Headlines

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય: વલસાડ અને સુરતમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ


​ધ ગ્રેટ વર્લ્ડ, સુરત

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમના સરેરાશ વરસાદના ૨૬ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધુ ૩૬ ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનો સાથે ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાતા લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલા વરસાદને કારણે ખેડૂતોમાં વાવણી લાયક માહોલ સર્જાતા ખુશીની લહેર જોવા મળી છે. જોકે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની અછત છે, જ્યાં માત્ર ૧૬ ટકા જેટલો જ પવન સાથે હળવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે પવન અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *