરણબેન રમેશભાઈ બારૈયા, તેમનો ભાઈ રાહુલ અને બહેન દક્ષાબેન મોટરસાયકલ પર સવાર થઈને ભાવનગરના ભરતનગર વિસ્તારમાં કપડાંના સિલાઈ કામની મજૂરી માટે ગયા હતા. તારીખ 08/05/2026 ના રોજ સાંજે આશરે સાડા સાતેક વાગ્યે કામ પતાવીને આ ત્રણેય ભાઈ-બહેન પોતાના ગામ ભુંભલી પરત ફરી રહ્યા હતા.
​જ્યારે તેઓ અવાણીયા ગામથી પીપળીયા પુલ તરફ જતા માર્ગ પર ‘મામાના ઓટલા’ નજીક પહોંચ્યા, ત્યારે સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક ઇકો ગાડી (રજીસ્ટ્રેશન નંબર GJ 04 EJ 5837) ના ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જીને ઇકો ચાલક પોતાની ગાડી સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. રસ્તા પર હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ત્રણેય ઈજાગ્રસ્તોને ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.
​આ બનાવ અંગે કિરણબેન બારૈયાએ હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદના આધારે ઘોઘા પોલીસે ઇકો ગાડીના ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 281, 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ મનુભાઈ ઉગાભાઈ સોઢા કરી રહ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા સભ્યોની વિગત નીચે મુજબ છે:
​કિરણબેન રમેશભાઈ બારૈયા (ઉં.વ. 25): તેમને જમણા પગના સાથળના ભાગે ફેક્ચર થયું છે.
​રાહુલભાઈ રમેશભાઈ બારૈયા: તેમના જમણા પગે પણ ફેક્ચર થયું હોવાથી તેમને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા.
​દક્ષાબેન રમેશભાઈ બારૈયા: તેમને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચતા SICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *