શંભુ સિંહ, ભાવનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૭ જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશના ૭૫ પુનર્વિકસિત રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કર્યું હતું. આ શ્રેણીમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા પોરબંદર રેલવે સ્ટેશનનું પણ નવનિર્મિત સ્વરૂપમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે આધારભૂત સુવિધા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની સાથે નવી રેલ સેવાઓને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ સમારોહમાં અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં સાગરભાઈ મોદી, બાબુભાઈ બોખીરિયા, ચેતનાબેન તિવારી, શીતલબેન ઓડેદરા સહિતના અનેક જનપ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને ગણમાન્ય નાગરિકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત તમામ લોકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું. સમારોહ બાદ ઉપસ્થિત મહેમાનોએ પુનર્વિકસિત સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને ત્યાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓની સરાહના કરી હતી.
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પોરબંદર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ અત્યંત આધુનિક અભિગમ સાથે કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરો માટે આકર્ષક સ્થાપત્ય, દિવ્યાંગજનને અનુકૂળ વિશેષ વ્યવસ્થાઓ, આધુનિક પ્રતીક્ષાલય, ઉત્તમ પ્રકાશ વ્યવસ્થા અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્ટેશનની નવી ડિઝાઇનમાં સ્થાનિક સાંસ્કૃતિક વારસાને પણ યોગ્ય રીતે પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને કારણે મુસાફરોને હવે વિશ્વસ્તરીય અનુભવ મળશે અને સમગ્ર પ્રદેશમાં પર્યટન, વેપાર અને આર્થિક ગતિવિધિઓને નવી ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં મંડળના તમામ શાખા અધિકારીઓ, પર્યવેક્ષકો અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓએ ઉપસ્થિત રહી સફળ બનાવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોએ ભારતીય રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસકાર્યોને ઐતિહાસિક ગણાવ્યા હતા. અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા સંચાલિત આ કાર્યક્રમે રેલવે સ્ટેશનોને આધુનિક, સુરક્ષિત અને મુસાફર-કેન્દ્રિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત કર્યું છે.
