ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મહત્તમ તાપમાનમાં સહેજ એટલે કે એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં નાગરિકોને ગરમીમાંથી કોઈ મોટી રાહત મળી નથી. આજે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયો હતું, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી રહ્યું હતું. તાપમાનનો પારો થોડો નીચે આવવા છતાં હવામાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા જેટલું ઊંચું રહેવાના કારણે અસહ્ય બફારા અને પરસેવાની સ્થિતિ સર્જાઈ છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનો (લૂ) ની ઝડપ ૧૨ કિલોમીટર પ્રતિ કલાક રહેતા જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દરિયાઈ પવનોની દિશા બદલાવાના કારણે હવામાં ભેજ વધ્યો છે, જેના લીધે વાસ્તવિક તાપમાન કરતાં અનુભવાતી ગરમી (હીટ ઇન્ડેક્સ) ખૂબ જ વધારે છે. બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને લોકો કામ વિના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના કારણે ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને તરબૂચ જેવા ફળોનું વેચાણ બજારમાં ખૂબ જ વધી ગયું છે.
આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને સીધા સૂર્યપ્રકાશથી બચવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લીંબુ પાણી, ઓઆરએસ અથવા છાશનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી હજુ પણ આવી જ આકરા બફારાવાળી સ્થિતિ યથાવત રહેવાની સંભાવના સેવાઈ રહી છે, ત્યારબાદ જ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
