Headlines

ઉનાળાની રજાઓમાં IRCTCની ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ શરૂ થશે – આધ્યાત્મિકતા સાથે સુવિધાસભ ર પ્રવાસનો અનોખો અવસર –


જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬

ભારતીય રેલ્વે તથા ભારતીય રેલ્વે કેટરીંગ તથા ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અભિયાન અંતર્ગત ઉનાળાની રજાઓમાં યાત્રિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ મારફતે રજૂ થયેલી ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ આધ્યાત્મિકતા, સુવિધા અને આરામનો અનોખો સંયોગ સાબિત થશે.
આ વિશેષ ટ્રેન 12 મે થી 22 મે (10 રાત્રિ / 11 દિવસ) દરમિયાન ચાલશે. યાત્રા ગુજરાતના રાજકોટ રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને માર્ગમાં સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરીને મુસાફરોને જોડાવાનો મોકો આપશે.
આ યાત્રા દરમિયાન ભક્તોને દક્ષિણ ભારતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો જેવા કે તિરૂપતિ બાલાજી મંદિર, રામાનાથ સ્વીમી મંદિર, મીનાક્ષી અમ્માન મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન મંદિરના દર્શન કરવાનો અવસર મળશે.
મુસાફરોની આરામદાયક અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે ટ્રેનમાં અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટ્રેનમાં જ આધુનિક કિચન કાર દ્વારા શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. યાત્રા દરમિયાન બજેટ હોટેલોમાં રહેવાની વ્યવસ્થા તથા સ્થળાંતર માટે બસ સુવિધા ઉપલબ્ધ રહેશે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને ખાનગી સુરક્ષા ગાર્ડની તૈનાતી કરવામાં આવશે. સાથે જ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તેમજ ભજન-કીર્તનની વ્યવસ્થા યાત્રાને વધુ આનંદદાયક બનાવશે.
આ પ્રવાસ માટે ત્રણ વિવિધ શ્રેણીઓમાં પેકેજ ઉપલબ્ધ છે, જેથી દરેક વર્ગના લોકો સરળતાથી આ યાત્રાનો લાભ લઈ શકે. સરકારી કર્મચારીઓ માટે LTC સુવિધા પણ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે યાત્રિકો હવે EMI દ્વારા પણ આ પેકેજ બુક કરી શકે છે. આ આધ્યાત્મિક અને યાદગાર પ્રવાસમાં જોડાવા ઇચ્છુક યાત્રિકો IRCTC Tourism Website પર જઈને સરળતાથી બુકિંગ કરી શકે છે. તેમ રેલવે તંત્રની એક યાદીમાં જણાવાયું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *