ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
દેશ અને રાજ્યમાં હાલમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની પેટ્રોલિયમ વસ્તુઓની અછત તેમજ વધતા જતા ભાવોના કારણે ઊભી થયેલી આર્થિક કટોકટી વચ્ચે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદરના એડવોકેટ અને નોટરી ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને સરકારી ખર્ચાઓમાં મોટા પાયે કાપ મૂકવા માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા છે. પત્રમાં જણાવાયું છે કે ગુજરાત પોલીસ વિભાગમાં કર્મચારીઓની મોટી અછત પ્રવર્તી રહી છે ત્યારે બીજી તરફ વર્ષોથી પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ મંત્રીઓ અને અનેક રાજકીય અગ્રણીઓને વ્યાપક પ્રમાણમાં પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું છે. આ વીઆઈપી સુરક્ષા વ્યવસ્થા પાછળ દર મહિને સરકારના લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. સરકારે આ બિનજરૂરી પોલીસ બંદોબસ્ત તાત્કાલિક અસરથી હટાવી લેવો જોઈએ અને જે વ્યક્તિઓને ખરેખર સુરક્ષાની જરૂર હોય તેમણે પોતાના અંગત ખર્ચે સુરક્ષા વ્યવસ્થા રાખવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
પત્રમાં સરકારી તંત્ર અને ન્યાયતંત્રમાં થતા અન્ય બિનજરૂરી ખર્ચાઓ તરફ પણ આંગળી ચીંધવામાં આવી છે. ગુજરાત રાજ્યના સનદી અધિકારીઓ જેવા કે આઈએએસ, આઈપીએસ અને ન્યાયાધીશોને પોલીસ પ્રોટેક્શનની સાથે તેમના નિવાસસ્થાને સ્ટેન્ડબાય ગાર્ડની સુવિધા આપવામાં આવે છે. આ ઉપરાંત ડીવાયએસપીથી લઈને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને પોલીસ કમાન્ડો ફાળવવામાં આવે છે. સચિવો, કલેક્ટરો અને કમિશનરોને પણ આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. દેશ જ્યારે આર્થિક ભીંસમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે આ તમામ અધિકારીઓએ સામેથી આવી સુવિધાઓ અને ભથ્થાંઓનો ત્યાગ કરવો જોઈએ. ગુજરાતની મોટાભાગની કોર્ટોમાં ન્યાયાધીશોને અપાતી સુરક્ષા અને ઘરઘાટીની સુવિધાઓ પરત લેવાથી સરકારને દર મહિને લાખો રૂપિયાની બચત થઈ શકે છે. રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓ અને પૂર્વ પદાધિકારીઓને વર્ષોથી સરકારી ખર્ચે મળતા પોલીસ કમાન્ડો પાછા ખેંચવા જોઈએ અથવા તો તેમણે આ સુવિધાનો ખર્ચ પોતે ભોગવવો જોઈએ.
વધુમાં એડવોકેટે રજૂઆત કરી છે કે દેશ હિતની વાતો કરતા રાજકીય નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોએ વર્તમાન આર્થિક સ્થિતિને જોતા પોતાના પગાર અને ભથ્થાં લેવાનું બંધ કરવું જોઈએ અથવા આ નાણાં રાષ્ટ્રને અર્પણ કરવા જોઈએ. વર્તમાન સમયમાં સરકારી મેળાવડા અને રાજકીય સત્કાર સમારંભો પર સંપૂર્ણ રોક લગાવવી અનિવાર્ય બની ગઈ છે. ન્યાયતંત્રના વડાઓએ પણ પોતાના પગાર ભથ્થાં ન લેવા જોઈએ. લોકોની રોજિંદી વહીવટી જરૂરિયાતો જેવી કે રેશનકાર્ડ, આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ, આવકના દાખલા અને અન્ય ઓબીસી સર્ટિફિકેટ મેળવવા માટે લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને તેના લીધે પેટ્રોલ તથા ડીઝલનો મોટો વ્યય થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારી કચેરીઓની કામગીરી જે તે સ્થળ પર કે ગામડાઓમાં જઈને કેમ્પના માધ્યમથી વહીવટી નિકાલ કરવો જોઈએ જેથી સાચા અર્થમાં વર્ક ફ્રોમ હોમ સાર્થક થઈ શકે.
સરકારી વાહનોના દુરુપયોગ અંગે પત્રમાં ચિંતા વ્યક્ત કરતા જણાવાયું છે કે કેટલાક સરકારી અધિકારીઓ કચેરીના વાહનોનો ઉપયોગ પોતાના પરિવાર સાથે ફરવા જવા માટે કે અંગત કામો માટે કરે છે, જેની સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. નેતાઓએ માત્ર રાષ્ટ્રભક્તિની વાતો કરવાના બદલે પોતાના જીવનમાં સાદગી ઉતારવી જોઈએ. ભૂતકાળમાં એસટી બસમાં મુસાફરી કરીને સાદગીનું ઉદાહરણ પૂરું પાડનારા નેતાઓનો ઉલ્લેખ કરીને વર્તમાન પદાધિકારીઓને પણ પોતાના જીવનમાં સાદગી અપનાવી જનતાને સાચો સંદેશ આપવા પત્રના અંતમાં ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ અનુરોધ કર્યો છે.
