Headlines

ભાવનગર લઠ્ઠાકાંડ: નકલી દારૂની મહેફિલ બની જીવલેણ, તંત્રની નિષ્ક્રિયતા અને બુટલેગરોની મીલીભગત સામે મોટા સવાલો



​વરતેજમાં બોટલિંગ અને ખરકડીની પાર્ટીએ છીનવ્યા નવ નિર્દોષના જીવ, ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે પ્રજામાં વ્યાપેલો ભારે આક્રોશ

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર
​ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સમયાંતરે બનતી લઠ્ઠાકાંડની ઘટનાઓ હવે એક કમનસીબ નિયમિત પ્રક્રિયા બની ગઈ છે. તાજેતરમાં ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડે ફરી એકવાર સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ઘટનામાં અત્યાર સુધી નવ લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો સારવાર હેઠળ હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત છે. આ ભયાનક ઘટનાની શરૂઆત ખરકડી ગામે સોળમી ઓગસ્ટના રોજ યોજાયેલી એક મિત્રોની પાર્ટીથી થઈ હતી. આ પાર્ટીમાં પીરસાયેલો દારૂ નકલી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનું બોટલિંગ ભાવનગરના વરતેજ વિસ્તારમાં થયું હતું. બુટલેગરોએ વિદેશી દારૂની લોકપ્રિય બ્રાન્ડ રોયલ સ્ટેગની બોટલોમાં ઝેરી અને નકલી દારૂ ભરીને, તેના પર ડુપ્લિકેટ સ્ટીકરો લગાવીને બજારમાં ઉતાર્યો હતો. મહેફિલના શોખીનોને અસલી દારૂના નામે ઝેર પીરસવામાં આવ્યું, જેના પરિણામે પાર્ટીના ત્રણ દિવસની અંદર જ ટપોટપ નવ લોકોના મોત નિપજ્યા અને અનેક પરિવારો બરબાદ થઈ ગયા.
​આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ સિસ્ટમમાં દારૂ અને બુટલેગરો કેવી રીતે કોઠે પડી ગયા છે તેનો જીવતો જાગતો પુરાવો છે. ભાવનગર જેવા વિસ્તારમાં પોલીસ દર મહિને સરેરાશ પચાસ લાખ રૂપિયાથી વધુનો દારૂ પકડે છે. જો આટલો દારૂ પોલીસના હાથે પકડાય છે, તો પકડાયા વગરનો કેટલો દારૂ વહેચાતો હશે અને કેટલા લોકો તેનું સેવન કરતા હશે, તે એક મોટો પ્રશ્ન છે. બુટલેગરોનું લિસ્ટ એટલું લાંબુ છે કે તે સિસ્ટમમાં કેટલા ઊંડા ઉતરેલા છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. બુટલેગરો અને પોલીસ કર્મચારીઓ વચ્ચેની મિલીભગત હવે છૂપી રહી નથી. જ્યાં પણ દારૂ વેચાય છે, ત્યાં ક્યાંકને ક્યાંક સ્થાનિક તંત્રનો હાથ હોવાની શંકા પ્રબળ બની છે. આ પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે લોકો હવે દારૂબંધીની વાતો પર હસી કાઢે છે.
​રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના બાદ ત્વરિત પગલાં ભરતા અધિકારીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી અને કડક સૂચનાઓ આપી હતી. જે પણ અધિકારીઓ કે કર્મચારીઓની બુટલેગરો સાથે સાંઠગાંઠ જોવા મળે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. જોકે, ભૂતકાળના અનુભવોને જોતા સામાન્ય પ્રજામાં ભારે અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે આવી ઘટનાઓ બાદ થોડા દિવસ પોલીસની દોડધામ અને સસ્પેન્શન જેવી કાર્યવાહી થાય છે, પરંતુ થોડા સમય બાદ બધું રાબેતા મુજબ થઈ જાય છે. લોકોના મતે આ કાયમી ઉકેલ નથી. જ્યારે ભાવનગરની આ ઝેરી દારૂની ખેપ બોટાદ અને અમરેલી જેવા જિલ્લાઓની સરહદ સુધી પહોંચી હોવાની ચર્ચા છે, ત્યારે માત્ર કેટલાક આરોપીઓને પકડવાથી આ સમસ્યાનો અંત આવવો મુશ્કેલ છે. ખરા અર્થમાં ગુજરાતમાં દારૂબંધી ત્યારે જ ગણાય જ્યારે એક પણ બોટલ ક્યાંય વેચાતી ન હોય, બાકી અત્યારે તો દારૂબંધી માત્ર કાગળ પર જ જીવિત હોય તેવી સ્થિતિ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *