
– સંતો-મહંતો, પૂજ્ય માતાજીઓ, કલાકારો, આગેવાનો વિકાસ ઉપસ્થિતિ –
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામના મૂળ વતની એવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને પ્રાર્થના ફાઉન્ડેશનના ચેરમેન ઈસુદાન ગઢવીના પીપરીયા ગામે તાજેતરમાં “લોટી ઉત્સવ અને નામકરણ વિધી” પ્રસંગે અનેકવિધ કાર્યક્રમના ભવ્ય આયોજનો થયા હતા. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો મહંતો, પૂજ્ય માતાજીઓ સહિત સંતવાણીના પ્રખ્યાત કલાકારો અને તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
સાથે સાથે “આપ”ના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ સમાજના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બપોરના સમયે ચારણી રમત (દાંડિયા રાસ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાત્રે ભવ્ય સંતવાણીના આયોજનમાં મોટી સંખ્યામાં નામી – અનામી કલાકારોએ ભજન, ધૂન, ગરબા અને હાસ્યરસની રમઝટ બોલાવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે “અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાંથી તમામ સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એ જોઈને મને ખૂબ જ ખુશીની લાગણી અનુભવાઈ રહી છે. આ પ્રસંગ ધાર્મિક અને સામાજિક તો છે, પરંતુ સર્વ સમાજની એકતા દર્શાવતો પ્રસંગ પણ છે. એકબીજાને જોડી શકે એનું નામ ચારણ હોય અને એ ભૂમિકા આપણે નીભાવવાની છે. આપણે માં જગદંબા અને ભગવતીના સંતાનો કહેવાઈએ છીએ. અનેક માતાજીઓ અને જગદંબાઓ મારા આંગણે પધાર્યા છે. જેના આંગણે માં જગદંબાઓ આવી જતા હોય તો એ વ્યક્તિએ ક્યારેય પાછું વળીને જોવાની જરૂરત રહેતી નથી. હું આ તમામ માતાજીઓને વંદન કરું છું.”
નાના એવા પીપરીયા ગામમાં ભવ્ય રીતે યોજાયેલા આ ધર્મોત્સવનો લાભ મોટી સંખ્યામાં ભક્તો, ગ્રામજનોએ લીધો હતો.








(ફોટો:- કુંજન રાડિયા)
