Headlines

ગુજરાતમાં વિનામૂલ્યે અને સરાજાહેર દારૂ પીવાની સાચી રીત (પહેલી ધારની વાત: નારન બારૈયા)


ધીસ ઈઝ ધેટ

  • નારન બારૈયા

ચેતવણી: આ લેખ વાંચતા પહેલા પોતાની કલ્પનાશક્તિનો સીટબેલ્ટ બાંધી લેવો. નશો ગમે ત્યારે ચડી શકે છે!

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે: એક, જેઓ છુપાઈને પાપ કરે છે અને બીજા, જેઓ ડંકાની ચોટ પર પુણ્ય કરે છે. હું વ્યક્તિગત રીતે છુપાઈને, ખાનગીમાં કે સંતાઈને દારૂ પીવાના સખત વિરોધમાં છું. મને લાગે છે કે અંધારામાં, બંધ બારણે કે ખાનગીમાં જે કંઈ પણ થાય તે બધું જ ‘પાપ’ ની કેટેગરીમાં આવે છે.

તમને નેવુંના દાયકાની પેલી સુપરહિટ ફિલ્મ ‘સૌગંધ’ યાદ છે? મને એ ફિલ્મ આખેઆખી ગોખાઈ ગયેલી છે. એમાં મુકેશ ખન્ના એટલે કે ચૌધરી સારંગનો એક ડાયલોગ મને વારંવાર યાદ આવે છે. જ્યારે પણ કોઈ છુપાઈને કશું કરતું હોય ત્યારે મારા કાનમાં ચૌધરી સારંગનો અવાજ ગુંજવા લાગે છે: “પ્યાર કરના અગર પાપ નહીં હોતા, તો લોગ ઉસે છુપ કર ક્યૂં કરતે હૈ?” (આ ડાયલોગ પછી પહાડ પરથી પડઘો પડતો હોય એમ એકદમ જોરથી બરાડવાનું હોય છે – “ગંગાઆઆઆઆઆઆ!”).

હવે વિચારો, જો પ્રેમ છુપાઈને કરવો એ પાપ હોય, તો પછી આટલો મોંઘોદાટ દારૂ છુપાઈને પીવો એ કેટલું મોટું પાપ કહેવાય?
દારૂ બાબતમાં બહુ જ મોટા મોટા અને અનુભવી ગુજરાતીઓનું એવું દ્રઢપણે માનવું છે કે, જો તમે પીધા પછી જાહેરમાં ન આવો, તો પછી પીવાની કોઈ મજા જ રહેતી નથી. એ દારૂ પાણીમાં (કે પછી ગટરમાં) ગયો સમજો!

તમે યાર બ્લેકનો મોંઘો દારૂ પીધો હોય, અને પછી ચૂપચાપ ગોદડું ઓઢીને સુઈ જાવ તો એમાં તમારી શું ઇમ્પ્રેશન પડે? અસલી મજા તો ત્યારે છે જ્યારે તમે પીધા પછી લથડિયાં ખાતા ખાતા ફલાણાભાઈની પાનની દુકાને પહોંચો. ત્યાં જઈને મોઢામાં એક મસાલો કે પાન દબાવો, આંગળીઓમાં સિગારેટ ફસાવીને એનો ધુમાડો હવામાં કાઢો અને આસપાસ ઉભેલા પાંચ-પંદર માણસો વચ્ચે તમારું ‘ઇન્ટરનેશનલ નેટવર્ક’ ખુલ્લું પાડો!

ત્યાં સુધી દારૂના પૈસા વસૂલ જ નથી થતા જ્યાં સુધી તમે દુકાને ઉભેલા લોકોને એ ન જણાવો કે અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી સાથે તમારે કેવો ઘરબો છે! પીધા પછી જ્ઞાન આવે કે, “અલ્યા ડોનાલ્ડ ટ્રમ્પને તો મેં જ કીધું’તું કે ભાઈ તું ઇલેક્શનમાં ઉભો રહે, તારો ભાઈ બેઠો છે ઇન્ડિયામાં!” અથવા તો “કાલે જ બેન્ઝમીન નેતાન્યાહૂનો ફોન આવ્યો’તો, રોતો’તો બિચારો, મેં જ એને ખખડાવી નાખ્યો કે રોવાનું બંધ કર અને મિસાઇલો ફોડ!”

જો કોઈ તમારી આ આંતરરાષ્ટ્રીય વાતો સાંભળવા વાળું ન મળે, તો છેલ્લો રસ્તો એ હોય છે કે ખિસ્સામાંથી ફોન કાઢવાનો અને (ભલે સામે કોઈ ન હોય તો પણ) કોઈની પણ સાથે જોરજોરથી મોટી મોટી વાતોએ ચડી પડવાનું. ટૂંકમાં, તમે જાહેરમાં આવીને કંઈક બફાટ કરો, લોકો તમને જુએ, બે-ચાર જણા તમને પકડીને ઘરે મૂકી જાય, તો અને તો જ દારૂના પૈસા વસૂલ થયા ગણાય.

અમારા ગામમાં એક બહુ જ પ્રચલિત કહેવત છે: “પીવાનું પાવલીનું અને આઠ આનાનો ડાન્સ!” સામાન્ય લોકો આ કહેવતને હસીને કાઢી નાખે છે, પણ મારા જેવા ફિલોસોફર મગજના માણસને આમાં એક ભયંકર વૈજ્ઞાનિક સત્ય દેખાયું. મારું આજનું આખું સંશોધન આ કહેવત ઉપર જ આધારિત છે.

જેવી રીતે ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક સિગ્મન્ડ ફ્રોઈડે ‘ઇડીપસ’ની ગ્રીક વાર્તા ઉપરથી ‘ઇડીપસ કોમ્પ્લેક્સ’ નામનો મહાન મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત શોધી કાઢ્યો હતો, બરાબર એ જ રીતે મેં આ દેશી કહેવત અને અમારા ગામના દારૂડિયાઓના ગહન અભ્યાસ પરથી એક નવી સિસ્ટમ શોધી કાઢી છે. આ એવી સિસ્ટમ છે જેનાથી તમે ગુજરાતમાં સતત ૨૪ કલાક, વિના મૂલ્યે, અને એ પણ ધારો તો ખાનગીમાં અને ધારો તો સરાજાહેર (પોલીસની સામે ઉભા રહીને) દારૂ પી શકો છો!

ચાલો, આ કહેવતનું ‘પોસ્ટમોર્ટમ’ કરીએ. કહેવત કહે છે કે માણસ દારૂ ફક્ત ૨૫ પૈસાનો (પાવલીનો) પીવે છે, પણ એનો નશો બતાવવા ડાન્સ ૫૦ પૈસાનો (આઠ આનાનો) કરે છે. આનો સીધો ગાણિતિક અને મનોવૈજ્ઞાનિક મતલબ શું થયો? મતલબ એ થયો કે ૨૫ પૈસાના અસલી દારૂની સામે તે બાકીના ૨૫ પૈસાનો નશો કલ્પના (Imagination) વડે ઊભો કરે છે! એટલે કે ડાન્સમાં ૫૦% આનંદ દારૂનો છે અને ૫૦% આનંદ કલ્પનાનો છે.

બસ, અહીંથી જ મારી નોબેલ પારિતોષિક લાયક શોધ શરૂ થાય છે! મારું ભેજું ચાલ્યું કે, જો ૨૫ પૈસાનો દારૂ પીધા પછી બાકીની બીજી ૨૫ પૈસાની મજા તમે માત્ર મગજની કલ્પના વડે પૂરી કરી શકતા હોત, તો પછી પેલા ૨૫ પૈસા ખર્ચવાની પણ શું જરૂર છે? કલ્પના વડે ૧૦૦% આનંદ પણ શક્ય છે!

માસ્ટરક્લાસ: ‘બારૈયા સ્ટાઈલ’ કલ્પના-પેગ પ્રયોગ:

ચાલો, આજે આપણે એક પ્રયોગ કરીએ. હું તમને મફતમાં દારૂ પીતા શીખવાડું.

સૌપ્રથમ તમારે એવી કલ્પના કરવાની છે કે હું (લેખક) ભગવાન રજનીશ ‘ઓશો’ ની જેમ એક અત્યંત ઊંચા, મખમલી આસન ઉપર બેઠો છું. મેં લાંબો ઝભ્ભો પહેર્યો છે. મારી દાઢી છાતી સુધી લહેરાય છે. અને તમે બધા મારા પરમ શિષ્યો છો, જેઓ નીચે બેસીને મારી પાસે ‘દારૂ પીવાની આધ્યાત્મિક ટ્રેનિંગ’ લઈ રહ્યા છો.

હવે મારી સૂચનાઓનું પાલન કરો:

આંખો બંધ કરો: મગજમાંથી દુનિયાના તમામ ટેન્શન (EMI, પત્નીના મ્હેણાં, બોસની ગાળો) કાઢી નાખો.

પેગ પકડો: તમારો જમણો અથવા ડાબો હાથ હવામાં એવી રીતે ઊંચો કરો જાણે તમારી છાતી પાસે તમે એક ક્રિસ્ટલનો ગ્લાસ પકડ્યો છે.

માહોલ બનાવો: હવે કલ્પના કરો કે તમારી સામે એક સુંદર મજાનું, રોશનીથી ઝળહળતું લાકડાનું ટેબલ છે. હળવું ગઝલનું મ્યુઝિક વાગી રહ્યું છે.

સાકીનું આગમન: કલ્પનામાં જુઓ કે એક અત્યંત સુંદર મજાની ‘સાકી’ (પીરસનાર) તેના મુલાયમ હાથ વડે તમારા ખાલી ગ્લાસમાં ધીમે ધીમે સોનેરી રંગનો દારૂ પીરસી રહી છે. દારૂનો ખળખળ અવાજ તમારા કાનમાં ગુંજી રહ્યો છે.

બાઈટિંગ (ચખના): બાજુમાં ચાંદીની પ્લેટમાં જોરદાર બાઈટિંગ પડ્યું છે. મસાલા કાજુ, ચીઝ-ચેરી-પાઈનેપલ, શેકેલા પાપડ અને ડુંગળી-લીંબુનું કચુંબર છે. (ગુજરાતી છો એટલે એક પ્લેટમાં ગાંઠિયા પણ ધારી લેવા).

ચીયર્સ!: હવે એ હવામાં રહેલો ગ્લાસ હોઠે લગાવો. એક ઊંડો શ્વાસ લો. હવામાં જ સાવ નિરાંતે નિરાંતે ગટ-ગટ-ગટ કરતા ત્રણ-ચાર પિયાલા ગટગટાવી જાવ.

આટલું કરશો એટલે મગજમાં ડોપામાઈન રિલીઝ થશે અને તમને થોડી-થોડી ચડવા લાગશે. હવે મેઈન કામ શરૂ થાય છે. જેવી થોડી ચડે, એટલે કલ્પનાના જોરે એને ધક્કો મારીને વધુ ચડાવવાની છે!

તમારે તમારી જાતને મનોમન વડાપ્રધાન, વિશ્વનો રાજા, બ્રહ્માંડનો ઈન્દ્ર અથવા તો સાક્ષાત ઈશ્વર માની લેવાના છે. આ મારો ખુલ્લો દાવો અને ગેરંટી છે કે, તમે કલ્પનામાં જે માની લેશો, એ તમે એ જ ક્ષણે બની જશો

પૂરેપૂરો નશો મગજમાં વ્યાપી જાય એટલે ધીમે રહીને આંખો ખોલો. આહા! હવે તમને દુનિયા રંગીન અને ગોળ-ગોળ ફરતી લાગશે.

હવે તમારી પાસે બે રસ્તા છે: જો તમારે શાંતિ જોઈતી હોય, તો એ જ કાલ્પનિક નશાના આનંદ સાથે ખાટલામાં જઈને ઘોરવા માંડો (નસકોરાં બોલાવો). પણ જો તમે સાચા ગુજરાતી છો અને તમારે ‘આઠ આનાનો ડાન્સ’ કરવો છે, તો તમારે ગામમાં ‘ફાકા-ફોજદારી’ કરવા જવાનું છે. બહાર નીકળો!
દુકાને, પાનના ગલ્લે, ચોકમાં કે કોઈક બીજી જાહેર જગ્યાએ જાઓ. પણ હા, ચાલવામાં ધ્યાન રાખજો. સીધું નથી ચાલવાનું. કલ્પનામાં ૩-૪ પેગ માર્યા છે એટલે થોડું થોડું લથડિયાં ખાતા ખાતા ચાલવાનું છે. બે ડગલાં ડાબી બાજુ, બે ડગલાં જમણી બાજુ. જેથી કરીને નશાનો સુંદર અહેસાસ આખી દુનિયાને થાય.

બસ, આ રીતે બહાર નીકળો અને વાતોથી દુનિયાને ખેદાન-મેદાન કરી નાખો. ગલ્લે જઈને ભાષણ આપો કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ તમે કઈ રીતે રોકી શકો તેમ છો.

આ મારી સિસ્ટમનું, એટલે કે ‘બારૈયા સ્ટાઈલ’નું સૌથી મોટું જમા પાસું શું છે ખબર છે? તમે આ રીતે ભરબજારે લથડિયાં ખાતા હશો, અને ધારો કે ગુજરાત પોલીસની પીસીઆર વાન આવી ગઈ. ઇન્સ્પેક્ટર તમને કોલર પકડીને બ્રેથ-એનલાઇઝર (પેલી ફૂંક મારવાનું મશીન) મોઢામાં નાખશે. તમે પૂરી તાકાતથી ફૂંક મારશો અને મશીનમાં આંકડો આવશે: 0.00%!

પોલીસ ગોથે ચડી જશે કે સાલો આટલો બધો પીધેલો છે, પણ મશીન કેમ નથી પકડતું? પોલીસ પણ તમને પકડી નહીં શકે. (ઇન્સ્પેક્ટર જમાદાર ને કહેશે: આ ભાઈને જ્યાં જતા હોય ત્યાં જવા દો અને આ મશીનને રીપેર કરવા માટે જવા દો!) કાયદાની કોઈ કલમ ‘કાલ્પનિક દારૂ’ માટે બની જ નથી! અને આખા ખેલમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ થયો જ નથી! ખર્ચો ઝીરો અને નશો હીરો!
તમને કદાચ લાગતું હશે કે હું હવામાં ગોળીબાર કરી રહ્યો છું, પણ મારી આ થિયરીને મોટા ગજાના સાહિત્યકારો અને કલાકારોનું સમર્થન પ્રાપ્ત છે.

એકવાર મેં પોરબંદરના પ્રખ્યાત શ્રી હરિ મંદિર ખાતે ભજન સમ્રાટ અનુપ જલોટાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. વાતો વાતોમાં તેમણે ડો. હરિવંશરાય બચ્ચનની પ્રખ્યાત રચના “મધુશાલા” (દારૂખાનું) ના ભરપેટ વખાણ કર્યા. કવિતાની પંક્તિઓ ગાઈ ગાઈને સંભળાવી.
તે વખતે હું થોડો ભોળો હતો એટલે મેં એમને સીધો જ પ્રશ્ન પૂછી લીધો કે, “જલોટાજી, તમે તો ભજન ગાવ છો, તો તમને દારૂ અને મધુશાલા પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ છે?!”

ત્યારે એમણે હસીને એક બહુ જ ગહન વાત કહી હતી. તેમણે કહ્યું: “અરે ભાઈ! મધુશાલા એ કોઈ પીવાનો દારૂ નથી, પરંતુ અંતરના આનંદની, આત્માની મસ્તીની એક અનોખી રીત છે. એમાં જે નશો છે તે આધ્યાત્મિક છે!”

બસ! એ દિવસે મને જ્ઞાન લાધ્યું હતું. તો હવે વિનામૂલ્યે અને સરાજાહેર દારૂ પીવાની મારી આ નવી શોધ વિશે હું અંતમાં આટલું જ કહીશ કે:

તમારી કલ્પનાને એટલી મજબૂત કરો, એટલી ઘાટી અને સ્ટ્રોંગ બનાવો કે તમને એમ જ લાગે કે આ કોઈ કલ્પના નથી પણ બ્લેકમાં લાવેલો વાસ્તવિક ઓરિજિનલ દારૂ જ છે. આ રીતે વાસ્તવિકતાથી, વાસ્તવિકતાપૂર્વક કાલ્પનિક દારૂ પીવો, મફતમાં નશો કરો અને જીવનની મોજ કરો!

(અંતિમ નોંધ: જો આ છેલ્લું વાક્ય વાંચીને તમારું મગજ ચકરાવે ચડી ગયું હોય અને તમને કશું જ ન સમજાયું હોય, તો એનો સીધો અર્થ તમારે એ જ કરવાનો કે આ લેખ લખતા લખતા મને પણ થોડી ચડી ગઈ છે, અને વાંચતા વાંચતા તમને પણ મફતમાં થોડી ચડી ગઈ છે!

યાહૂઉઉઉઉઉઉઉઉઉ…!)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *