ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતો નિવારવા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓએ સ્કૂલ/ કોલેજોમાં તથા જાહેર સ્થળોએ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવા ટ્રાફિક પોલીસને સૂચના આપેલ હોય જે અંતર્ગત આજરોજ ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોરબંદર જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક શાખાના એ.એસ.આઈ.ભાવનાબેન સોલંકી,પોલીસ હેડ કોન્સ.માલીબેન મોઢવાડિયા તથા ટ્રાફિક બ્રિગેડ જયપાલભાઈ વિંઝુડા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવાની યોગ્ય રીત, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઓવરસ્પીડથી થતા અકસ્માતોના જોખમ તેમજ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત સગીર વયના બાળકો દ્વારા વાહન ચલાવવાના કાયદાકીય પરિણામોની પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષિત જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો. સ્કૂલ સંચાલકોએ આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં જવાબદાર નાગરિકતા વિકસાવવામાં ખૂબ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.
અંતમાં ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સલામતી અંગે જાગૃત રહેવા તથા અન્ય લોકોને પણ પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.
