પોલીસે દરોડો પાડીને 11,200 રૂપિયાની રોકડ અને ગંજીપત્તાના પાના જપ્ત કર્યા, તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામની સીમમાં અને શ્મશાન વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ હકીકત મળી હતી કે વાવડી ગામના શ્મશાન પાસે પલોયણા પાનીયારી અને નેહડા વાડી વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના અને પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફના અર્જુનસિંહ બાપુભાઈ ગોહીલ, અનિલભાઈ હિંમતભાઈ મકવાણા તથા બી.એચ. સોલિયા દ્વારા તે વિસ્તારમાં પહોંચીને સચોટ વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં અચાનક રેડ કરવામાં આવી હતી.
આ રેડ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા ઇસમોમાં દોડધામ મચી ગઈ હતી પરંતુ પોલીસે ફરતા માણસોને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન પકડાયેલા તમામ ઈસમોએ પોતાના નામ કિશોરસિંહ ચતુરસિંહ ગોહિલ (ઉ.વ.૫૦), દયાલભાઈ ચાંપભાઈ ચુડાસમા (ઉ.વ.૪૫), અશોકભાઈ ભુથાભાઈ ચુડાસમા (ઉ.વ.૪૭), કાંતીભાઈ ધિરુભાઈ ખસિયા (ઉ.વ.૪૭) અને જીવરાજભાઈ માધાભાઈ ખસિયા (ઉ.વ.૩૬) હોવાનું જણાવ્યું હતું. આ તમામ 5 આરોપીઓ ઘોઘા તાલુકાના વાવડી ગામના રહેવાસી છે.
પોલીસ દ્વારા સ્થળ પરથી જુગારના સાધનો, ગંજીપત્તાના પાના તેમજ કુલ રૂપિયા 11,200 નો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમીને કાયદાનો ભંગ કરવા બદલ આ તમામ 5 ઇસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગાર જેવી બદીઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સફળ કામગીરીથી સ્થાનિક સ્તરે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
