ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર (૨૩ મે ૨૦૨૬)
પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ (કલેક્ટર) દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટલના સંચાલકે બહારથી આવતા ગ્રાહકોની ફરજિયાત નોંધણી કરવા માટેના સરકારી ‘પથીક સોફ્ટવેર’માં એન્ટ્રી ન કરી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાયસેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન હેઠળ આવતી હનુમાન ગુફા પોલીસ ચોકી પાસે, હોટલ રૂપાલીની સામે આવેલ ‘હોટલ પુષ્પક’માં એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૨૩ મે ૨૦૨૬ ના રોજ દાખલ થયેલી ફરિયાદ અનુસાર, તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, હોટલના મેનેજર અને માલિક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ નાથાલાલ પંડીત (ઉંમર વર્ષ ૫૦, રહે. છાંયા મીરાનગર, વાછરાદાદાના મંદિર પાસે, પોરબંદર) એ સરકારી નિયમોનું પાલન કર્યું ન હતું.
હોટલમાં રોકાવા આવતા દેશ-વિદેશના કે અન્ય ગ્રાહકોની સુરક્ષાના કારણોસર ઓનલાઈન પોર્ટલ પર વિગતો અપલોડ કરવાની હોય છે. જોકે, આ હોટલ સંચાલકે ૧૨ મે ૨૦૨૬ થી લઈને ૨૩ મે ૨૦૨૬ સુધીના લાંબા સમયગાળા દરમિયાન હોટલમાં આવતા-જતા ગ્રાહકોની કોઈ પણ પ્રકારની એન્ટ્રી ‘પથીક સોફ્ટવેર’માં કરી ન હતી. આ બેદરકારી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી પોરબંદરના જાહેરનામાનો સીધો ભંગ ગણાય છે. આથી, કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી ભરતભાઈ પંડીત સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક હોટલ ઉદ્યોગ અને ગેસ્ટ હાઉસના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
