જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ, 58.16 ટકા સ્ત્રી મળી સરેરાશ 64.02 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. આ સાથે ખંભાળિયા તાલુકા પંચાયતની 24 બેઠક માટે 68.07 ટકા, ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠક માટે 57.32 ટકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 65.58 ટકા અને દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 62.42 ટકા મતદાન થવા પામ્યું છે.
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની 9 વોર્ડની 31 બેઠક માટેની ચૂંટણીમાં 61.84 ટકા અને જામ રાવલ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણીમાં 79.12 ટકા મતદાન થવા પામ્યું છે. આ સાથે સલાયા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 57.31 ટકા મતદાન થયું છે.
જિલ્લામાં કુલ 2,99,743 પુરુષ અને 2,32,993 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, જિલ્લામાં કુલ 5 લાખ 32 હજાર 736 લોકોએ મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ચૂંટણીમાં સલાયાની પેટા ચૂંટણીમાં પુરુષ કરતા સ્ત્રી મતદારોનું મતદાન વધુ રહ્યું છે.
આ વચ્ચે નોંધનીય છે કે આજરોજ મતદાન પૂર્વે જ ખંભાળિયાની વોર્ડ નંબર 6 ની આખી પેનલ તેમજ અન્ય એક ઉમેદવાર સહિત નગરપાલિકાના 5 ઉમેદવારો અને ખંભાળિયા તાલુકા પંચાયતમાં 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.
ગઈકાલે રવિવારે રાત્રે જિલ્લાના તમામ 420 ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.માં શીલ થયા છે અને જે-તે સ્થળે સુરક્ષિત રીતે ઈ.વી.એમ. મશીનો પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે. મંગળવાર તા. 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરીમાં ઉમેદવારોના ભાવિ ખુલશે. હાલ કોણ ઉમેદવાર જીતશે અને કોણ હારશે તે અંગેની ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે.
– જિલ્લા પંચાયતની વાડીનાર બેઠક પર સૌથી વધુ અને ઢેબર બેઠક પર સૌથી ઓછું મતદાન –
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની વાડીનાર (ખંભાળિયા) બેઠક પર સૌથી વધુ 83.97 ટકા મતદાન અને તાલુકા પંચાયતમાં કાઠી દેવળીયા (ખંભાળિયા) બેઠક પર સૌથી વધુ 86.04 ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયતમાં સૌથી ઓછું મતદાન ઢેબર બેઠક પર 53.02 ટકા અને તાલુકા પંચાયતની ધ્રાસણવેલ (દ્વારકા) બેઠક પર 36.77 ટકા મતદાન થયું છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો મુજબ, જિલ્લા પંચાયતની બેઠકમાં ભાણવડ તાલુકામાં આવતી વેરાડ બેઠક પર 61.90 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી નંદાણા બેઠક પર 74.16 ટકા, દ્વારકા તાલુકામાં આવતી વરવાળામાં 68.17 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે.
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક પર 73.97 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી ભોગાત બેઠક પર 83.29 બેઠક અને દ્વારકા તાલુકામાં આવતી વરવાળા બેઠક પર 81.50 ટકા સૌથી વધુ મતદાન થયું છે.
જિલ્લા પંચાયતની ખંભાળિયા તાલુકામાં આવતી ચારબારા બેઠક પર 57.89 ટકા, ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક 53.02 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી લાંબા બેઠક પર 54.88 ટકા, દ્વારકા તાલુકામાં આવતી બરડીયા બેઠક પર 55.87 ટકા તેમજ તાલુકા પંચાયતમાં ખંભાળિયા તાલુકામાં ચારબારા બેઠક પર 55.50 ટકા, ભાણવડ તાલુકામાં આવતી ગડુ બેઠક પર 41.40 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી પટેલકા બેઠક પર 47.21 ટકા અને દ્વારકા તાલુકામાં આવતી ધ્રાસણવેલ બેઠક પર 36.77 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
નગરપાલિકામાં જોઈએ તો ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં. 8 માં 70.11 ટકા, જામ રાવલના વોર્ડ નં. 6 માં 86.45 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે, ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં. 7 માં 56.06 ટકા અને જામ રાવલના વોર્ડ નં. 71.11 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.


