Headlines

​ટેક ક્ષેત્રમાં નોકરીઓનો ‘કાળમુખો’ કાળ: શું એન્જિનિયરોએ હવે ખેતરમાં હળ ચલાવવાનો વારો આવશે?

નવી દિલ્હી/અમદાવાદ

​વર્ષ 2026 ટેકનોલોજીના ઈતિહાસમાં એક એવા વર્ષ તરીકે અંકિત થઈ રહ્યું છે, જ્યાં પ્રગતિના નામે વિનાશના પગલાં વધુ દેખાઈ રહ્યા છે. વિશ્વભરની નામાંકિત આઈટી અને ટેક કંપનીઓમાં છટણીનો જે સિલસિલો શરૂ થયો હતો, તેણે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચાલુ વર્ષના માત્ર પ્રથમ ત્રણ મહિનામાં જ 80,000થી વધુ કુશળ કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી છે. જો આ જ ગતિ ચાલુ રહી, તો વર્ષના અંત સુધીમાં આ આંકડો 3 લાખને પાર કરી જવાની ભીતિ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

કેમ આવી આ પરિસ્થિતિ?

​નિષ્ણાતોના મતે, આ સમસ્યાના મૂળિયાં વર્ષ 2021-22માં છે. કોવિડ-19ના સમયગાળા દરમિયાન જ્યારે દુનિયા ડિજિટલ બની રહી હતી, ત્યારે ટેક કંપનીઓએ અંધાધૂંધ અને આડેધડ ભરતીઓ કરી હતી. હવે જ્યારે બજારમાં સ્થિરતા આવી છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ટેકનોલોજી માનવ શ્રમનું સ્થાન લઈ રહી છે, ત્યારે કંપનીઓ ‘સંતુલન’ જાળવવાના બહાને લાખો લોકોને ઘરભેગા કરી રહી છે. 2021 પછી અત્યાર સુધીમાં વિશ્વભરમાં 10 લાખથી વધુ ટેક નોકરીઓ ખતમ થઈ ચૂકી છે.

વિકાસનો ‘વિનાશક’ પક્ષ: એસી ઓફિસથી ખેતર સુધીની સફર

​આપણે જે ગતિએ આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યા છીએ, તેની એક વરવી વાસ્તવિકતા હવે સામે આવી રહી છે. જો ટેકનોલોજીનો આ પ્રકારનો ‘એકાંગી’ વિકાસ ચાલુ રહ્યો, તો તે દિવસો દૂર નથી જ્યારે મોટી-મોટી ટેકનોલોજીકલ ડિગ્રીઓ અને લાખોના પગાર ધરાવનારા લોકોએ પોતાની આરામદાયક એસી ઓફિસો અને રિવોલ્વિંગ ખુરશીઓ છોડવી પડશે.

​આજે જે યુવાનો એવું માને છે કે તેમની ડિગ્રી તેમને આજીવન સુરક્ષા આપશે, તેમણે જાગવાની જરૂર છે. બજારની સ્થિતિ એવી બની શકે છે કે સોફ્ટવેર એન્જિનિયરો કે ડેટા સાયન્ટિસ્ટોએ પેટિયું રળવા માટે ખેતરમાં મજૂરી કરવા કે મકાન બાંધકામ જેવા શારીરિક શ્રમના કામો કરવાની ફરજ પડી શકે છે.

માનસિકતા બદલવાનો સમય

​આ વિકાસ સૌથી વધુ તે લોકો માટે જોખમી સાબિત થશે જેઓ ‘ઈગો’ (અહંકાર) લઈને ફરે છે. સમાજમાં એવો એક મોટો વર્ગ છે જે મોટી ડિગ્રી મેળવ્યા પછી સામાન્ય કે નાના કામો કરવામાં નાનપ અનુભવે છે.

  • નાના કામ પ્રત્યે અણગમો: જે લોકો “હું તો એન્જિનિયર છું, હું આ કામ કેમ કરું?” તેવી માનસિકતા ધરાવે છે, તેમના માટે આવનારો સમય અત્યંત કપરો અને માનસિક રીતે તોડી નાખનારો હશે.
  • કૌશલ્ય વિરુદ્ધ ડિગ્રી: હવે ડિગ્રી માત્ર કાગળનો ટુકડો બની રહી છે. જો તમારી પાસે સમય સાથે બદલાવાની ક્ષમતા નથી, તો આધુનિક ટેકનોલોજી તમને ફેંકી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *