તલગાજરડા ચિત્રકુટધામ ટ્રસ્ટ દ્વારા પીડિતોને કુલ 6,75,000 રૂપિયાની આર્થિક મદદ અપાશે
ધ ગ્રેટ વર્લ્ડ મહુવા,
રવિવાર: રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે મોરારિબાપુએ ઊંડી શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાના માધ્યમથી માનવીય સંવેદનાનો સંદેશ આપનારા મોરારિબાપુએ આ કપરા સમયમાં પીડિત પરિવારોની વહારે આવતા આર્થિક સહાયની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલા અલગ-અલગ અકસ્માતોમાં કુલ 45 વ્યક્તિઓના મરણ થતાં તેમના પરિવારજનોને કુલ 6,75,000 રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવશે. મોરારિબાપુ હંમેશા રામકથાની સાથે માનવીય મૂલ્યોને પ્રાધાન્ય આપતા રહ્યા છે અને આ મદદ તે જ સંવેદનાનો એક ભાગ છે.
આ સંવેદના સહાયની વિગતો મુજબ, પ્રત્યેક મૃતકના પરિવારને 15,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ રકમ શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત અસરગ્રસ્ત પરિવારોને સીધી રીતે અથવા જે-તે રાજ્યોના મુખ્યમંત્રી રાહત ભંડોળના માધ્યમથી મોકલી આપવામાં આવશે. અકસ્માતનો ભોગ બનેલાઓમાં મધ્યપ્રદેશના સ્યોપુરના પરિવારના 5 સભ્યો છે જેમની ગાડી રાજસ્થાનના કોટા પાસે સળગી ગઈ હતી. આ સિવાય રાજકોટના આજી તળાવમાં ડૂબી જવાથી 4 વ્યક્તિઓ, ભાવનગરથી સોમનાથ જતી બસ પલટી જતાં 2 વ્યક્તિઓ અને જમ્મુમાં નાળાના સમારકામ વખતે અકસ્માતે 3 શ્રમિકોના મોત થયા હતા.
ઉત્તરપ્રદેશના બલિયામાં ગંગા નદીમાં ડૂબી જવાથી 4 વ્યક્તિઓ અને પંચમહાલના હાલોલ પાસે દેવ જળાશયમાં ડૂબી જવાથી 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. તેમજ રાજકોટ-ગોંડલ માર્ગ પર થયેલા વાહન અકસ્માતમાં થાનગઢના પરિવારની 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ તમામ ઘટનાઓ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં થયેલા ભારે વરસાદ અને કુદરતી હોનારતમાં સૌથી વધુ 23 વ્યક્તિઓના મોત થયા છે. આમ, કુલ 45 મૃતકોના વારસદારોને આર્થિક સહાય પહોંચાડી મોરારિબાપુએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તલગાજરડાથી રવિવારે આ તમામ પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
