‘
ધ ગ્રેટ વર્લ્ડ, ભુજ
મુંબઈની જાણીતી સંસ્થા દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર મહાનુભાવોને અપાતો પ્રતિષ્ઠિત ‘કચ્છ-શક્તિ નેશનલ એવોર્ડ’ વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ ભુજના ‘વાવડ’ના તંત્રી રામ કરશનદાસ ઠક્કરના પુત્ર અને ‘કચ્છ દર્શન’ના તંત્રી દર્શનકુમાર ઠક્કરને ‘કચ્છ શક્તિ’ રાષ્ટ્રીય પત્રકાર એવોર્ડ-૨૦૨૬ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. માત્ર ૧૮ વર્ષની નાની ઉંમરે વર્ષ ૧૯૯૧માં ભુજથી ‘કચ્છ દર્શન’ સાપ્તાહિક શરૂ કરનાર દર્શનકુમાર ઠક્કર હાલમાં લોકપ્રિય અખબાર ‘વાવડ’ના કાર્યકારી તંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે.
સંસ્થાના કન્વીનર હેમરાજ શાહ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષના એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે એક ખાસ સમિતિની બેઠક યોજાઈ હતી. આ પસંદગી સમિતિમાં કનૈયાલાલ જોશી, ડો. નાગજી રીટા, ચીમન મોતા, એડવોકેટ પીયુષ એમ. શાહ, વેલજી અખેરાજ બોરીચા, ભુજના મિલન સોની અને ઉદય હેમરાજ શાહ જેવા અગ્રણીઓએ સેવા આપી હતી. સમિતિ દ્વારા સઘન ચર્ચા-વિચારણાના અંતે કુલ ૨૩ એવોર્ડ વિજેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા હતા.
આગામી અષાઢી બીજ એટલે કે કચ્છી નૂતન વર્ષના પાવન પ્રસંગે, ૧૬મી જુલાઈએ મુંબઈના દાદર સ્થિત યોગી સભાગૃહમાં એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તમામ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે સંસ્થા પોતાનું ૪૦મું વર્ષ મુંબઈમાં કચ્છી નવું વર્ષ ઉજવીને મનાવી રહી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીટા હરીયા દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત એના છેડા દ્વારા સંગીત મય શૈલીથી થશે અને ત્યારબાદ પુરસ્કાર વિતરણ વિધિ હાથ ધરાશે. આ સમારંભમાં જૈન મેરેજ મિશનના આઠ ફિરકાના પ્રમુખોનું પણ વિશેષ બહુમાન કરવામાં આવનાર છે.
ઘોષિત કરાયેલા અન્ય એવોર્ડ વિજેતાઓની યાદીમાં પૂજ્ય જયુબાપા ગુલાબજી મહારાજશ્રી (અચલગચ્છ) ને ‘કચ્છરત્ન એવોર્ડ’ થી નવાજવામાં આવશે. આ ઉપરાંત સમાજ-રત્ન એવોર્ડ જયંતિલાલ કેશવજી છાડવા (ચેમ્બુર), ધર્મપ્રેમી એવોર્ડ નરેન્દ્ર આર. નંદુ, અને સમાજસેવા એવોર્ડ હીરજી આર. પાસડને અર્પણ કરાશે. સાહિત્ય રત્ન એવોર્ડ અંજારના અજય સોનીને, સંશોધન એવોર્ડ ભીમાસરના મહાદેવ બારડને, નારીરત્ન એવોર્ડ સમીરા રાંભિયા (મુલુંડ) અને દિશા દેઢિયાને આપવામાં આવશે. ટી.વી. સ્ટાર એવોર્ડ ‘ચૌરંગી’ ફિલ્મના નીલ ભટ્ટને તથા બાલ કલાકાર એવોર્ડ બોરીવલીના પ્રીત પરીન ગાલાને મળશે.
વ્યવસાયિક ક્ષેત્રે લીગલ પ્રોફેશન એવોર્ડ મુંદ્રાના કીર્તિલાલ સંઘોઈને, ફોટોગ્રાફી એવોર્ડ જયપુરના વિરલ કનૈયાલાલ જોશીને અને પત્રકારત્વમાં મસાણીના તંત્રી ઉમેશ એમ. ત્રિવેદીને પણ એવોર્ડ અપાશે. નૃત્યરત્ન એવોર્ડ સાયન-ખોપોલીના ખુશી ગડા અને જન્હવી ગડાને, પાર્શ્વગાયક એવોર્ડ રાજકોટના નિધિ ધોળકિયાને, શિક્ષણ એવોર્ડ આઈ.એસ.એસ. ના દિશાંત અમૃતલાલ નિસરને તેમજ વ્યાપાર એવોર્ડ ગાંધીધામના સુવર્ણકાર ભૂષણ આર. સોની તથા જસ્ટ ઈન ટાઈમના રાજ છેડાને એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત વાલીના મહેન્દ્ર છેડાને પણ સમાજસેવા એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ જાહેરાતથી કચ્છ અને મુંબઈના પત્રકારત્વ જગત તેમજ વિવિધ સમાજોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
