પહેલી ધારની વાત – નારન બારૈયા
સાહેબ, દુનિયામાં બે જ ચીજો એવી છે જેની વ્યાખ્યા ક્યારેય કોઈનાથી થઈ શકી નથી; એક સ્ત્રીનું મન અને બીજું આલ્કોહોલનું પ્રવાહી! આ બંને એવા પદાર્થો છે કે એના સંપર્કમાં આવનાર ભલભલા મોટા તત્વજ્ઞાનીઓની બુદ્ધિ પણ ઘાસ ચરવા ચાલી જાય છે. આજકાલ આપણા દેશમાં મેડિકલ સાયન્સ અને વૈજ્ઞાનિકો રાત-દિવસ એક કરીને એ સાબિત કરવામાં લાગેલા છે કે દારૂ પીવાના શું ફાયદા છે અને શું ગેરફાયદા છે. અરે ભાઈ, સંશોધનો કરવાવાળા પણ અજબ ગજબના નમૂનાઓ હોય છે. તેઓ વર્ષો સુધી લેબોરેટરીમાં બેસીને ઉંદરડાઓને દારૂ પાય છે અને પછી દુનિયાને ગંભીર ચહેરે વ્યાખ્યાન આપે છે કે દારૂ પીવાથી હૃદય મજબૂત થાય છે અને જો વધારે પીધો તો લીવર પત્તાની જેમ વેરવિખેર થઈ જાય છે. જાણે દુનિયાની પ્રજા ઉંદરડા પાછળ પાગલ થઈને પોતાની જિંદગી જીવતી હોય! પેલા વૈજ્ઞાનિકો ભલે ગમે તેટલા રિપોર્ટ બહાર પાડે, પણ આપણા દેશમાં તો દારૂના ફાયદાની વ્યાખ્યા તદ્દન અલગ જ સ્તરે ચાલે છે. અહીં તો મેડિકલ સાયન્સ પણ બે હાથ જોડીને ઊભું રહી જાય છે જ્યારે દેશના અસલી સૈનિકો અને આપણા દેશી દેશભક્તો આ આલ્કોહોલના દિવ્ય પ્રવાહીનો ઉપયોગ કેવી અદ્ભુત કલાત્મકતાથી કરે છે એ નજારો જોવા જેવો હોય છે.
આપણા દેશમાં સૈનિકો સીમાઓ પર બરફાચ્છાદિત પહાડો વચ્ચે, માઈનસ ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા માટે તૈનાત હોય છે. આ વાત સો ટકા સાચી છે અને એના માટે દેશના પ્રત્યેક નાગરિકના હૃદયમાં આર્મી માટે અસીમ સન્માન પણ છે. સરકાર અને આર્મી હેડક્વાર્ટર પણ આ વાત સારી રીતે જાણે છે કે સૈનિકોને ત્યાં ભયંકર માનસિક તણાવ રહે છે. આ તણાવને હળવો કરવા માટે અને જવાનોનું મનોબળ જાળવી રાખવા માટે કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાહત દરે દારૂનો ક્વોટા પૂરો પાડવામાં આવે છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ એવો હોય છે કે જવાન સાંજ પડ્યે બે ઘડી પોતાના વતન અને પરિવારની ચિંતાઓ ભૂલીને થોડી માનસિક શાંતિ મેળવી શકે. પરંતુ, સમસ્યા ત્યાં ઊભી થાય છે જ્યારે આ રાષ્ટ્રપ્રેમી, દેશભક્ત અને શિસ્તબદ્ધ સૈનિકોમાંથી કેટલાક મહામાનવો આ પવિત્ર ક્વોટાને દેશની સરહદથી સીધા ગુજરાત જેવા પવિત્ર અને આલ્કોહોલ મુક્ત ધામમાં પહોંચાડવાનું મહાઅભિયાન શરૂ કરી દે છે. અહીં આવીને મેડિકલ સાયન્સના તમામ નિયમો ધૂળધાણી થઈ જાય છે કારણ કે ગુજરાતમાં તો દારૂબંધી છે ભાઈ!
આપણે ત્યાં ગુજરાતમાં ગાંધીજીના આશીર્વાદથી દારૂબંધીનો કાયદો એટલો કડક છે કે પાણી સિવાય બીજું કશું ગળે ઉતારવું એ ગુનો ગણાય છે. પરંતુ, આપણા કેટલાક ચાલાક અને વ્યવસાયી બુદ્ધિવાળા વીર જવાનો આ કાયદાને અંગૂઠો બતાવીને એવું જબરદસ્ત મેનેજમેન્ટ કરે છે કે જોઈને મોટા મોટા ઉદ્યોગપતિઓના પણ છક્કા છૂટી જાય. જે સૈનિક પોતાની ડ્યુટી દરમિયાન દેશની રક્ષા માટે બંદૂક તાણીને બેઠો હોય છે, તે જ સૈનિક જ્યારે રજા પર આવે છે ત્યારે તેની બેગમાં દેશના દુશ્મનો માટે નહીં પરંતુ ગુજરાતના શોખીનો માટે દારૂની બોટલોનો અખૂટ ભંડાર ભરેલો હોય છે. આને કહેવાય અસલી સેવાનું પરિણામ! અરે, હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે કેટલાક એવા જવાનો પણ હોય છે જે પોતે જિંદગીમાં ક્યારેય દારૂનું એક ટીપું પણ મોઢામાં નથી નાખતા, એટલે કે સંપૂર્ણ સાત્વિક અને શાકાહારી જીવન જીવે છે, છતાં પણ તેઓ કેન્ટીનમાંથી પોતાનો આખો ક્વોટા નિયમિત ઉપાડે છે. હવે પ્રશ્ન એ થાય કે જો ભાઈ તું પીતો નથી તો આટલો બધો માલ કેમ ભેગો કરે છે? તો એનો જવાબ એવો મળે કે ભાઈ આ તો દેશની સેવા છે! એ સૈનિકો આ દારૂ ગુજરાતમાં લાવીને અહીંના સ્થાનિક બજારમાં એવા ગૌરવભેર વેચે છે જાણે તેઓ કોઈ પરોપકારી સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા હોય.
આપણા દેશના કાયદાની પણ એક અજબ મજા છે. આર્મીનો કાયદો એમ કહે છે કે શિસ્ત સર્વોપરી છે અને સિવિલ પોલીસનો કાયદો એમ કહે છે કે પ્રોહિબિશનનો ભંગ કરનાર સીધો જેલના સળિયા પાછળ જશે. પરંતુ આ બંને કાયદાઓ વચ્ચે આપણા આ દેશી વેપારી જવાનો એવો અદ્ભુત સમન્વય સાધે છે કે કાયદા બનાવનારા પણ ચક્કરમાં પડી જાય છે. જવાન સાહેબ કેન્ટીનમાંથી સસ્તી કિંમતે દારૂની પેટીઓ ખરીદે છે, પોતાની ફોજની ગાડીમાં કે કીમતી સામાનમાં સેરવીને ચેકપોસ્ટોને ચકમો આપીને ગુજરાતમાં પ્રવેશ કરે છે અને પછી અહીંના સ્થાનિક બૂટલેગરો સાથે એવી ભાગીદારી જમાવે છે કે મધરાતે ચાલતો આ ધંધો સોનાની ખાણ સાબિત થાય છે. વૈજ્ઞાનિકો ભલે એવો દાવો કરતા રહે કે આલ્કોહોલથી કેન્સર થાય છે અને લીવર સડે છે, પરંતુ આપણા આ વેપારી જવાનો અને બૂટલેગરોનું લીવર એટલું મજબૂત હોય છે કે તેમને વૈજ્ઞાનિકોની આ બધી ચેતવણીઓથી કોઈ ફરક નથી પડતો. તેમને તો બસ એટલી જ ખબર હોય છે કે કેન્ટીનની સસ્તી બોટલ ગુજરાતમાં આવે એટલે એના ભાવ સોનાની જેમ ડબલ થઈ જાય છે.
આ સમગ્ર પરિસ્થિતિ પર જો ગંભીરતાથી નજર નાખવામાં આવે તો હસવું પણ આવે અને દયા પણ આવે. એક તરફ દેશના સરહદો પર શહીદ થનારા અને અસલી પરસેવો પાડનારા ઈમાનદાર સૈનિકો છે, જેઓ ખરેખર દેશનું ગૌરવ છે અને બીજી તરફ આ કેન્ટીનના માલનો કાળાબજાર કરનારા કેટલાક સ્વાર્થી તત્વો છે જેઓ આખા સૈન્યની પ્રતિષ્ઠાને દાગ લગાડે છે. દારૂ પીવાના ફાયદા ભલે મેડિકલ સાયન્સ હજી સુધી શોધી ન શક્યું હોય, પરંતુ આર્મીના કોટાનો દુરુપયોગ કરીને ગુજરાતમાં રાતોરાત માલામાલ થઈ જવાના ફાયદા આપણા આ દેશી કલાકારોએ બહુ સારી રીતે શોધી કાઢ્યા છે. કાયદો મૂંગો મોઢે બધું જોઈ રહે છે, પોલીસ પોતાની આંખ આડા કાન કરે છે અને પેલા વીર જવાનો કેન્ટીનમાંથી દારૂ લાવીને અહીં દેશભક્તિના નામે આલ્કોહોલનો નવો ઇતિહાસ રચે છે. આને જ કહેવાય સાચી દેશભક્તિ, જ્યાં દેશના નામે મળતી સગવડતાનો ઉપયોગ અંગત તિજોરી ભરવા માટે થતો હોય! પોલીસે આર્મી જવાનો જ્યારે રજા ઉપર આવે છે ત્યારે તેની તમામ એક્ટિવિટી ઉપર નજર રાખવાની જરૂર છે અને માત્ર નજર જ નહીં જરૂર પડે તો એક્શન લેવાની પણ જરૂર છે. જો આમ નહીં કરવામાં આવે તો આપણા આર્મી જવાનો જ દેશને બરબાદ કરી નાખશે.
