જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ ચાર તાલુકા પંચાયતની યોજાઈ ગયેલી ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. જેમાં નોંધપાત્ર કહી શકાય તેવી દ્વારકાની તાલુકા પંચાયતની તમામ 16 બેઠક તેમજ ખંભાળિયા અને ભાણવડમાં પણ ભાજપની સ્પષ્ટ બહુમતી વચ્ચે કોંગ્રેસને કલ્યાણપુરમાં બહુમતી સાંપડી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી મતદાન પ્રક્રિયા બાદ આજરોજ મંગળવારે જિલ્લાની તમામ ચાર તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી સ્થાનિક કક્ષાએ કરવામાં આવી હતી. જેમાં 16 બેઠક વાળી દ્વારકા તાલુકા પંચાયતમાં 62.30 ટકા થયેલા મતદાન બાદ દ્વારકાની તમામ 16 બેઠક આ વખતે ભાજપે કબજે કરી હતી. ગત ચૂંટણીમાં દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપના 15 સભ્યો હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકા પંચાયતની 24 બેઠકમાં થયેલા 68.07 ટકા મતદાનની આજરોજ થયેલી મત ગણતરીમાં ભાજપને 24 પૈકી 22 બેઠક મળી હતી. જ્યારે કાઠી દેવળીયા અને વાડીનાર એમ બે બેઠક પર "આપ"નો કબજો રહ્યો છે. નોંધનીય છે કે ચૂંટણી પૂર્વે જ ખંભાળિયા તાલુકા પંચાયતમાં બે બેઠક ભાજપ તરફે બિનહરીફ થઈ ચૂકી હતી. ગત ચૂંટણીમાં 24 પૈકી ભાજપના 13, કોંગ્રેસના 9, એક આમ આદમી પાર્ટી અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા.
ભાણવડ તાલુકા પંચાયતની 16 પૈકી 14 બેઠક ભાજપના ફાળે ગઈ છે. જ્યારે ચોખંડા અને કાટકોલા એમ બે બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. મહત્વની બાબત તો એ છે કે ગત ચૂંટણીમાં ભાજપને માત્ર 4 બેઠક મળી હતી. જેમાં આ વખતે 10 બેઠકનો તોતિંગ વધારો થવા પામ્યો છે. આ વખતની ભાણવડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 57.32 ટકા મતદાન થયું હતું.
24 બેઠક ધરાવતી કલ્યાણપુર તાલુકા પંચાયતમાં આ વખતે 11 સભ્યો સાથે કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. જ્યારે ભાજપના 9 અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો વિજેતા બન્યા છે. આ વખતે કલ્યાણપુર તાલુકા પંચાયત માટે 65.68 ટકા મતદાન થયું હતું. ગત ટર્મમાં ભાજપને મળેલી 8 બેઠકમાં આ વખતે 1 બેઠકનો ઉમેરો થયો છે.
આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકા પંચાયતની કુલ 80 પૈકી 61 બેઠક ભાજપને, 11 બેઠક કોંગ્રેસને અને 8 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે.
આ વચ્ચે નોંધનીય છે કે 81 – ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર (ખંભાળિયા-ભાણવડ)માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસના જાણે સૂપડા સાફ થઈ ગયા હોય તેવું ચિત્ર ખડું થયું છે. જ્યારે આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યાનું આ ચૂંટણી આંકડા પરથી જોવા મળે છે.
